ન્યુઝ શોર્ટમાં: ૨૯ મ્યુનિસિપલ કૉર્પોરેશનની હદમાં ૧૬ તારીખ સુધી ડ્રાય ડે

14 January, 2026 09:37 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

દરમ્યાન દારૂનું વેચાણ નહીં થઈ શકે અને દારૂ વેચતી દુકાનો, બાર અને દારૂ સર્વ કરતી રેસ્ટોરાંમાં દારૂ નહીં મળે.

બોરીવલી-ઈસ્ટના એમ. જી. રોડ પર આવેલી એક વાઇન શૉપમાં લગાવેલી ડ્રાય ડેની સૂચના.

રાજ્યમાં ૨૯ મહાનગરપલિકા​ઓની ચૂંટણી ૧૫ જાન્યુઆરીએ થવાની હોવાથી રાજ્ય સરકારે ૭૨ કલાકના ડ્રાય ડેની જાહેરાત કરી છે. ૧૩ જાન્યુઆરીએ ચૂંટણીપ્રચારનાં પડઘમ શાંત થયા બાદ સાંજે ૬ વાગ્યાથી ૨૯ મહાનગરપાલિકાઓની હદમાં દારૂનું વેચાણ બંધ કરવામાં આવ્યું હતું. ૧૪ અને ૧૫ જાન્યુઆરીએ આખો દિવસ અને ૧૬ જાન્યુઆરીએ રિઝલ્ટ બાદ સાંજના ૬ વાગ્યા સુધી ડ્રાય ડેની જાહેરાત કરી છે. આ દરમ્યાન દારૂનું વેચાણ નહીં થઈ શકે અને દારૂ વેચતી દુકાનો, બાર અને દારૂ સર્વ કરતી રેસ્ટોરાંમાં દારૂ નહીં મળે. 

બોગસ વોટિંગ રોકવા માટે શિવસેના (UBT) અને MNS મતદાનકેન્દ્રો પર ભગવા ગાર્ડ્‍સ ઊભા રાશે

૧૫ જાન્યુઆરીએ મતદાનના દિવસે શિવસેના (UBT) અને મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS) દ્વારા મુંબઈભરમાં વોટિંગ-બૂથ નજીક ૨૦૦૦ જેટલા ભગવા ગાર્ડ્‍સ સ્વયંસેવકો તહેનાત કરવામાં આવશે. આ ભગવા ગાર્ડ્‍સની ટીમો કહેવાતા બોગસ વોટિંગ કે ડુપ્લિકેટ વોટિંગને ઓળખવા માટે મતદારોની હિલચાલ પર નજર રાખશે એવી બન્ને પાર્ટીના આગેવાનોએ જાહેરાત કરી હતી. શિવસેના (UBT) અને MNSના નેતાઓએ જણાવ્યું હતું કે ‘ચૂંટણીમાં ગેરરીતિ રોકવા માટે જમીની સ્તરે તેમના સ્વયંસેવકો આ કામ કરશે. આ ભગવા ગાર્ડ્‍સ સ્પેશ્યલ વિજિલન્સ ફોર્સ તરીકે કામ કરશે. ઇલેક્શન કમિશન દ્વારા ડુપ્લિકેટ નામોવાળું જે વોટરલિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે તે આ ભગવા ગાર્ડ્‍સ સાથે રાખશે અને એવાં મતદાનકેન્દ્રો પર ચાંપતી નજર રાખશે.’

૧૫ જાન્યુઆરીએ વોટિંગના દિવસે શૅરબજાર બંધ રહેશે

નૅશનલ સ્ટૉક એક્સચેન્જ (NSE) દ્વારા સોમવારે સર્ક્યુલર ઇશ્યુ કરીને જાહેરાત કરવામાં આવી હતી કે મહારાષ્ટ્રમાં મ્યુનિસિપલ કૉર્પોરેશનની ચૂંટણીને કારણે ગુરુવારે ૧૫ જાન્યુઆરીએ કૅપિટલ માર્કેટ સેગમેન્ટમાં ટ્રેડિંગ હૉલિડે રહેશે. બૉમ્બે સ્ટૉક એક્સચેન્જ (BSE)એ પણ ઇલેક્શનના કારણે મતદાનના દિવસે રજા જાહેર કરી હતી. ગુરુવારે માર્કેટમાં ઇક્વિટી, ડેરિવેટિવ્ઝ, કૉમોડિટી અને ઇલેક્ટ્રૉનિક ગોલ્ડ રિસીટ સેગમેન્ટમાં ટ્રેડિંગ બંધ રહેશે.

BJPએ હવે નાંદેડમાં બાવીસ સભ્યોને પાર્ટીવિરોધી પ્રવૃત્તિ બદલ હાંકી કાઢ્યા

મહારાષ્ટ્રમાં મ્યુનિસિપલ ઇલેક્શન્સના મતદાન પહેલાં ભારતીય જનતા પાર્ટી (BJP)એ પક્ષવિરોધી પ્રવૃત્તિઓ માટે પાર્ટીના સભ્યો અને પદાધિકારીઓની હકાલપટ્ટી કરવાનો સિલસિલો ચાલુ રાખ્યો હતો. ટિકિટ નકારવામાં આવેલા ઘણા ઉમેદવારોએ બીજી પાર્ટીની ટિકિટ પર BJPના ઉમેદવારો વિરુદ્ધ નૉમિનેશન ભર્યું હોવાથી BJPએ શિસ્તભંગ માટે આ કાર્યવાહી કરી હતી. તાજેતરમાં નાંદેડ મ્યુનિસિપલ કૉર્પોરેશનમાંથી પણ બાવીસ સભ્યોને પાર્ટીમાંથી હાંકી કાઢવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું હતું. આ સભ્યો વિપક્ષના ઉમેદવારો માટે પ્રચાર કરતા પણ જોવા મળ્યા હતા.

પ્રયાગરાજમાં માઘમેળાના સ્થળે લાગી ભીષણ આગ, ૨૦ દુકાનો બળીને ખાખ

ગઈ કાલે પ્રયાગરાજમાં માઘમેળાના સ્થળે સેક્શન પાંચમાં નારાયણ શુક્લા ધામ શિબિરમાં આગ લાગી હતી. પોલીસની સાથે સંતોએ આગ પર કાબૂ મેળવવા બચાવકાર્ય શરૂ કરી દીધું હતું. ફાયર-બ્રિગેડની છથી ૭ ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ઘટનાસ્થળની બાજુમાં જ ૧૫ ટેન્ટ હતા. એમાં લગભગ ૫૦ કલ્પવાસીઓ હતા તેમને સુરક્ષિત બહાર કાઢી લેવાયા હતા. આ આગમાં ૨૦ દુકાનો બળીને ખાખ થઈ ગઈ હતી. 

વિશ્વભરના નેતાઓની પતંગ

જયપુરમાં મકર સંક્રાન્તિ નિમિત્તે દુનિયાભરના જાણીતા નેતાઓના ચહેરાવાળી કસ્ટમાઇઝ્ડ કાઇટ્સની ડિમાન્ડ હતી. નરેન્દ્ર મોદી, ડોનલ્ડ ટ્રમ્પ, પુતિન જેવા નેતાઓની સાથે ભારતીય ચર્ચાસ્પદ સેલિબ્રિટીઝના ચહેરાવાળી પતંગો પણ આ વખતે ડિમાન્ડમાં છે.

પતંગની મજા સજા ન બને એનું આજે ધ્યાન રાખજો: પતંગ પકડવા માટે માલગાડી પર ચડેલા ટીનેજરને ૧૧,૦૦૦ વૉલ્ટનો ઝટકો લાગ્યો

નાગપુરના કામટી રેલવે-સ્ટેશન પર પતંગ પકડવા ગયેલો ટીનેજર ૧૧,૦૦૦ વૉલ્ટનો કરન્ટ પાસ કરતા ઓવરહેડ ઇલેક્ટ્રિક ઇક્વિપમેન્ટ (OHE)ના સંપર્કમાં આવી ગયો હતો. ઇલેક્ટ્રિક શૉક લાગવાથી ટીનેજરની હાલત ગંભીર થઈ ગઈ છે. રેલવે પ્રોટેક્શન ફોર્સ (RPF)ના જણાવવા મુજબ રવિવારે બપોરે ટીનેજર સ્ટેશન પર ઊભેલી કોલસાથી ભરેલી એક માલગાડી પર પડેલી પતંગ પકડવા ગયો હતો. RPFના એક જવાને છોકરાને જોયો એટલે તેને ટ્રેનના ડબ્બા પર ચડતા અટકાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ ટીનેજરે તેને અવગણીને ડબ્બા પર ચડીને પતંગ પાછળ દોટ મૂકી હતી. પતંગની દોરી OHEમાં ફસાઈ ગઈ હતી. દોરી ખેંચવાનો પ્રયત્ન કરતી વખતે ટીનેજર ઇલેક્ટ્રિક-લાઇનના સંપર્કમાં આવતાં તેને જોરદાર આંચકો લાગ્યો હતો અને આંચકાને કારણે તે કોચ પર જ પડી ગયો હતો.રેલવે-સ્ટાફ અને RPFના કર્મચારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયા હતા. OHEનો વીજપુરવઠો બંધ કરી દેવામાં આવ્યો હતો અને ટીનેજરને તાત્કાલિક સરકારી હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો જ્યાં તેની હાલત ગંભીર હોવાનું રેલવે-પોલીસે જણાવ્યું હતું.  

બાઇકરના ગળામાં માંજો ઘસાયો, ૬ ટાંકા લેવા પડ્યા: જનહિતમાં બાઇકરે કહ્યું કે ટૂ-વ્હીલર ચલાવતી વખતે સ્કાર્ફ અથવા કપડાથી ગરદન ઢાંકજો

ગોરાઈમાં રહેતા એક બાઇકરના ગળામાં માંજો આવી જતાં તેની ગરદન પર ઊંડો ઘા પડી ગયો હતો અને તેણે છ ટાંકા લેવા પડ્યા હતા. બુધવારે સવારે ૧૦ વાગ્યે ટૂ-વ્હીલર ચલાવતી વખતે પ્રિન્સ કેશરીના ગળામાંથી પતંગનો માંજો ઘસાઈને પસાર થયો હતો જેને લીધે તેના ગળામાં ઘણો ઊંડો ચીરો પડી ગયો હતો. જીવ બચ્યા બાદ પ્રિન્સે લોકોને પતંગ ચગતી હોય એવી જગ્યાએ ખૂબ કાળજી રાખીને વાહન ચલાવવાની વિનંતી કરી હતી. ખાસ કરીને ટૂ-વ્હીલર ચલાવનારે સ્કાર્ફ અથવા કપડાથી ગરદન ઢાંકવા જેવાં મૂળભૂત સલામતીનાં પગલાં લેવાની સલાહ પણ તેણે આપી હતી.

ભિવંડીમાં ૯૦ સીટો માટે ૪૩૮ ઉમેદવારો મેદાનમાં

ભિવંડી-નિઝામપુર સિટી મ્યુનિસિપલ કૉર્પોરેશનની કુલ ૯૦ સીટો માટે ૪૩૮ ઉમેદવારો મેદાનમાં ઊતર્યા છે. મ્યુનિસિપલ કૉર્પોરેશનના ૨૩ વૉર્ડમાંથી ૨૧ વૉર્ડમાં દરેક વૉર્ડમાં ૪--૪ કૉર્પોરેટર અને બે વૉર્ડમાં ૩-૩ કૉર્પોરેટર ચૂંટાશે. શરૂઆતમાં ૧૦૩૩ ઉમેદવારોએ નૉમિનેશન નોંધાવ્યાં હતાં, જેમાંથી ચેકિંગ અને ઉમેદવારી પાછી ખેંચ્યા પછી ૪૩૮ ઉમેદવારો ફાઇનલ જંગમાં વધ્યા છે. ભિવંડીમાં ઘણીબધી બેઠકો પર બેથી પણ વધારે પાર્ટીઓ વચ્ચે સ્પર્ધા હોવાથી મતોના વિભાજનની શક્યતા વધારે હોવાના વર્તારા થઈ રહ્યા છે.

વૉર્ડ : ૨૩
કુલ બેઠકો    ૯૦
કુલ ઉમેદવારો    ૪૩૮
કુલ મતદારો    ૬,૬૯,૦૩૩
પુરુષ-મતદારો    ૩,૮૦,૬૨૩
મહિલા-મતદારો    ૨,૮૮,૦૯૭
અન્ય મતદારો    ૩૧૧

મીરા-ભાઈંદરમાં શિંદેસેના અને BJP વચ્ચે સીધો જંગ

મીરા-ભાઈંદર મ્યુનિસિપલ કૉર્પોરેશનમાં મહાયુતિના ભાગીદારો ભારતીય જનતા પાર્ટી (BJP) અને એકનાથ શિંદેના નેતૃત્વવાળી શિવસેના વચ્ચે સીધી ફાઇટ જામી છે. અહીં બન્ને પક્ષો પોતાપોતાની તાકાત લગાડીને લડી રહ્યા છે. બન્ને પક્ષોએ હલચલનો પણ સામનો કરવો પડ્યો હતો. BJPના અનેક ભૂતપૂર્વ કૉર્પોરેટરોએ અહીં અપક્ષ તરીકે નૉમિનેશન ફૉર્મ ભર્યું હતું. જોકે ઉમેદવારી પાછી ખેંચવાના છેલ્લા દિવસ સુધીમાં ૧૧૩ ઉમેદવારોએ ઉમેદવારી પાછી ખેંચી લીધા પછી અહીં ૪૩૫ ઉમેદવારો મેદાનમાં વધ્યા હતા. એમાં BJPના કેટલાક ભૂતપૂર્વ પદાધિકારીઓએ પણ અપક્ષ ઉમેદવારી નોંધાવી હોવાનું જાણવા મળ્યું હતું.

વૉર્ડ : ૨૪
કુલ બેઠકો    ૯૫
કુલ ઉમેદવારો    ૪૩૫
કુલ મતદારો    ૮,૦૯,૧૫૧
પુરુષ-મતદારો    ૪,૩૩,૦૫૩
મહિલા-મતદારો    ૩,૮૬,૦૭૮
અન્ય મતદારો    ૨૦

વસઈ-વિરારમાં હિતેન્દ્ર ઠાકુરના ગઢમાં ગાબડું પાડવા મહાયુતિએ કમર કસી

૧૧૫ બેઠકો માટે BJPના ૯૧ અને શિંદેસેનાના ૨૪ મળીને કુલ ૮૪૩ કૅન્ડિડેટ મેદાનમાં

વસઈ-વિરાર મ્યુનિસિપલ કૉર્પોરેશનની ૧૧૫ સીટો માટે પહેલાં ૯૩૫ ઉમેદવારોએ નૉમિનેશન ભર્યાં હતાં, પણ ફૉર્મનું ચેકિંગ અને ફૉર્મ પાછાં ખેંચવાની તારીખ પછી ફાઇનલ જંગમાં ૮૪૩ કૅન્ડિડેટ વધ્યા હતા. એક સમયે વસઈ-વિરારમાં એકહથ્થુ શાસન ભોગવનાર નેતા હિતેન્દ્ર ઠાકુર અને તેમની બહુજન વિકાસ આઘાડી (BVA) હવે અસ્તિત્વની લડાઈ લડી રહી છે. ભારતીય જનતા પાર્ટી (BJP)ના સ્થાનિક કાર્યકરોમાં વિધાનસભાની ચૂંટણીઓનાં સારાં પરિણામોને લીધે ભારે આત્મવિશ્વાસ જોવા મળ્યો હતો. BJP અને એકનાથ શિંદેના નેતૃત્વવાળી શિવસેના વસઈ-વિરારમાં યુતિમાં ચૂંટણી લડી રહી છે. BJP ૯૧ અને શિંદેસેના ૨૪ બેઠકો પર ઇલેક્શન લડવાની હોવાનું જાણવા મળ્યું હતું.

વૉર્ડ : ૨૯
કુલ બેઠકો    ૧૧૫
કુલ ઉમેદવારો    ૮૪૩
કુલ મતદારો    ૧૧,૨૬,૪૦૦
પુરુષ-મતદારો    ૬,૦૧,૧૪૧
મહિલા-મતદારો    ૫,૨૫,૧૧૩
અન્ય મતદારો    ૧૪૬

કલ્યાણ-ડોમ્બિવલીમાં ૨૦ બિનહરીફ વિજય સાથે મહાયુતિ મૅજોરિટીથી ૪૨ બેઠકો દૂર

૧૨૨ બેઠકો માટે કુલ ૪૯૦ કૅન્ડિડેટ જંગમાં ઊતર્યા છે

કલ્યાણ-ડોમ્બિવલી મ્યુનિસિપલ કૉર્પોરેશનમાં કુલ ૩૧ વૉર્ડ અને એમાં ૧૨૨ બેઠકો છે. કલ્યાણ-ડોમ્બિવલીમાં આ ઇલેક્શનમાં ૯ અલગ-અલગ સ્થળોએ મતગણતરી કરવામાં આવશે. ૮૬૦ ઉમેદવારોએ નૉમિનેશન ફૉર્મ ભર્યાં હતાં. એમાંથી ૨૦૫ ઉમેદવારોએ છેલ્લે ઉમેદવારી પાછી ખેંચી લીધી હતી. ચેકિંગ પછી અંતે ૪૯૦ ઉમેદવારો મેદાનમાં વધ્યા હતા.
જોકે કલ્યાણ-ડોમ્બિવલી મ્યુનિસિપલ કૉર્પોરેશન પાછલા દિવસોમાં સમાચારોમાં રહ્યું હતું અહીં નોંધાયેલા બિનહરીફ ઉમેદવારોની સંખ્યાને કારણે. ભારતીય જનતા પાર્ટી અને એકનાથ શિંદેની શિવસેનાના ગઠબંધન મહાયુતિના ૨૦ ઉમેદવારો અહીં ઇલેક્શન પહેલાં જ બિનહરીફ વિજેતા બની ગયા હતા. 

વૉર્ડ : ૩૧
કુલ બેઠકો    ૧૨૨
કુલ ઉમેદવારો    ૪૯૦
કુલ મતદારો    ૧૪,૨૪,૫૨૦
પુરુષ-મતદારો    ૭,૪૫,૩૯૨
મહિલા-મતદારો    ૬,૭૮,૫૭૬

mumbai news mumbai bmc election municipal elections mumbai police brihanmumbai municipal corporation