02 July, 2025 01:12 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ગઈ કાલે વિધાનભવનમાં ઉશ્કેરાઈ ગયેલા નાના પટોલે સ્પીકર રાહુલ નાર્વેકર તરફ ધસી ગયા હતા
રાજ્ય સરકારના મૉન્સૂન સેશનના બીજા દિવસે ગઈ કાલે વિધાનભવનમાં હાઈ વૉલ્ટેજ ડ્રામા જોવા મળ્યો હતો. ખેડૂતો બદલ ઍગ્રિકલ્ચર મિનિસ્ટર માણિકરાવ કોકાટે અને ભારતીય જનતા પાર્ટી (BJP)ના વિધાનસભ્ય બબનરાવ લોણીકરે થોડા દિવસ પહેલાં કેટલાંક વિવાદાસ્પદ નિવેદન કર્યાં હતાં. આ બન્ને નેતાઓ પર કાર્યવાહી કરવામાં આવે એવી માગણી કરતાં કૉન્ગ્રેસના વિધાનસભ્ય નાના પટોલે ગઈ કાલે આક્રમક થઈ ગયા હતા. એ બન્ને સામે કાર્યવાહી કરવામાં આવે એવી માગણી કરતાં તેઓ વિધાનસભાના અધ્યક્ષ, સ્પીકર રાહુલ નાર્વેકર સામે ધસી ગયા હતા અને જોર-જોરથી બૂમો પાડીને રજૂઆત કરી તેમની સામે હાથ ઉલાળી-ઉલાળીને બોલવા માંડ્યા હતા. નાના પટોલેનું આવું વર્તન જોઈને મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ ગુસ્સે ભરાયા હતા અને તેમણે નાના પટોલેને વઢતાં કહ્યું હતું કે સ્પીકર સામે આ રીતે ધસી જવું ખોટું છે. આ બધી ધમાલ બાદ વિધાનસભાના સ્પીકર રાહુલ નાર્વેકરે નાના પટોલેને ગઈ કાલના એક દિવસ માટે સસ્પેન્ડ કરી દીધા હતા.
નાના પટોલે જ્યારે ઉશ્કેરાટમાં સ્પીકર તરફ ધસી ગયા અને જોરજોરથી બૂમ પાડીને રજૂઆત કરતા હતા ત્યારે દેવેન્દ્ર ફડણવીસે ભડકી જઈને કહ્યું કે ‘વિધાનસભાના અધ્યક્ષને દોષી ગણી તેમની સામે ધસી જવું ખોટું છે. નાના ભાઉ પોતે અધ્યક્ષ રહી ચૂક્યા છે એથી તેમણે આ બાબતે અધ્યક્ષની માફી માગવી જોઈએ.’
જેનો દેવેન્દ્ર ફડણવીસે વાંધો લીધો હતો.
દેવેન્દ્ર ફડણવીસે કહ્યા પછી પણ નાના પટોલે પોતાના મુદ્દે મક્કમ રહ્યા હતા. ખેડૂતોનું અપમાન કરનાર માણિકરાવ કોકાટે અને બબનરાવ લોણીકર સામે કાર્યવાહી ન થાય ત્યાં સુધી અને મુખ્ય પ્રધાન ખેડૂતોની માફી નહીં માગે ત્યાં સુધી અમે શાંત નહીં બેસીએ એવું વલણ તેમણે અપનાવ્યું હતું અને કહ્યું હતું કે જો અધ્યક્ષ મને દરરોજ સસ્પેન્ડ કરશે તો પણ હું ખેડૂતોનો મુદ્દો નહીં છોડું. ત્યાર બાદ અધ્યક્ષ રાહુલ નાર્વેકરે તેમને સસ્પેન્ડ કરી દીધા હતા. તેમને સસ્પેન્ડ કરવામાં આવતાં વિરોધ પક્ષે ગઈ કાલના કામકાજનો બહિષ્કાર કર્યો હતો.