સમાચાર શોર્ટમાં: e-KYC રહી ગયું હોય એવી ૩૫ લાખ લાડકી બહિણ લાભ ચૂકી જશે

06 February, 2026 11:00 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

e-KYCની સાથે સરકારી નોકરી અને ઘરમાં ફોર-વ્હીલર હોય એ જોવામાં આવી રહ્યું છે, જેથી આ લાભ યોગ્ય લાયકાત ધરાવતી મહિલાઓ સુધી પહોંચી શકે. 

પ્રતીકાત્મક તસવીર

મુખ્યમંત્રી માઝી લાડકી બહિણ યોજનાનો લાભ લેવા માટે ઇલેક્ટ્રૉનિક નો યૉર કસ્ટમર (e-KYC) સમયસર ન કરાવી શકનાર ૩૫ લાખ મહિલાઓ યોજનાનો લાભ ગુમાવશે. E-KYC કરાવવાની છેલ્લી તારીખ ૩૧ જાન્યુઆરી હતી. ૨૮ જાન્યુઆરી સુધીમાં ૧.૭ કરોડ મહિલાઓએ e-KYC કરાવ્યું હતું. આ પ્રક્રિયાને કારણે દર મહિને લાભાર્થીઓને ૧૫૦૦ રૂપિયા આપવામાં પણ વિલંબ થઈ રહ્યો છે. જે મહિલાઓએ e-KYCમાં ભૂલ કરી હોય તેમના માટે હેલ્પલાઇન-નંબર ૧૮૧ પણ શરૂ કરવામાં આવી છે.

૨.૫ લાખ રૂપિયાથી ઓછી આવક ધરાવતા પરિવારની ૧૮થી ૬૫ વર્ષની મહિલાઓ માટે શરૂ કરાયેલી આ સ્કીમને કારણે સરકારી તિજોરી પર બોજ વધી રહ્યો છે. ચાલુ વર્ષે ૯.૩ લાખ કરોડ રૂપિયાનું દેવું રાજ્ય સરકારના માથે છે. તેથી યોગ્ય લાભાર્થીઓની છણાવટ કરવાનું શરૂ કરવામાં આવ્યું છે. e-KYCની સાથે સરકારી નોકરી અને ઘરમાં ફોર-વ્હીલર હોય એ જોવામાં આવી રહ્યું છે, જેથી આ લાભ યોગ્ય લાયકાત ધરાવતી મહિલાઓ સુધી પહોંચી શકે. 

મલાડ-ઈસ્ટના કુરાર વિલેજના સાંકડા રસ્તાઓ પર ત્રણ મહિના સુધી પાર્કિંગ પર બંધી

મલાડ-ઈસ્ટના કુરાર વિલેજમાં સાંકડા રોડ પર બન્ને તરફ વાહનો પાર્ક થતાં હોવાથી ભારે ટ્રાફિક જૅમ થતો હતો અને એમાં સ્કૂલ-બસ, બેસ્ટની નાની બસ અને ઍમ્બ્યુલન્સ પણ અટવાઈ જતી હતી. એથી વેસ્ટર્ન સબર્બ્સ ટ્રાફિક-પોલીસે કુરાર વિલેજના રોડ પર આકાશ પાન શૉપથી બાબાજી કોન્સે માર્ગ સુધી બન્ને બાજુએ પાર્કિંગ પર ૩ મહિનાનો પ્રતિબંધ લગાવ્યો છે.

સાંકડો રસ્તો અને ગેરકાયદે પાર્કિંગને કારણે વારંવાર ટ્રાફિક જૅમ થવાને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે. ટ્રાફિક-પોલીસ દ્વારા જાહેર કરાયેલા સત્તાવાર નોટિફિકેશન મુજબ  ટ્રાફિક સરળતાથી ચાલતો રહે અને એ વિસ્તારમાં અવરોધો ઘટાડવા નો-પાર્કિંગનો નિયમ ૩ મહિના સુધી અમલમાં રહેશે. ડેપ્યુટી કમિશનર ઑફ પોલીસ (ટ્રાફિક) અજિત બોરાડેએ નાગરિકોને ટ્રાફિકના નિયમોનું કડક પાલન કરવાની અને અધિકારીઓને સહકાર આપવાની અપીલ કરી છે.

બિહારની ચૂંટણીને રદ ગણવી જોઈએ એવી ડિમાન્ડ લઈને સુપ્રીમ કોર્ટમાં પહોંચી જન સુરાજ પાર્ટી

ચૂંટણી પહેલાં જ મહિલાઓને ૧૦,૦૦૦ રૂપિયા આપ્યા એ મુદ્દાને પ્રશાંત કિશોરે ઉઠાવ્યો, આજે થશે સુનાવણી

પ્રશાંત કિશોરની જન સુરાજ પાર્ટીએ બિહાર વિધાનસભાની ૨૦૨૫ની ચૂંટણીને રદ ગણવામાં આવે એવી અરજી સુપ્રીમ કોર્ટમાં દાખલ કરી છે. અરજીમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે સરકારે ચૂંટણીની આચારસંહિતા દરમ્યાન મહિલા મતદાતાઓનાં ખાતાંમાં ૧૦,૦૦૦ રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા જે ચૂંટણીના નિયમોનું ઉલ્લંઘન છે. ચીફ જસ્ટિસ સૂર્યકાન્ત અને જસ્ટિસ જૉયમાલ્યા બાગચીની બેન્ચ સામે આજે આ અરજી પર સુનાવણી થશે. અરજીમાં આરોપ મૂકવામાં આવ્યો છે કે ચૂંટણી દરમ્યાન રાજ્યની વીસથી ૨૫ લાખ મહિલા મતદાતાઓને ૧૦,૦૦૦ રૂપિયા સીધા ટ્રાન્સફર કરવાનું ચૂંટણીપંચના નિયમો વિરુદ્ધનું છે. આ પગલા પર ચૂંટણીપંચે કાર્યવાહી કરવી જોઈએ.

મુંબ્રામાં ગુજરાતીએ ઘરમાં જ પત્નીને મારી નાખી, બચવા માટે પુરાવાનો પણ નાશ કર્યો

મુંબ્રામાં રહેતા એક ગુજરાતીએ પત્નીની છરીના ઘા મારીને હત્યા કરી હતી અને પકડાઈ જવાના ડરે પુરાવાનો પણ નાશ કરી દીધો હતો. જોકે પોલીસે ૪૫ વર્ષના આરોપીની ધરપકડ કરી છે. પોલીસે આપેલી માહિતી મુજબ ૩ ફેબ્રુઆરીએ રાતે ૯.૩૦ વાગ્યે આરોપીએ તેના ઘરના ડ્રૉઇંગ-રૂમમાં તેની પત્ની પર તીક્ષ્ણ હથિયારથી હુમલો કર્યો હતો, જેના કારણે પત્નીએ જીવ ગુમાવ્યો હતો. ગુનો કર્યા પછી તેણે પુરાવાનો નાશ કરવાના ઇરાદાથી લોહીના ડાઘ પાણીથી ધોઈ કાઢ્યા હતા. જોકે પોલીસ-તપાસમાં આરોપી પકડાઈ ગયો હતો. હત્યા તથા પુરાવાનો નાશ કરવાના આરોપસર પોલીસે આરોપીને કસ્ટડીમાં લીધો હતો તેમ જ વધુ તપાસ શરૂ કરી હતી.

ફ્રૂટ્સ વેચતો ફેરિયો ગટરના પાણીથી ફ્રૂટ્સ ધોતો હતો, પકડાઈ ગયો

વિરાર-વેસ્ટમાં ગ્લોબલ સિટી નાકા પર ફ્રૂટ્સ વેચતો ફેરિયો સફરજન અને દ્રાક્ષ જેવાં ફ્રૂટ્સ ધોવા અને એના પર પાણીનો છંટકાવ કરવા માટે ગટરના ગંદા પાણીનો ઉપયોગ કરતાં પકડાઈ ગયો હતો. સ્થાનિક રહેવાસી વિશ્વનાથ શેટ્ટીએ તેની આ હરકત મોબાઇલમાં રેકૉર્ડ કરીને પોલીસ અને ફૂડ ઍન્ડ ડ્રગ ઍડ્મિનિસ્ટ્રેશનને એ વિશે જાણ કરી હતી. જોકે પોલીસ અને અધિકારીઓએ તેની ફરિયાદને ગણકારી નહોતી. એ પછી તેણે આ વિડિયો સોશ્યલ મીડિયામાં વાઇરલ કર્યો હતો, જેને જોઈને લોકોમાં રોષ ફેલાયો હતો. લોકોમાં એથી ગંભીર ચિંતા ઊભી થઈ છે અને ગટરનું ગંદું પાણી વાપરતા તે ફેરિયા સામે કડક કાર્યવાહી કરવાની માગણી કરવામાં આવી છે.

mumbai news mumbai maharashtra government maharashtra news maharashtra