મલાડના આ પ્રતિષ્ઠિત ડૉક્ટર નેપાલમાં મિસિંગ

29 August, 2026 08:43 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ડૉ. જય કોટેચાની ભાળ મેળવવા પરિવારના પ્રયાસ : સૌથી વધુ અસરગ્રસ્ત એરિયામાં જ હતું તેમનું છેલ્લું લોકેશન, તેમના બે ભાઈઓ નેપાલ પહોંચ્યા

ડૉ. જય કોટેચા

મલાડ-વેસ્ટના લિન્ક રોડ પર રહેતા અને લિન્ક રોડ પર જ ક્લિનિક ધરાવતા ૪૪ વર્ષના જાણીતા ગૅસ્ટ્રોએન્ટરોલૉજિસ્ટ ડૉ. જય કોટેચા નેપાલની હોનારતમાં મિસિંગ છે અને તેમનો પરિવાર તેમને શોધવાના સખત પ્રયાસ કરી રહ્યો છે.

ડૉ. જય કોટેચા વિશે માહિતી આપતાં તેમના એક મિત્રે જણાવ્યું હતું કે ‘જય અહીંથી ગ્રુપમાં ગયા છે. તેમનું ૬૧ જણનું ગ્રુપ છે. અંધેરી, મલાડ, કાંદિવલી એમ મુંબઈના અલગ-અલગ ભાગના લોકો ટૂર પર ગયા છે. ત્યાં તેઓ રિચા ટ્રાવેલ્સ સાથે ટૂર કરી રહ્યા છે. જય પરિણીત છે અને તેમને ૩ બાળકો છે. ૨૬ ઑગસ્ટે સવારે ૬.૨૧ વાગ્યે તેમની સાથે છેલ્લી વાત થઈ હતી. એ વખતે તેમણે વાઇફને કહ્યું હતું કે અમે તિમુરેમાં છીએ અને ઇમિગ્રેશન કરાવીને થોડી વારમાં નીકળીશું. જોકે એ પછી તેમનો કોઈ જ સંપર્ક થઈ શક્યો નથી. મહાપૂર આવ્યું એમાં સૌથી વધુ અફેક્ટેડ જે એરિયા હતો એ આ જ હતો અને એમાં એ લોકો ફસાયા હોવા જોઈએ. અમે તેમનો સંપર્ક કરવાની બહુ જ કોશિશ કરી રહ્યા છીએ, પણ સંપર્ક નથી થઈ રહ્યો. અમે ચાઇના ગવર્નમેન્ટનો પણ સંપર્ક કર્યો છે. જોકે તેમનું કહેવું છે કે તેમને હજી આ ગ્રુપની કોઈ ભાળ મળી નથી અને તપાસ ચાલુ છે. તેમના બે કઝિન બ્રધર્સ ઑલરેડી નેપાલ પહોંચી ગયા છે. ત્યાંની હૉસ્પિટલોમાં પણ તેમણે તપાસ કરી છે. ઇન્ડિયન એમ્બેસીમાં પણ જઈને તપાસ કરી છે જેથી તેમની કે તેમના ગ્રુપની કોઈ માહિતી મળે. જોકે હજી સુધી તેમના કોઈ સમાચાર મળ્યા નથી. અમે બધા જ ભારે ચિંતામાં છીએ. વી હોપ કે તેઓ ઇમિગ્રેશન પતાવીને આગળ નીકળી ગયા હોય અને કોઈ જગ્યાએ આશરો મળી ગયો હોય, પણ ફસાયા હોય અને સંપર્કનું કોઈ માધ્યમ ન રહ્યું હોય.’ 

nepal floods in india malad gujaratis of mumbai mumbai mumbai news kathmandu