ન્યુ ઇન્ડિયા બૅન્કના ડિપોઝિટરોએ થાણે બ્રાન્ચ સામે દેખાવો કર્યા

29 April, 2025 02:30 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

બૅન્કને વહેલી તકે રિવાઇવ કરવામાં આવે અથવા એને અન્ય બૅન્ક સાથે મર્જ કરી દેવામાં આવે.

ન્યુ ઇન્ડિયા કો-ઑપરેટિવ બૅન્ક

ન્યુ ઇન્ડિયા કો-ઑપરેટિવ બૅન્કના જનરલ મૅનેજર અને અન્ય પદાધિકારીઓએ સાથે મળીને ૧૨૨ કરોડ રૂપિયાનું કૌભાંડ કરતાં બૅન્ક પર ૧૩ ફેબ્રુ​આરીએ રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયા (RBI)એ નિયંત્રણો મૂકી દીધાં હતાં. એથી સામાન્ય ડિપોઝિટર્સને હેરાનગતિ ભોગવવી પડી રહી છે. ગઈ કાલે ડિપોઝિટર્સે ‘ન્યુ ઇન્ડિયા કો-ઑપરેટિવ બૅન્ક ડિપોઝિટર્સ ફાઉન્ડેશન’ના નેજા હેઠળ થાણેના માજીવાડામાં આવેલી બ્રાન્ચ સામે દેખાવો કર્યા હતા. તેમનું કહેવું છે કે બૅન્કને વહેલી તકે રિવાઇવ કરવામાં આવે અથવા એને અન્ય બૅન્ક સાથે મર્જ કરી દેવામાં આવે.

ડિપોઝિટર્સે બ્રાન્ચ-મૅનેજરને તેમનું નિવેદન આપતાં કહ્યું હતું કે ‘આ પહેલાં RBI દ્વારા નીમવામાં આવેલા ઍડ્વાઇઝર અને સિનિયર અધિકારીઓ સાથે આ બાબતે મીટિંગ કરવામાં આવી હતી. જોકે એમ છતાં ઘણીબધી અસ્પષ્ટતા છે. ડિપોઝિટર્સને તેમના પૈસાની ચિંતા છે; ખાસ કરીને એવા ડિપોઝિટર્સ જેમની રકમ પાંચ લાખ રૂપિયા કરતાં વધુ છે. પાંચ લાખ રૂપિયા સુધીની રકમ ડિપોઝિટ ઇન્શ્યૉરન્સ ઍન્ડ ક્રેડિટ ગૅરન્ટી કૉર્પોરેશન હેઠળ ઇન્શ્યૉર્ડ હોય છે. તેમની માગણીઓમાં હાલ જે ૨૫,૦૦૦ રૂપિયા સુધીની જ રકમ કઢાવી શકવાની લિમિટ બાંધી છે એ વધારીને ૧.૫ લાખ રૂપિયા કરવામાં આવે, ફિક્સ્ડ ડિપોઝિટની રકમ પૂરેપૂરી ભરે એ પછી પાંચ લાખ રૂપિયા કરતાં વધુ હોય એ કાઢવા મળે, કૌભાંડ બાદ બૅન્કનું ફૉરેન્સિક અને સ્પેશ્યલ ઑડિટ કરવામાં આવ્યું હતું એમાં શું અપડેટ છે?, નૉન-પર્ફોર્મિંગ ઍસેટ્સનું અસેસમેન્ટ કરવામાં આવ્યું એની શું અસર પડશે અને જે લોકોએ આ કૌભાંડ કર્યું છે તેમની પ્રૉપર્ટી જપ્ત કરીને વહેલી તકે રિકવરી કરવામાં આવે વગેરે છે.

mumbai news mumbai reserve bank of india Crime News mumbai crime news