✕

પીઠ થાબડો આ ઈમાનદાર ‌રિક્ષા-ડ્રાઇવરની

25 September, 2026 09:18 AM IST  |  Mumbai | Rohit Parikh

ઑટોમાં રહી ગયેલી ૧,૬૮,૦૦૦ રૂપિયા રોકડા ધરાવતી થેલી પોલીસને સોંપીને માલિકને પાછી અપાવી ઃ નવી મુંબઈની મૂડીબજારમાં કામ કરતા માધવજી ભાનુશાલીને હાશકારો થયો

રિક્ષા-ડ્રાઇવર અશોક સાવંત (જમણેથી બીજા) દ્વારા પાછી આપવામાં આવેલી પૈસાની થેલી માધવ ભાનુશાલી (ડાબેથી બીજા)ને પાછી સોંપી રહેલી વાશી પોલીસ.

કાળઝાળ મોંઘવારીના આજના સમયમાં મોટી રકમ હાથમાં આવે અને કોઈ લાલચ ન રાખીને એને એના માલિક સુધી પહોંચાડવામાં આવે એવી પ્રામાણિકતા ખરેખર નોંધપાત્ર છે. આવો નોંધપાત્ર બનાવ ગઈ કાલે નવી મુંબઈના વાશીમાં બન્યો હતો. એમાં એક રિક્ષા-ડ્રાઇવર (રિક્ષા-નંબર MH-43-BF-5535)એ તેની રિક્ષામાં એક સિનિયર સિટિઝનની ભુલાઈ ગયેલી ૧,૬૮,૦૦૦ રૂપિયા રોકડ અને એની સાથે રહેલા મહત્ત્વના દસ્તાવેજો ભરેલી થેલી તે સિનિયર સિટિઝન સુધી પહોંચાડીને ઈમાનદારી અને પ્રામાણિકતા આજે પણ જીવંત છે એનું શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. 

નવી મુંબઈના મૂડીબજારમાં મૅનેજર તરીકે કામ કરતા ૭૦ વર્ષના માધવજી ભાનુશાલી ગઈ કાલે સવારે ૧૧.૧૫ વાગ્યાની આસપાસ તેમના કોપરખૈરણેના ઘરેથી વાશીની APMC મસાલાબજારમાં જવા રિક્ષામાં નીકળ્યા હતા. તેઓ બજારમાં પહોંચ્યા પછી ઉતાવળમાં ભૂલથી તેમની પૈસા અને દસ્તાવેજોની થેલી રિક્ષામાં જ ભૂલી ગયા હતા. આ વાતની ખબર પડતાં જ તેઓ ટેન્શનમાં આવી ગયા હતા. 

આ માહિતી આપતાં માધવજી ભાનુશાલી (મંગે)એ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મને જ્યારે ખબર પડી કે હું મારી પૈસા સાથેના મહત્ત્વના દસ્તાવેજોની થેલી રિક્ષામાં ભૂલી ગયો છું ત્યારે હાંફળો-ફાંફળો થઈ ગયો હતો. મેં તરત વાશી પોલીસ-સ્ટેશનમાં ફ‌રિયાદ કરી હતી કે હું ‌રિક્ષામાં થેલી ભૂલી ગયો છું. જોકે થોડી વારમાં જ મને વાશી પોલીસ-સ્ટેશનમાંથી ફોન આવ્યો હતો કે ૩૮ વર્ષનો રિક્ષા-ડ્રાઇવર અશોક સાવંત મારી ભુલાઈ ગયેલી ૧,૬૮,૦૦૦ રૂપિયાની થેલી પોલીસ-સ્ટેશનમાં જમા કરવા પહોંચી ગયો છે. મને ત્યારે થોડું સાંત્વન મળ્યું હતું. હું તરત જ મારા એક વેપારી લખુભાઈને લઈને પોલીસ-સ્ટેશન પહોંચી ગયો હતો. ત્યારે અશોક સાવંત પણ ત્યાં હાજર હતો. તેને આપેલી માહિતી પ્રમાણે તે મને માર્કેટમાં મૂકીને વાશી બસ-સ્ટૉપ પહોંચ્યો હતો. ત્યાં પાછળની સીટ પર પડેલી મારી લાલ થેલી પર તેની નજર પડી હતી. તેણે જોયું તો અંદર રોકડ રકમ અને દસ્તાવેજો હતાં. તે એક પળ બગાડ્યા વગર જ થેલી સાથે વાશી પોલીસ-સ્ટેશન પહોંચી ગયો હતો.’
વાશી પોલીસ-સ્ટેશનના અધિકારીએ રિક્ષા-ડ્રાઇવરની ઈમાનદારીની પ્રશંસા કરતાં ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અશોક સાવંતે જેવી થેલી ખોલી તો એમાં મોટી રકમની રોકડ હોવાનું તેના ધ્યાનમાં આવ્યું હતું. અશોકે તાત્કાલિક પોતાના સહકારી શિવાજી જાધવ સાથે વાશી પોલીસ-સ્ટેશનનો સંપર્ક કર્યો હતો અને અમને થેલી સોંપી હતી. તેણે આપેલી જાણકારીના આધારે અમે માધવ ભાનુશાલીનો સંપર્ક કર્યો હતો અને તેમને બોલાવીને તેમની પૈસાની થેલી સોંપી દીધી હતી. અશોક સાવંતે આ બનાવથી પ્રામાણિકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.’ 

mumbai news mumbai navi mumbai mumbai police