શહઝાદાએ વોટબૅન્કના રાજકારણ માટે મારી દ્વારકા પૂજાની મજાક ઉડાવી હતી

20 April, 2024 10:56 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે ‘આર્કિયોલૉજિસ્ટોએ દરિયામાં કૃષ્ણની દ્વારકા નગરી શોધી કાઢી છે અને એની પૂજા મેં દરિયામાં જઈને કરી હતી.

નરેન્દ્ર મોદી

નરેન્દ્ર મોદીએ દ્વારકાના દરિયામાં અંદર જઈને કરેલી પૂજાની કૉન્ગ્રેસના નેતા રાહુલ ગાંધીએ ઉડાવેલી મજાક માટે વડા પ્રધાને રાહુલને નિશાન પર લીધા હતા અને ગઈ કાલે ઉત્તર પ્રદેશના અમરોહામાં એક ચૂંટણીસભાને સંબોધતાં તેમણે કહ્યું હતું કે કૉન્ગ્રેસના શહઝાદાએ વોટબૅન્કના રાજકારણ માટે મેં પવિત્ર સ્થાનની કરેલી પૂજાની મજાક ઉડાવી હતી.

નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે ‘આર્કિયોલૉજિસ્ટોએ દરિયામાં કૃષ્ણની દ્વારકા નગરી શોધી કાઢી છે અને એની પૂજા મેં દરિયામાં જઈને કરી હતી. જોકે શહઝાદા કહે છે કે સમુદ્રમાં નીચે પૂજા કરવા યોગ્ય કંઈ નથી. આપણી હજારો વર્ષોની આસ્થા અને ભક્તિને આ લોકો માત્ર વોટબૅન્ક ખાતર માનતા નથી. જે લોકો બિહારમાં પોતાને યદુવંશી કહે છે તેમને હું પૂછવા માગું છું કે ભગવાન કૃષ્ણ અને દ્વારકાનું અપમાન કરનારાઓ સાથે તમે કેવી રીતે સમજૂતી કરી શકો છો?’

શું કહ્યું હતું રાહુલ ગાંધીએ?

રાહુલ ગાંધીએ કહ્યું હતું કે મોંઘવારી અને બેરોજગારી જેવા મહત્ત્વના મુદ્દાઓને નજરઅંદાજ કરવામાં આવી રહ્યા છે અને ટીવી-ચૅનલો પણ ખેડૂતો અને અગ્નિવીરોની ચિંતા પર ચર્ચા કરવાના બદલે વડા પ્રધાન ક્યાં જાય છે, પાણીની નીચે પૂજા કરે છે એવી બાબતો પર ધ્યાન કેન્દ્રિત કરે છે. એક કૅમેરા તેમની સાથે નીચે જાય છે, પછી તે સમુદ્ર પરથી સીપ્લેનમાં ઊડે છે એવું દર્શાવે છે.

mumbai news mumbai narendra modi dwarka congress rahul gandhi