ન્યૂઝ શોર્ટમાં: સેન્ટ્રલ રેલવેમાં આજથી બે નવી AC લોકલનો વધારો

29 June, 2026 10:38 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સવાર અને સાંજના પીક અવર્સમાં પણ AC લોકલ દોડાવવામાં આવી રહી છે. હાલ AC લોકલની રોજની ૮૦ સર્વિસ છે જે હવે વધીને ૯૨ થઈ જશે. 

પ્રતીકાત્મક તસવીર

સેન્ટ્રલ રેલવેના કાફલામાં નવી લાવવામાં આવેલી બે ઍર કન્ડિશન્ડ (AC) લોકલ આજથી છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસથી કલ્યાણ વચ્ચે દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. બન્ને ટ્રેન મળી રોજની ૧૨ સર્વિસ વધશે. જોકે આ AC લોકલ દોડાવવા માટે રેગ્યુલર લોકલ કૅન્સલ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. AC લોકલ બંધ દરવાજાની હોવાથી એમાંથી પડવાના કારણે અકસ્માત થવાની શક્યતા રહેતી જ નથી. માટે જ મુંબઈ લોકલ ટ્રેનના નેટવર્કમાં વધારેને વધારે AC લોકલ ચલાવવાનો નિર્ણય રેલવેએ લીધો છે. પહેલી મેના મહારાષ્ટ્ર દિને હાર્બર લાઇન પર ૧૪ AC લોકલ ચાલુ કરવામાં આવી હતી. હવે સેન્ટ્રલ રેલવેમાં ૧૨ સર્વિસ વધારવામાં આવી રહી છે. સવાર અને સાંજના પીક અવર્સમાં પણ AC લોકલ દોડાવવામાં આવી રહી છે. હાલ AC લોકલની રોજની ૮૦ સર્વિસ છે જે હવે વધીને ૯૨ થઈ જશે. 

દિલ્હીમાં ગુમશુદા રાહુલ ગાંધીનાં પોસ્ટર લાગ્યાં

BJPએ રાહુલને લીડર ઑફ ઑપોઝિશન નહીં પણ લીડર ઑફ પર્યટન ઍન્ડ પાર્ટિંગ ગણાવ્યા

દિલ્હીના વ્યસ્ત અને રાજકીય રીતે મહત્ત્વના ગણાતા આઇટીઓ વિસ્તારમાં લોકસભાના વિપક્ષના નેતા અને કૉન્ગ્રેસના સંસદસભ્ય રાહુલ ગાંધીને ‘ગુમશુદા’ ગણાવતાં પોસ્ટરો લગાવવામાં આવતાં રાજકીય વર્તુળોમાં ભારે ખળભળાટ મચી ગયો છે. આ પોસ્ટરોમાં રાહુલ ગાંધીની તસવીર સાથે મોટા અક્ષરોમાં ‘ગુમશુદા’ લખેલું છે. આ પોસ્ટરો કોણે અને કયા હેતુથી લગાવ્યાં છે એ અંગે હજી સુધી કોઈ સત્તાવાર માહિતી મળી શકી નથી, પરંતુ સોશ્યલ મીડિયા પર આ ઘટનાની તસવીરો અને વિડિયો ઝડપથી વાઇરલ થઈ રહ્યાં છે.

રાજસ્થાનના શ્રીગંગાનગરમાં ૧૩ વર્ષની કિશોરી પર ૪ દિવસમાં ૧૨ જણનો બળાત્કાર, ૧૦ જણની ધરપકડ

રાજસ્થાનના શ્રીગંગાનગરમાં ચાર દિવસમાં લગભગ એક ડઝન લોકોએ આઠમા ધોરણમાં ભણતી ૧૩ વર્ષની એક સ્કૂલગર્લ પર જાતીય હુમલો કર્યો હતો. શનિવારે બહાર આવેલા આ કેસમાં ૧૦ જણની ધરપકડ બાદ પોલીસતપાસ વ્યાપક બની છે. આ મુદ્દે નોંધવામાં આવેલા ફર્સ્ટ ઇન્ફર્મેશન રિપોર્ટ (FIR)માં જણાવવામાં આવ્યું છે કે આરોપીઓએ દુર્વ્યવહાર દરમ્યાન કિશોરીને દારૂ પીવડાવ્યો હતો. ચાર હોટેલમાં કિશોરી પર અત્યાચાર કરવામાં આવ્યો હતો. છોકરીના પરિવારે તેના ગુમ થયાની ફરિયાદ નોંધાવ્યા બાદ પોલીસે ૨૨ જૂને તેને હોટેલ જૉય ઇનમાંથી શોધી કાઢી હતી.

થાણેમાં ડિવાઇડરની બાજુમાં દેખાયો અજગર

થાણેમાં શનિવારે મોડી રાતે રસ્તા પર ડિવાઇડરની બાજુમાં અજગર દેખાયો હતો. એનો વિડિયો પણ સોશ્યલ મીડિયા પર વાઇરલ થયો હતો. અજગરને કોઈ નુકસાન ન પહોંચે એટલા માટે ત્યાંથી પસાર થતાં વાહનો થોડી વાર ઊભા રહીને ચાલતાં હતાં. જોકે પ્રશાસનને ચોક્કસ કયા સ્થળનો આ વિડિયો છે એની જાણ ન હોવાથી અજગરને ઉગારીને સુર​િક્ષત સ્થળે છોડાયો કે નહીં એ અસ્પષ્ટ છે. 

૩૧ ઑગસ્ટ સુધીમાં દિલ્હી એક્સપ્રેસવેનો વડોદરા-મુંબઈ સેક્શન શરૂ થઈ જશે: બન્ને વચ્ચેનો ટ્રાવેલ-ટાઇમ ૮ કલાકથી ઘટીને ૪ કલાક થશે

દિલ્હી એક્સપ્રેસવે કૉરિડોરનો વડોદરા-મુંબઈ સેક્શન લોકોના ઉપયોગ માટે ૩૧ ઑગસ્ટ સુધીમાં ખુલ્લો મુકાશે એવી જાહેરાત મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે રવિવારે કરી હતી. મુંબઈ-દિલ્હી એક્સપ્રેસવે કૉરિડોરના વિરાર ખાતેના ઇન્ટરચેન્જ જંક્શનના ઇન્સ્પેક્શન વખતે દેવેન્દ્ર ફડણવીસે આ જાહેરાત કરી હતી. આ સેક્શન શરૂ થયા બાદ મુંબઈથી વડોદરા વચ્ચેનો ટ્રાવેલ-ટાઇમ ૮ કલાકથી ઘટીને ૪ કલાક થઈ જશે. ઉલ્લેખનીય છે કે એક લાખ કરોડ રૂપિયાના ખર્ચે કેન્દ્ર સરકાર દ્વારા બનનારો ૧૪૦૦ કિલોમીટર લાંબો મુંબઈ-દિલ્હી એક્સપ્રેસવે દેશના સૌથી મોટા ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સમાંનો એક છે. આ એક્સપ્રેસવે હરિયાણા, રાજસ્થાન, મધ્ય પ્રદેશ, ગુજરાત અને મહારાષ્ટ્ર આ પાંચ રાજ્યોથી પસાર થશે.

સમૃદ્ધિ એક્સપ્રેસવે પર ટ્રક અને કાર વચ્ચે ગોઝારો અકસ્માત, કારમાં બેઠેલા પાંચ લોકોનાં મોત

મુંબઈ-નાગપુરને જોડતા સમૃદ્ધિ એક્સપ્રેસવે પર અમરાવતી જિલ્લાના ધામણગાવ પાસે થયેલા ગોઝારા અકસ્માતમાં એક જ પરિવારના પાંચ લોકોનાં મોત થયાં હતાં. ટક્કર એટલી જોરદાર હતી કે રેસ્ક્યુ કરનારાઓ કોઈને જીવતા બહાર કાઢી નહોતા શક્યા. કારમાં પ્રવાસ કરી રહેલા પાંચેપાચ જણનાં મોત થયાં હતાં. મળતી માહિતી મુજબ સમૃદ્ધિ એક્સપ્રેસવે પર ઘટનાસ્થળે એક ટ્રક પાર્ક થઈને ઊભી હતી. એ વખતે મૂળ ચંદ્રપુરના રહેવાસી એવા એ પરિવારની કાર ચલાવી રહેલા ડ્રાઇવરે કન્ટ્રોલ ગુમાવ્યો હતો અને કાર પાર્ક કરેલી ટ્રકની પાછળની બાજુએ ટક્કર મારીને ટ્રકની નીચે ઘૂસી ગઈ હતી. એ ટક્કર એટલી જોરદાર હતી કે કારના ફુરચા ઊડી ગયા હતા. કારમાં પ્રવાસ કરી રહેલાં બે પુરુષો, બે મહિલાઓ અને એક છોકરીનાં ઘટનાસ્થળે જ કરુણ મોત થયાં હતાં.

અંધેરીમાં કારમાં લાગી આગ

અંધેરી-વેસ્ટના ઓશિવરામાં વાધાવલકર પાર્ક નજીક ‘ધ પાર્ક’ સોસાયટીમાં શનિવારે રાતે પાર્ક કરેલી એક કારમાં આગ લાગી હતી, જે પછી એની આસપાસ રહેલા વાહનોમાં પણ લાગી હતી. જોકે સોસાયટીના સ્ટાફે સમયસૂચકતા દાખવીને ફાયર-એક્સ્ટિંગ્વિશરનો ઉપયોગ કરીને આગને કાબૂમાં લીધી હતી. આ ઘટનામાં કોઈને ઈજા થઈ નહોતી. એક રહેવાસીએ કરેલા દાવા મુજબ આ સોસાયટીમાં ૨૪ કલાક બે ફાયર માર્શલ હાજર હોય છે અને આગની ઘટના ન બને એ માટે ઍડ્વાન્સ્ડ સિસ્ટમ રાખેલી છે.

બેબી હમ્પબૅક વ્હેલનું રેસ્ક્યુ દરમ્યાન મૃત્યુ

મુંબઈના બાંદરા-વર્સોવા સી-લિન્ક નજીક ઓટર્સ ક્લબ પાસે દરિયામાં ખડકો વચ્ચે ફસાયેલી ૨૬ ફુટની બેબી હમ્પબૅક વ્હેલનું રેસ્ક્યુ દરમ્યાન મૃત્યુ થયું હતું. શનિવારે વ્હેલને બચાવવાના પ્રયાસો કરાયા હતા. જોકે એ દરમ્યાન તેનું મૃત્યુ થતાં ક્રૅન દ્વારા તેના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો હતો. વ્હેલનું મૃત્યુ શા માટે થયું એ માટે તેના મૃતદેહમાંથી બાયોલૉજિકલ સૅમ્પલ લેવામાં આવ્યાં છે.

મુંબઈગરાઓ માટે રવિવાર રહ્યો હૉટ-હૉટ: બીજી જુલાઈથી વરસાદનું જોર વધે એવી આગાહી

મંગળવારે વરસાદની ધમાકેદાર એન્ટ્રી બાદ એનું જોર ઘટ્યું છે અને ર​વિવારે તો મુંબઈગરાઓએ ફરી ઉકળાટ અને બફારો અનુભવ્યા હતા. જોકે સોમવારે મુંબઈના અમુક વિસ્તારોમાં સારો વરસાદ પડી શકે એવી આગાહી હવામાન ખાતાએ કરી છે, જ્યારે આગામી દિવસોમાં મુંબઈ મેટ્રોપૉલિટન રીજન (MMR)માં સારો વરસાદ જોવા મળી શકે છે. બીજી જુલાઈથી વરસાદનું જોર વધશે એવો હવામાન ખાતાનો અંદાજ છે. રવિવારે હવામાન ખાતાએ મુંબઈ, થાણે, પાલઘર અને રાયગડ માટે યલો અલર્ટ જાહેર કરી હતી. રવિવારે મહારાષ્ટ્રના અનેક ભાગોમાં મુશળધાર વરસાદ વરસ્યો હતો, પરંતુ મુંબઈમાં એક દિવસ જ વરસાદ પડીને બંધ થઈ ગયો હોવાથી જળાશયોમાં પણ પાણીનું સ્તર ઘટ્યું છે. અત્યાર મુંબઈનાં ૭ જળાશયોમાં મળીને ૭ ટકાથી પણ ઓછો પાણીપુરવઠો બચ્યો છે.

આરેને બચાવવા સતત ૨૦૦મા રવિવારે પ્રદર્શન

મેટ્રો 3ના કારશેડ માટે આરેના જંગલ વિસ્તારનાં વૃક્ષો કાપવાની યોજના છે ત્યારે હજારો વૃક્ષો બચાવવા માટે રહેવાસીઓ અને પર્યાવરણપ્રેમીઓ સતત ૨૦૦ રવિવારથી ઝુંબેશ ચલાવે છે. ગઈ કાલે પણ આરેમાં પર્યાવરણ અને વૃક્ષોને બચાવવા માટે લોકો હાથમાં બૅનરો લઈને પ્રદર્શનમાં જોડાયા હતા.

બિહારમાં કાળઝાળ ગરમીનો પ્રકોપઃ પટનામાં આઠમા ધોરણ સુધીની તમામ સ્કૂલો ૩૦ જૂન સુધી રહેશે બંધ

બિહારની રાજધાની પટનામાં સતત વધી રહેલા તાપમાન અને બપોરના સમયે પડી રહેલી અસહ્ય ગરમીને ધ્યાનમાં રાખીને જિલ્લા વહીવટીતંત્રે બાળકોની સુરક્ષા માટે એક મોટો નિર્ણય લીધો છે. પટનાના જિલ્લા મૅજિસ્ટ્રેટ (DM) કુંદન કુમારે જિલ્લાની તમામ સરકારી અને ખાનગી શાળાઓમાં ધોરણ ૮ સુધીના શૈક્ષણિક કાર્ય પર સંપૂર્ણ રોક લગાવી દીધી છે. વહીવટીતંત્રના આદેશ અનુસાર પ્રી-સ્કૂલ અને આંગણવાડી કેન્દ્રો સહિત તમામ શૈક્ષણિક સંસ્થાઓ માટે આ પ્રતિબંધ ૩૦ જૂન સુધી અમલમાં રહેશે અને આ દરમ્યાન કોઈ પણ પ્રકારના વર્ગો ચલાવી શકાશે નહીં.

દિલ્હીમાં અસહ્ય ઉકળાટ: રિયલ ફીલ તાપમાન ૫૧.૩ ડિગ્રીએ પહોંચ્યું

શનિવારે દિલ્હીમાં હીટ ઇન્ડેક્સ એટલે કે ‘રિયલ ફીલ’ તાપમાન ૫૧.૩ ડિગ્રી સેલ્સિયસ પર પહોંચી ગયું હતું. વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૩૫% થી ૬૩% ની વચ્ચે રહેવાને કારણે દિલ્હીવાસીઓ અસહ્ય બફારાથી તોબા પોકારી ઊઠ્યા હતા. આ દરમિયાન પીક વેટ-બલ્બ તાપમાન ૨૯.૭૭ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. નિષ્ણાતોના મતે વેટ-બલ્બ તાપમાન ૩૨ ડિગ્રીથી વધુ થાય તો ખુલ્લામાં કામ કરવું મુશ્કેલ બને છે અને ૩૫ ડિગ્રીએ પહોંચતાં જ શરીરનું તાપમાન સંતુલિત ન રહેતાં હીટ-સ્ટ્રોક કે કૉલૅપ્સ થવાનું જોખમ રહે છે. ઉલ્લેખનીય છે કે આપણે ટીવી કે મોબાઇલમાં જે સામાન્ય તાપમાન જોઈએ છીએ એ માત્ર હવાની ગરમી બતાવે છે, પરંતુ વેટ-બલ્બ તાપમાન એ ગરમી અને હવામાં રહેલા ભેજનું સંયુક્ત માપ છે

mumbai news mumbai mumbai local train AC Local central railway Weather Update mumbai weather aarey colony delhi news india