વાશીમાં ગોડાઉનમાંથી ૧૭ લાખનાં કપડાં ચોરાઈ ગયાં

31 December, 2024 02:12 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મોટા જથ્થામાં કપડાંની ચોરી કરવી એ સામાન્ય ચોરોનું કામ નથી. આ પાછળ કોઈ જાણભેદુ હોય એવી પોલીસને શંકા છે.

પ્રતીકાત્મક ફાઈલ તસવીર

નવી મુંબઈની ઍગ્રિકલ્ચરલ પ્રોડ્યુસ માર્કેટ કમિટી (APMC) નજીક શીતલાદેવી મંદિર પરિસરમાં આવેલી પીઆર એજન્સી નામના કપડાના ગોડાઉનમાંથી રવિવાર રાતે ૧૭ લાખ રૂપિયાનાં પુરુષોનાં રેડીમેડ કપડાં ચોરાયાં હોવાની ફરિયાદ APMC પોલીસ-સ્ટેશનમાં ગોડાઉનના માલિક રિષભ જૈને ગઈ કાલે નોંધાવી હતી. પ્રાથમિક માહિતીના આધારે પોલીસે નજીકના વિસ્તારોમાં લાગેલા ક્લોઝ્ડ સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરાનાં ફુટેજના આધારે વધુ તપાસ હાથ ધરી છે. આટલા મોટા જથ્થામાં કપડાંની ચોરી કરવી એ સામાન્ય ચોરોનું કામ નથી. આ પાછળ કોઈ જાણભેદુ હોય એવી પોલીસને શંકા છે.

મોટા ટેમ્પોમાં ચોરો માલની ચોરી કરવા આવ્યા હતા જે નજીકના એક CCTV કૅમેરામાં કૅપ્ચર થયા છે એમ જણાવતાં APMC પોલીસ-સ્ટેશનના એક સિનિયર અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘શીતલાદેવી મંદિર પરિસરમાં આવેલી પીઆર એજન્સી નામના કપડાના ગોડાઉનમાં કામ કરતો નોકર ગઈ કાલે સવારે આવ્યો ત્યારે ગોડાઉનનું શટર તૂટેલી હાલતમાં તેણે જોયું હતું. અંદર જઈને વધુ તપાસ કરતાં જીન્સ, ટ્રૅક પૅન્ટ, શર્ટ, ટી-શર્ટ જેવાં કપડાંનો માલ ચોરી થયો હોવાની જાણ તેને થઈ હતી. ત્યાર બાદ ઘટનાની જાણ અમને કરવામાં આવી હતી. આ મામલે અમે વધુ તપાસ હાથ ધરી છે. ચોરી કરવા આવેલા ચોરો મોટા ટેમ્પોમાં તમામ માલ લઈ ગયા છે. પ્રાથમિક માહિતીના આધારે આ ચોરીમાં ઓછામાં ઓછા છથી આઠ માણસોનો સહભાગ હોય એવું સામે આવ્યું છે એટલે આ ચોરી પાછળ કોઈ જાણકાર અથવા જાણભેદુ હોય એવી અમને શંકા છે.’

રિષભ જૈન પાસે વધુ માહિતી લેવાની કોશિશ કરતાં તેમણે ફોન પર કોઈ પણ માહિતી આપવાનો ઇનકાર કર્યો હતો.

vashi navi mumbai crime news mumbai crime news news mumbai police mumbai mumbai news