12 January, 2026 01:07 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)ની ચૂંટણીમાં ચૂંટણી-ફરજ માટે નિયુક્ત ૧૧,૬૨૭ કર્મચારીઓએ પોસ્ટલ-બૅલટ દ્વારા મતદાન કર્યું હતું. શનિવાર અને રવિવારે સવારે ૭ વાગ્યાથી સાંજે ૭ વાગ્યા સુધી ૨૩ પોસ્ટલ-બૂથ પર મતદાન પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હતી.
ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે પોલીસ-તપાસ સઘન બનાવવામાં આવી છે. ખારઘરમાં ચૂંટણીપંચ દ્વારા તહેનાત સ્ટૅટિક સર્વેલન્સ ટીમના સભ્યોને ધક્કો મારવા અને તેમના વિડિયો-કૅમેરાને નુકસાન પહોંચાડવા બદલ ખારઘર પોલીસે એક મહિલા પર સરકારી ફરજમાં અવરોધ ઊભો કરવાનો ગુનો નોંધ્યો છે. શુક્રવારે સાંજે ૬.૪૫ વાગ્યે હીરાનંદાની વિસ્તારમાં સ્ટૅટિક સર્વેલન્સ ટીમ નિયમિત તપાસ કરી રહી હતી. ટીમે કૅમેરા-ચેકિંગ માટે એક કાર રોકી હતી ત્યારે કારમાં બેઠેલી મહિલાએ બૂમો પાડવાનું શરૂ કર્યું હતું. પોલીસે જણાવ્યા મુજબ તેણે અધિકારીઓ અને પોલીસ-કર્મચારીઓ સાથે દુર્વ્યવહાર કર્યો હતો અને વિડિયોગ્રાફરનો કૅમેરા ઝૂંટવીને એને રસ્તા પર ફેંકી દીધો હતો. નીચે પટકાતાં કૅમેરાને નુકસાન થયું હતું. ઘટના બાદ સર્વેલન્સ ટીમે ખારઘર પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
થાણે મ્યુનિસિપલ કૉર્પોરેશનની ચૂંટણી માટે રાજ્યના ચૂંટણીપંચ તરફથી નિર્દેશ ન મળે ત્યાં સુધી બિનવિરોધી ઉમેદવારો સહિત તમામ ઉમેદવારોનાં નામ ઇલેક્ટ્રૉનિક વોટિંગ મશીન (EVM) પર દેખાશે તેમ જ દરેક બેઠક માટે નન ઑફ ધ અબવ (NOTA) વિકલ્પ પણ ઉપલબ્ધ રહેશે. થાણે મ્યુનિસિપલ કૉર્પોરેશનના ચીફ સૌરભ રાવે જણાવ્યું હતું કે ‘બિનવિરોધી ઉમેદવારોના વિજય બાબતે ચૂંટણીપંચનું માર્ગદર્શન લેવામાં આવશે. તેમને ક્યારે ચૂંટાયેલા જાહેર કરવા એ ચૂંટણીપંચના નિર્દેશો પર આધાર રાખશે.’ ૩૩ વૉર્ડમાં ૧૩૧ કૉર્પોરેટર બેઠકો માટેની ચૂંટણી-પ્રક્રિયા વૉર્ડમાં બધી બેઠકો માટે મતદાન પૂર્ણ થયા પછી જ પૂર્ણ માનવામાં આવશે એ વાત પર તેમણે ભાર મૂક્યો હતો.
બે દિવસમાં બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)ના ઇલેક્શન માટેના પ્રચારનો ટાઇમ પૂરો થઈ જશે. મતદાનનો દિવસ નજીક આવી રહ્યો છે. ૧૩ જાન્યુઆરીએ સાંજે ૫.૩૦ વાગ્યે કૅમ્પેનિંગનો ટાઇમ પૂરો થયા પછી તરત જ બિલબોર્ડ, પોસ્ટરો અને બીજાં કૅમ્પેન મટીરિયલ્સને દૂર કરવા માટે BMCના સ્ટાફને કડક સૂચના આપવામાં આવી હોવાનું જાણવા મળ્યું હતું. આ દરમ્યાન મતદાનના દિવસે વોટિંગ અને રિઝલ્ટના દિવસે કાઉન્ટિંગની પ્રોસેસ સુગમ રીતે પાર પડી શકે એ માટે ઇલેક્શન-સ્ટાફ અને ઑફિસર્સ ઉપરાંત શહેરનાં પોલિંગ-બૂથોની પાસે ૪૫૦૦ જેટલા વૉલન્ટિયર્સને તૈયાર કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું હતું. આ ઉપરાંત ફ્લાઇંગ સ્ક્વૉડ અને સર્વેલન્સ ટીમોને વધુ અલર્ટ અને ઍક્ટિવ રહેવાનું કહેવામાં આવ્યું હોવાની જાણકારી પણ મળી હતી.
ભારતીય જનતા પાર્ટી (BJP)એ લાતુરના ૧૮ સભ્યોને શિસ્તભંગનાં પગલાંરૂપે છ વર્ષ માટે સસ્પેન્ડ કર્યા છે. સસ્પેન્ડ કરાયેલા સભ્યોમાંથી મોટા ભાગના સભ્યો આગામી લાતુર મ્યુનિસિપલ કૉર્પોરેશનની ચૂંટણી સ્વતંત્ર રીતે લડી રહ્યા છે. લાતુર શહેર જિલ્લા પ્રમુખ અજિત પાટીલ કાવેકરે એક નિવેદનમાં જણાવ્યું હતું કે ‘BJPના સ્થાનિક યુનિટના કેટલાક સભ્યોનું વર્તન પક્ષની શિસ્ત માટે હાનિકારક હોવાનું જણાયું હતું. તેથી પાર્ટીની કોર કમિટીની બેઠકમાં આ મુદ્દા પર ચર્ચા કરવામાં આવી હતી. ત્યાર બાદ ૧૮ સભ્યોનાં સભ્યપદ રદ કરવાનો અને તેમને ૬ વર્ષ માટે સસ્પેન્ડ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.’
બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)ના એક અધિકારીએ ગઈ કાલે માહિતી આપી હતી કે ‘અત્યાર સુધી ઇલેક્શન-ડ્યુટી પર ગેરહાજર રહેવા બદલ ૬૮૭૧ વ્યક્તિઓને શો કૉઝ નોટિસ આપવામાં આવી છે. આ ૬૮૭૧ ઑફિસર્સમાંથી ૨૩૫૦ ડ્યુટીમાં જોડાઈ ગયા છે. એકથી વધારે સૂચના આપી હોવા છતાં ટ્રેઇનિંગ અને ઇલેક્શનની બીજી ડ્યુટી માટે હાજર ન રહેનારા બાકીના ૪૫૨૧ લોકોની સામે આજથી પોલીસ-કાર્યવાહી શરૂ કરવામાં આવશે.’ મળેલી માહિતી પ્રમાણે BMC ઉપરાંત નૅશનલાઇઝ્ડ બૅન્કો, BEST, BSNL, LIC, MHADA, MTNL, પોસ્ટ ડિપાર્ટમેન્ટ, રેલવે, RCF અને NABARD સહિતની સરકારી સંસ્થાઓના કર્મચારીઓ ડ્યુટી પર હાજર નથી રહ્યા. આ કર્મચારીઓએ દંડ પણ ભરવો પડશે અને તેમની સામે શિસ્તભંગની કાર્યવાહી પણ થશે.
મહા મહિનાની શુક્લ પક્ષની ચતુર્થીએ ગણપતિબાપ્પાનો જન્મદિવસ હોવાથી એ દિવસથી ૧૦ દિવસના માઘી ગણેશોત્સવની શરૂઆત થાય છે. આ વર્ષે ૨૨ જાન્યુઆરીએ તેમનું આગમન થવાનું છે. ગઈ કાલે સાર્વજનિક ગણેશોત્સવના ભાવિકો બાપ્પાની મૂર્તિ વાજતેગાજતે વર્કશૉપમાંથી મંડપમાં લઈ જઈ રહ્યા હતા.
કન્ટેનર ટ્રકમાંથી ક્રૂડ ગ્લિસરીન લીક થવાને કારણે ઘોડબંદર રોડ પર બે કલાકથી વધુ સમય માટે ટ્રાફિક ખોરવાઈ ગયો હતો. શનિવારે મોડી રાતે ગાયમુખ ઘાટ પાસે બનેલા આ બનાવ બાદ સાવચેતીનાં પગલાંરૂપે ગ્લિસરીન પર માટી નાખવામાં આવી હતી. થાણે ડિઝૅસ્ટર મૅનેજમેન્ટ સેલના ચીફ યાસિન તડવીએ જણાવ્યું હતું કે ‘એક પ્રાઇવેટ કંપનીનો ટેમ્પો પચીસ ટન ક્રૂડ ગ્લિસરીન લઈને અંબરનાથથી ગુજરાત જઈ રહ્યો હતો ત્યારે એમાંથી લિક્વિડ લીક થવા લાગ્યું હતું અને રસ્તા પર ઢોળાયું હતું. ત્યાર બાદ ઘોડબંદર રોડ પર ટ્રાફિક બેથી અઢી કલાક સુધી ધીમી ગતિએ ચાલ્યો હતો.’ વાહનો લપસે નહીં એ માટે રસ્તા પર ઢોળાયેલા પ્રવાહી પર માટી ફેલાવવામાં આવી હતી. ક્રૂડ ગ્લિસરીન જોખમી કે જ્વલનશીલ પદાર્થ નથી. એનો ઉપયોગ સામાન્ય રીતે સાબુ, પશુઆહાર અને સિરૅમિક્સ, બાંધકામ, કાપડ, ચામડું બનાવવામાં થાય છે. ડિઝૅસ્ટર મૅનેજમેન્ટ સેલે લીકેજ અંગે સંબંધિત કંપનીને જાણ કરી હતી.
શનિવારે સાંજે એન. એમ. જોશી માર્ગ પર ગોવર્ધન બિલ્ડિંગ પાસે શિવસેના-UBTના નેતા અને ભૂતપૂર્વ મેયર કિશોરી પેડણેકરની રૅલી યોજાઈ હતી. રૅલી માટે કેટલીક શરતો સાથે
પોલીસ-પરવાનગી આપવામાં આવી હતી. બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)ની આગામી ચૂંટણી માટે પ્રચારના ભાગરૂપે કિશોરી પેડણેકરે ઘરે-ઘરે જઈને લોકોની મુલાકાત લેવાનું શરૂ કર્યું ત્યારે રૅલી માટે તહેનાત પોલીસકર્મીઓનો વાંધો હોવા છતાં તેમના કેટલાક સમર્થકોએ રસ્તા પર ફટાકડા ફોડ્યા હતા. પોલીસ-અધિકારીના જણાવવા મુજબ ફટાકડા અવળી દિશામાં ફૂટવાને કારણે ઈરાની ચાલના પાંચમા માળે એક રૂમમાં અને અન્ય ૩ રૂમમાં આગ લાગી હતી. ફટાકડા ફોડનાર સોહમ સરવણકર અને ઓમસાઈ પાનસરે સહિત રૅલી માટે પરવાનગી લેનાર શિવસેના-UBTના કાર્યકર રામચંદ્ર યેસોડે વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી હતી.
રાજસ્થાનના બિકાનેરમાં શનિવારે કૅમલ ફેસ્ટિવલમાં રણના રાજા સમાન ઊંટોએ હેરતમાં મુકાઈ જવાય એવા સ્ટન્ટ્સ કરીને લોકોને દંગ કરી દીધા હતા. ઊંટોએ ઢોલ-નગારાંની થાપ પર ડાન્સ કર્યો એટલું જ નહીં, ઘોડાની જેમ પાછલા બે પગ પર ઊંચા થઈને કરતબ પણ કરી બતાવ્યાં હતાં. ઊંટો પાસે કરતબ કરાવવાનું ચલણ છેલ્લાં બે-ત્રણ વર્ષથી વધ્યું છે. એ માટે આખું વર્ષ ઊંટના માલિકો તેમને કડક તાલીમ આપે છે.
દિલ્હી હાઈ કોર્ટે એક રિટાયર્ડ સરકારી કર્મચારીની અરજીના ચુકાદામાં કેન્દ્ર સરકારને નિર્દેશ કર્યો હતો કે પારિવારિક પેશન્સમાં લિવ-ઇન પાર્ટનરને પણ સામેલ કરવા વિશે વિચારવું જોઈએ. કોર્ટે સ્વીકાર્યું હતું કે અરજી કરનાર સરકારી કર્મચારીએ કદી તેનો સંબંધ છૂપો નહોતો રાખ્યો એટલે તેમની લિવ-ઇન પાર્ટનર અને બાળકોને કર્મચારીની સેવાનિવૃત્તિ પછી લાભોથી વંચિત રાખવાં એ ઠીક નતી. સરકારી કર્મચારીએ ૪૦ વર્ષથી તેની સાથે રહેતી સાથી અને તેનાં બાળકોનાં નામ પારિવારિક પેન્શન અને હેલ્થ-બેનિફિટ્સ માટેની સુવિધામાં ઉમેરવાની માગણી કરી હતી. દિલ્હી કોર્ટે આદેશમાં કહ્યું હતું કે ‘અરજીકર્તાને બાકી નીકળતી રકમ ૬ ટકા વાર્ષિક વ્યાજ સાથે આપવામાં આવે. પારિવારિક પેન્શન અને હેલ્થ-સ્કીમ સુવિધાઓમાં કર્મચારીના લિવ-ઇન સાથી અને તેનાં બાળકોનાં નામોને સામેલ કરવા વિશેની અરજી પર કેન્દ્ર સરકારે વિચાર કરવો જોઈએ.’
ઉત્તર પ્રદેશના વૃંદાવનમાં શ્રી કૃષ્ણ શરણમ્ સમિતિના ફ્લૅટમાં શનિવારે મોડી રાતે અચાનક ભીષણ આગ લાગતાં આ વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી. શ્રીકૃષ્ણ શરણમ્ સોસાયટીના ૨૧૨ નંબરના ફ્લૅટમાં જ્યાં પહેલાં પ્રેમાનંદજી મહારાજ રહેતા હતા એ જ ફ્લૅટમાં આગ લાગી હતી. આગ શૉર્ટ સર્કિટને કારણે લાગી હતી. મોડી રાતે આગની સૂચના મળતાં ફાયર બ્રિગેડની ગાડીઓ દોડતી આવી હતી અને આગ પર તરત જ કાબૂ મેળવી લીધો હતો. પ્રેમાનંદજી મહારાજ હજી એક મહિના પહેલાં જ શ્રી રાધાહિત કેલીકુંજમાં રહેવા જતા રહ્યા છે અને આ ફ્લૅટ તેમના શિષ્યો વાપરતા હતા. આગમાં કોઈ જાનહાનિ નથી થઈ.
ગઈ કાલે મધ્ય પ્રદેશના ભોપાલમાં જોઈ ન શકતા દિવ્યાંગો માટે ખાસ કાર-રૅલીનું આયોજન થયું હતું. આરુષી નામની સ્વૈચ્છિક સંસ્થા દ્વારા આયોજિત આ રૅલીનું બાવીસમું વર્ષ હતું. આ રૅલીમાં ડ્રાઇવર તો નૉર્મલ જોઈ શકતી વ્યક્તિ હોય છે, પરંતુ તેમની સાથે જોઈ ન શકતી વ્યક્તિઓ તેમને આપવામાં આવેલા બ્રેઇલ લિપિના રૂટ-મૅપ પરથી ડ્રાઇવરને દિશાસૂચન કરીને કારને ગંતવ્ય સુધી પહોંચાડે છે. એમાં જોઈ ન શકતી વ્યક્તિ અન્ય નૉર્મલ વ્યક્તિ સાથે મળીને એક સફર પૂરી કરે છે એટલે આ રૅલીનું શીર્ષક છે ‘હમસફર.’
૨૦૨૨માં હૃષીકેશના રિસૉર્ટમાં રિસેપ્શનિસ્ટ તરીકે કામ કરતી ૧૯ વર્ષની અંકિતા ભંડારીની શંકાસ્પદ હાલતમાં હત્યા કરી દેવામાં આવી હતી. આ મામલે ઉત્તરાખંડના મુખ્ય પ્રધાન પુષ્કર સિંહ ધામીએ સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI) તપાસની સિફારિશ કરી હતી. એ પછી પદ્મભૂષણ અવૉર્ડ વિનર અને પર્યાવરણવિદ અનિતા જોશીએ ઉત્તરા ખંડના ડિરેક્ટર જનરલ ઑફ પોલીસ (DCP)ને પત્ર લખીને એક રહસ્યમયી VIPની હત્યામાં ભૂમિકા વિશે તપાસ કરવાની માગણી કરી હતી. એ પછી શુક્રવારે જ દિલ્હીના વસંત વિહાર પોલીસ-સ્ટેશને FIR નોંધવામાં આવ્યો હતો. અંકિતા જે રિસૉર્ટમાં કામ કરતી હતી ત્યાં આ VIP ગયા હતા. છેલ્લાં કેટલાંક અઠવાડિયાંથી આ મુદ્દો ચર્ચામાં છે, પરંતુ એક ઑડિયો ક્લિપ સામે આવ્યા પછી એક સિનિયર રાષ્ટ્રીય કક્ષાના BJPના નેતાની એમાં સંડોવણી હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. અંકિતા ભંડારીના મર્ડરના કેસમાં અન્ય સ્વૈચ્છિક સંસ્થાઓ મોટા પાયે વિરોધ-પ્રદર્શન કરી રહી છે ત્યારે કૉન્ગ્રેસ પણ એમાં જોડાઈ ગઈ છે અને રાજનીતિક રંગ આપવાની કોશિશ કરી છે. આ કેસની તપાસ કરી રહેલા સબ ઇન્સ્પેક્ટર દુર્ગેશ ચંદ્રએ કહ્યું હતું કે ‘અનિતા જોશીની ફરિયાદના આધારે એક અજાણી વ્યક્તિ સામે પુરાવાઓ ગાયબ કરવા અને અપરાધીને છાવરવા તેમ જ અપરાધ કરવા ઉકસાવવા માટે કેસ દાખલ કરવામાં આવ્યો છે.’
રિપબ્લિક ડે નજીક આવી રહ્યો છે ત્યારે જમ્મુ-કાશ્મીરમાં લાઇન ઑફ કન્ટ્રોલ પાસે ડ્રોનની અવરજવર ખૂબ વધી ગઈ છે. ગણતંત્ર દિવસે આતંકવાદીઓ કંઈક મોટું છમકલું કરવાની પેરવીમાં હોવાના દાવાઓને કારણે સુરક્ષા દળો હાઈ અલર્ટ પર છે. સુરક્ષા એજન્સીઓના જણાવ્યા અનુસાર ગઈ કાલે ભારત-પાકિસ્તાનની ઇન્ટરનૅશનલ બૉર્ડર પર પૂંછ, નૌશેરા, ધર્મશાલ, રામગઢ અને પરાખમાં કુલ પાંચ ડ્રોન જોવા મળ્યાં હતાં. અધિકારીઓનું કહેવું છે કે પાકિસ્તાન તરફથી ડ્રોન ભારતીય ક્ષેત્રોમાં થોડીક વાર ઊડે છે અને પછી પાછાં ફરી જાય છે. હજી શનિવારે જ અખનૂરમાંથી શંકાસ્પદ કબૂતર પકડાયું હતું.