ન્યૂઝ શોર્ટમાં: નસરાપુરના નરાધમ વિરુદ્ધ કાલથી કોર્ટમાં સુનાવણી

20 May, 2026 10:20 AM IST  |  Pune | Gujarati Mid-day Correspondent

પુણે જિલ્લાના ભોર તાલુકાના નસરાપુરમાં પહેલી મેએ મહારાષ્ટ્ર દિને સાડાત્રણ વર્ષની બાળકીના રેપ-મર્ડરની ઘટના બની હતી.

સાડાત્રણ વર્ષની માસૂમ બાળકી પર બળાત્કાર કરીને તેની હત્યા કરનારો ભીમરાવ કાંબળે.

સાડાત્રણ વર્ષની બાળકી પર બળાત્કાર કર્યા બાદ તેની કરપીણ હત્યા કરનારા નરાધમ આરોપી ભીમરાવ કાંબળે વિરુદ્ધ ગુરુવારે ૨૧ મેથી કોર્ટમાં સુનાવણી કરવામાં આવશે. હાઈ કોર્ટના આદેશ મુજબ આ સુનાવણી સ્પેશ્યલ જજ એસ. આર. સાળુંખેની સ્પેશ્યલ કોર્ટમાં હાથ કરવામાં આવશે. આ સુનાવણી ‘ઇન કૅમેરા’ હશે. સુનાવણી શરૂ થાય એ પહેલાં કોર્ટ દ્વારા ઘટનાસ્થળનું નિરીક્ષણ કરવામાં આવે એવી માગણી સરકાર તરફથી કરવામાં આવી છે. આરોપી વિરુદ્ધ પોલીસે ૧૪ દિવસમાં ૧૧૦૦ પાનાંની ચાર્જશીટ તૈયાર કરીને કોર્ટને સુપરત કરી હતી. પુણે જિલ્લાના ભોર તાલુકાના નસરાપુરમાં પહેલી મેએ મહારાષ્ટ્ર દિને સાડાત્રણ વર્ષની બાળકીના રેપ-મર્ડરની ઘટના બની હતી.

લગ્નસરામાં શ્રીનગરમાં ચલણી નોટોના હારનું માર્કેટ

ઉત્તર ભારતમાં લગ્ન સમયે દુલ્હાને ચલણી નોટોનો હાર પહેરાવવાની પરંપરા છે. એવી જ રીતે જમ્મુ-કાશ્મીરમાં વર અને કન્યા બન્નેને ચલણી નોટોથી બનેલા આર્ટિસ્ટિક હાર પહેરાવવામાં આવે છે. આ માટે ૧૦, ૨૦, ૫૦, ૧૦૦ અને ૫૦૦ રૂપિયાની નોટોથી બનાવેલા ગુલદસ્તા જેવા શણગારનું માર્કેટ જૂના શ્રીનગર શહેરમાં ભરાય છે. કાશ્મીરી લગ્નોમાં કરન્સી નોટના ગુલદસ્તા અને હાર બન્ને ખૂબ પૉપ્યુલર છે. 

નાગપુરમાં બે સ્ટુડન્ટ્સના ઘરે CBIની તપાસ

સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI) દ્વારા સોમવારે નાગપુરમાં બે સ્ટુડન્ટ્સના ઘરે તપાસ કરવામાં આવી હતી. સેન્ટ્રલ ઍવન્યુ અને ઇતવારી વિસ્તારમાં આવેલા તેમના ઘરે તપાસ થઈ હતી અને તેમનાં લૅપટૉપ, મોબાઇલ ફોન, લેખિત નોટ્સ તેમ જ અન્ય ડિજિટલ ડિવાઇસ ફૉરેન્સિક તપાસ માટે જપ્ત કરવામાં આવ્યાં હતાં. બન્ને સ્ટુડન્ટ્સે આ વર્ષે યોજાયેલી નૅશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ-અન્ડરગ્રૅજ્યુએટ (NEET-UG)ની પરીક્ષા આપી હતી. મળેલી માહિતી મુજબ બન્ને રિપીટર્સ હતા અને પ્રાઇવેટ કોચિંગ લઈને તૈયારી કરીને બીજી વખત પરીક્ષા આપી રહ્યા હતા. આ બન્ને સ્ટુડન્ટ્સે પુણેના નેટવર્ક મારફત ૧૫ લાખ રૂપિયા ચૂકવીને લીક થયેલું પેપર મેળવ્યું હોવાની માહિતી CBIને સૂત્રોએ આપતાં તપાસ હાથ ધરવામાં આવી હતી.

ધર્મેન્દ્ર પ્રધાને ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી

NEET—UGની રીએક્ઝામ સરળ રીતે પાર પડે અને વિદ્યાર્થીઓને કોઈ તકલીફ ન પડે કે અન્ય કોઈ સમસ્યા ઊભી ન થાય એ માટે કેન્દ્રીય શિક્ષણપ્રધાન ધર્મેન્દ્ર પ્રધાને મંગળવારે ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી હતી. એમાં રીએક્ઝામની પ્રક્રિયા સરળ રીતે પાર પાડવા માટે લેવામાં આવનારાં પગલાં વિશે ચર્ચા કરવામાં આવી હતી. 

mumbai news mumbai pune news pune Protection of Children from Sexual Offences Act POCSO sexual crime