બોરીવલીના ચીકુવાડીમાં ભૂમિ ત્રિવેદીના તાલે ખેલૈયાઓ મન મૂકીને રમી શકશે

13 September, 2023 12:50 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

રાયગડ પ્રતિષ્ઠાન પ્રસ્તુત ‘રંગ રાસ’નું આયોજન પ્રવીણ દરેકર અને પિનાકીન શાહ દ્વારા કરવામાં આવ્યું છે

ભૂમિ ત્રિવેદી

બોરીવલી-વેસ્ટમાં ચીકુવાડીમાં આવેલા બાળાસાહેબ ઠાકરે મનોરંજન ઉદ્યાન ગ્રાઉન્ડમાં ગાયિકા ભૂમિ ત્રિવેદી ૧૫થી ૨૩ ઑક્ટોબર સુધી ગરબાનાં ગીતો ગાઈને સૌનું મનોરંજન કરશે. રાયગડ પ્રતિષ્ઠાન પ્રસ્તુત ‘રંગ રાસ’નું આયોજન પ્રવીણ દરેકર અને પિનાકીન શાહ દ્વારા કરવામાં આવ્યું છે. ગાયિકા ભૂમિ ત્રિવેદીએ ‘વાગ્યો રે ઢોલ’, ‘માડીનો ગરબો’, ‘ઊડે રે ગુલાલ’, ‘રામ ચાહે લીલા’ વગેરે જેવાં હિટ ગીતો ગાયાં છે અને અવૉર્ડ પણ મેળવ્યા છે.

કાંદિવલીમાં આ સંદર્ભે મંગળવારે એક પ્રેસ-કૉન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભૂ​​​મિ ત્રિવેદી, પિનાકીન શાહ હાજર રહ્યાં હતાં. આ ગરબાની ખાસ વાત એ હશે કે માત્ર ૨૦૦ રૂપિયા પાસ માટે લેવામાં આવશે અને કવર ચાર્જ આપવામાં આવશે, જેમાં ૨૦૦ રૂપિયાની કૂપન અથવા નાસ્તો-પાણી વગેરે આપવામાં આવશે. પ્રેસ-કૉન્ફરન્સ દરમ્યાન ભૂમિ ત્રિવેદીએ પોતાના લાઇવ પર્ફોર્મન્સથી હાજર રહેલા દરેકનાં દિલ જીતી લીધાં હતાં.

નવરાત્રિને લઈને હું ખૂબ જ ઉત્સાહી છું, એમ કહેતાં ભૂમિ ત્રિવેદીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મુંબઈમાં મેં છેલ્લે ૨૦૧૯માં પર્ફોર્મ કર્યું હતું. હવે આ વર્ષે ફરી મને પર્ફોર્મ કરવા મળતાં હું બહુ એક્સાઇટેડ છું, માતાજીની આરાધના સાથે ગરબા રમીશું, ટ્રેડિશનલ ગીતો, પ્રાચીન-અર્વાચીન, રાધા-કૃષ્ણનાં ગીતની સાથે નવરાત્રિની ધામધૂમથી ઉજવણી કરીશું. ગુજરાત-સૌરાષ્ટ્ર વગેરે જગ્યાનું અલગ-અલગ કલેક્શન આ નવરાત્રિમાં હશે. હું ફાલ્ગુની પાઠકની બહુ મોટી ફૅન છું અને મને લાગે છે કે કૉમ્પિટિશન એ સિંગર્સની વચ્ચે નહીં, પરંતુ ઑડિયન્સમાં કૉમ્પિટિશન રહેશે કે ક્યાં જવું છે? અમે બધા સિંગર્સ પોતાની યુનિકનેસ લઈને ચાલીએ છીએ, અમે પર્ફોર્મ કરીશું અને અમારું બેસ્ટ ગરબા રમવા ને જોવા આવનારા લોકોને આપીશું.’

આ બાબતે વધુ માહિતી આપતાં આયોજક પિનાકીન શાહે ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘સામાન્ય રીતે લોકો રાસગરબાના પ્રોગ્રામ માટે બેથી ત્રણ હજારની ટિકિટ રાખે છે. જો એક ઘરમાંથી બે કે ત્રણ જણ પણ જાય તો દસથી બાર હજારનું બિલ થાય છે. મોંઘવારીમાં લોકો સારી રીતે નવરાત્રિ માણી શકે એવા ઉદ્દેશ સાથે અમે માત્ર ૨૦૦ રૂપિયા પાસનો ચાર્જ રાખ્યો છે. નજીવો ચાર્જ લઈને કવર ચાર્જ આપી રહ્યા છીએ, જેથી આમાં ફ્રી જેવું જ થઈ ગયું. લોકોને ૧૫ તારીખથી પાસ આપવામાં આવશે, જેને તમે ઑનલાઇન ‘બુક માય શો’ તેમ જ ઑફલાઇન પણ લઈ શકો છે. બે લાખ સ્ક્વેર ફીટનું વુડન પ્લૅટફૉર્મ બનાવવામાં આવશે, મુંબઈનું સૌથી મોટું પ્લૅટફૉર્મ હશે તેમ જ મનીષ મવાનીનું સાઉન્ડ રહેશે ને યોગેશ પોપટ દ્વારા સ્ટેજ ડિઝાઇન કરવામાં આવશે.’

navratri borivali mumbai mumbai news