05 May, 2025 07:01 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
જિગર કોઠારી
નવી મુંબઈના કોપરખૈરણેમાં સેક્ટર અગિયારમાં રહેતા અને ન્હાવા-શેવામાં કસ્ટમ ક્લિયરન્સનો વ્યવસાય કરતા ૪૦ વર્ષના જિગર કોઠારીએ શુક્રવારે બપોરે સાડાબાર વાગ્યાની આસપાસ પોતાના બિલ્ડિંગની ટેરેસ પરથી ઝંપલાવીને આપઘાત કરી લીધો હતો. આ મામલે કોપરખૈરણે પોલીસે પ્રાથમિક માહિતી અનુસાર આકસ્મિક મૃત્યુની નોંધ કરીને વધુ તપાસ હાથ ધરી છે. મૂળ કચ્છ ગામ સુમરીના જિગરભાઈ નાણાકીય તંગીનો સામનો કરી રહ્યા હોવાથી છેલ્લા કેટલાક સમયથી તેઓ ડિપ્રેશનમાં આવી ગયા હોવાથી આવું પગલું ભર્યું હોવાનું કહેવાય છે. એમ છતાં પોલીસ દ્વારા નજીકના લોકોનું સ્ટેટમેન્ટ નોંધીને આપઘાત પાછળનું કારણ જાણવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. નાની ઉંમરે બે સંતાનોના પિતા જિગરભાઈનું મોત નીપજતાં કોઠારી પરિવારમાં અને કચ્છી લોહાણા સમાજમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે.
છોકરાઓને મંદિર જવા માટે તૈયાર થવાનું કહીને પોતે બિલ્ડિંગની ટેરેસ પરથી ઝંપલાવી દીધું હોવાની માહિતી અમને મળી છે એમ જણાવતાં જિગરભાઈના કાકા જયેશભાઈએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘વ્યવસાયમાં ઉતારચડાવને કારણે જિગર ડિપ્રેશનમાં હતો. એવી પણ કોઈ મોટી તકલીફ નહોતી કે તેણે આવું પગલું ભરવું પડે. આ ઘટના પછી અમે પરિવારના સભ્યો માની જ નથી શકતા કે જિગર અમારી વચ્ચે નથી. શુક્રવારે સવારે તેણે પોતાના બન્ને દીકરાઓને મંદિર જવું છે, તમે તૈયાર થાઓ એમ કહ્યું હતું. આશરે સાડાબાર વાગ્યાની આસપાસ બિલ્ડિંગની છત પરથી કંઈક નીચે પડ્યું હોય એવો જોરદાર અવાજ આવતાં જિગરની પત્ની શ્વેતા જોવા ગઈ ત્યારે ખબર પડી કે જિગર નીચે પડ્યો છે. એટલે તાત્કાલિક તેણે બીજા લોકોની મદદ લઈને જિગરને હૉસ્પિટલમાં ખસેડ્યો હતો જ્યાં ઇલાજ દરમ્યાન તેનું મૃત્યુ થયું હોવાની માહિતી અમને મળી હતી. જિગર તેના બે પુત્રો અને પત્ની સાથે એ ફ્લૅટમાં રહેતો હતો અને ન્હાવા-શેવામાં વ્યવસાય
કરતો હતો.’
આપઘાત કરનાર જિગર કોઠારી નાણાકીય તંગીમાં હોવાની પ્રાથમિક માહિતી અમને મળી છે એમ જણાવતાં કોપરખૈરણે પોલીસ-સ્ટેશનના પોલીસ-ઇન્સ્પેકટર સુનીલ બોડકેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘શુક્રવારે બપોરે સાડાબાર વાગ્યાની આસપાસ આ ઘટના બની હતી. ત્યાર બાદ ઇલાજ માટે જિગરને સ્થાનિક સરકારી હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં ઉપચાર દરમ્યાન તેનું મૃત્યુ થયું હતું. આ કેસમાં અમે આપઘાત પાછળનું કારણ જાણવાનો પ્રયાસ કરી રહ્યા છીએ.