ન્યૂઝ શોર્ટમાં: પોલીસની નવી સ્કૉર્પિયોમાં આગ લાગી ગઈ

27 March, 2026 09:19 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

નવી જ વૅનમાં આ રીતે આગ ફાટી નીકળતાં એની સેફ્ટી વિશે અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. 

વાઇરલ વિડીયોમાંથી સ્ક્રીનશૉટ

બરાબર એક મહિના પહેલાં ૨૬ ફેબ્રુઆરીએ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે પોલીસફોર્સમાં નવાં ૬૩૩ ફોર-વ્હીલર અને ૬૫૭ ટૂ-વ્હીલર સામેલ કરીને એમને ગ્રીન ઝંડી દેખાડી હતી. ગઈ કાલે સાકીનાકામાં એ નવા લૉટમાંની એક સ્કૉર્પિયોમાં આગ લાગી હતી. આગ લાગ્યાની જાણ થતાં જ એને સાઇડમાં પાર્ક કરી દેવાઈ હતી. આજુબાજુના લોકોએ તેમની પાસેનાં ફાયર-એક્સ્ટિંગ્વિશર વાપરીને આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે નવી જ વૅનમાં આ રીતે આગ ફાટી નીકળતાં એની સેફ્ટી વિશે અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. 

૨૦૦૦ ડ્રોને સાક્ષાત્ શ્રી રામ, બાપ્પા અને છત્રપતિ શિવાજી મહારાજની છબિ બનાવી

મહારાષ્ટ્ર રાજ્ય સાંસ્કૃતિક વિભાગે ૨૬ અને ૨૭ માર્ચે આઝાદ મેદાન ખાતે મહારાષ્ટ્ર સંસ્કૃતિ થીમ પર 3D ડિજિટલ LED ડ્રોન-શોનું આયોજન કર્યું છે. ૨૦૦૦ ડ્રોનનો ઉપયોગ કરીને આ કાર્યક્રમમાં ગઈ કાલે ધનુષધારી ભગવાન શ્રી રામ, છત્રપતિ શિવાજી મહારાજ અને ગણપતિબાપ્પા સહિત મહારાષ્ટ્રના સંતોની છબિ બનાવવામાં આવી હતી. આ કાર્યક્રમમાં મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ, નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અને સુનેત્રા પવાર તથા સાંસ્કૃતિક પ્રધાન આશિષ શેલાર હાજર રહ્યાં હતાં. તસવીરો : શાદાબ ખાન

નાગપુરમાં રામભક્તોએ તોડ્યો અયોધ્યાની મહાઆરતીનો વર્લ્ડ-રેકૉર્ડ

રામનવમી નિમિત્તે નાગપુરના સાવનેરમાં હજારો રામભક્તોએ એકસાથે હાથમાં દીવા લઈને ભગવાન શ્રી રામની મહાઆરતી કરી હતી. મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે પણ આ પ્રસંગે હાજરી આપીને મહાઆરતીનો લાભ લીધો હતો. ગયા વર્ષે અયોધ્યામાં ૨૧૦૦ સંતોએ એકસાથે મહાઆરતી કરી હતી જ્યારે નાગપુરમાં ગઈ કાલે ૪૯૦૦ ભક્તો મહાઆરતીમાં સામેલ થયા હતા. વિશ્વશાંતિ માટે મહાઆરતી એવી થીમ સાથે યોજાયેલી આ મહાઆરતીની નોંધ ગિનેસ બુક ઑફ વર્લ્ડ-રેકૉર્ડમાં થઈ હતી. એનું સર્ટિફિકેટ મુખ્ય પ્રધાનને સોંપવામાં આવ્યું હતું. ‘રામ નામના ગુંજારવ અને હજારો દીવાઓના તેજસ્વી પ્રકાશ વચ્ચે શ્રદ્ધા અને ભક્તિથી છલકાતી ક્ષણો’ એવી કૅપ્શન સાથે મુખ્ય પ્રધાને આ પ્રસંગના ફોટો સોશ્યલ મીડિયા પર શૅર કર્યા હતા.

રહેવાસીઓના વિરોધને પગલે મ્યુઝિકલ રોડ ટેમ્પરરી બંધ

BMCએ કોસ્ટલ રોડ પર બનાવેલા મેલડી રોડને લૉન્ચ થયાના એક મહિના પછી બૅરિકેડ કરવાનો નિર્ણય લીધો છે. આ મ્યુઝિકલ સ્ટ્રેચ પર વાહનો પસાર થતાં હોય ત્યારે ‘જય હો...’ ગીત સંભળાતું હતું એનાથી કંટાળીને બ્રીચ કૅન્ડીના રહેવાસીઓએ વાંધો ઉઠાવ્યો હતો. એને પગલે મેલડી રોડ ટેમ્પરરી બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. હાલમાં આ રોડ પર બૅરિકેડ્સ લગાવવામાં આવ્યા છે એટલે ફક્ત ખાસ પ્રસંગો અથવા વીક-એન્ડમાં જ મેલડી રોડ ખોલવામાં આવશે. 

mumbai news mumbai sakinaka mumbai police mumbai fire brigade fire incident nagpur