28 December, 2023 10:00 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
નવી મુંબઈમાં સ્ક્રૅપ શૉપના માલિક સામે એક મહિલાને કથિત રીતે આત્મહત્યા માટે પ્રેરિત કરવા બદલ કેસ નોંધાયો છે.
પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે ‘૩૮ વર્ષની મહિલાનું ગયા વર્ષના જૂનમાં મૃત્યુ થયું હતું. તે ખારઘરમાં આરોપીની દુકાનમાં ભંગાર ભેગો કરીને વેચતી હતી. એમાં એક દિવસ ગફલત થયા બાદ આરોપીએ કથિત રીતે મહિલાને માર માર્યો હતો અને પૈસાની માગણી કરી હતી. આરોપીએ ૧૫ જૂન ૨૦૨૨ના રોજ મહિલાને ફરી ફોન કરીને ધમકી આપી હતી કે જો પૈસા નહીં આપી શકે તો તેને બદનામ કરશે અને તેની પુત્રીનું અપહરણ કરી લેશે.’
અધિકારીએ જણાવ્યું હતું કે મહિલાએ કથિત રીતે એ જ સાંજે તેના ઘરે રેટ પૉઇઝન ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું હતું. પોલીસે પ્રાથમિક તબક્કે અકસ્માતે મોતનો ગુનો નોંધ્યો હતો.
આ ઘટનાની તપાસ અને પીડિતાના પરિવારના સભ્યો અને અન્ય સાક્ષીઓનાં નિવેદનો રેકૉર્ડ કર્યા પછી પોલીસે સોમવારે આરોપીઓ સામે ભારતીય દંડસંહિતાની કલમ ૩૦૬ (આત્મહત્યા માટે ઉશ્કેરણી) અને ૫૦૬ (ગુનાહિત ધમકી) હેઠળ કેસ નોંધ્યો હતો.