નમસ્તે ટ્રમ્પને કારણે મુંબઈમાં કોરોનાનો ચેપ ફેલાયો : સંજય રાઉત

01 June, 2020 11:54 AM IST  |  Mumbai Desk | Agencies

નમસ્તે ટ્રમ્પને કારણે મુંબઈમાં કોરોનાનો ચેપ ફેલાયો : સંજય રાઉત

સંજય રાઉત

શિવસેનાના નેતા સંજય રાઉતે અમદાવાદમાં યોજાયેલા નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમને કારણે પહેલાં ગુજરાતમાં અને ત્યાર પછી મુંબઈમાં કોરોના વાઇરસનો રોગચાળો ફેલાયો હોવાનો દાવો કર્યો હતો. રાઉતે જણાવ્યું હતું કે ‘૨૪ ફેબ્રુઆરીએ ટ્રમ્પ અને મોદીના રોડ-શો બાદ બન્ને નેતાઓએ ગુજરાત ક્રિકેટ અસોસિએશનના મોટેરા સ્ટેડિયમમાં સભાને સંયુક્ત સંબોધન કર્યું હતું. ત્યાર પછી ૨૦ માર્ચે રાજકોટના પુરુષ અને સુરતની રહેવાસી મહિલાના કોરોના ટેસ્ટ-રિપોર્ટ્સ પૉઝિટિવ આવ્યા હતા. એ ગુજરાતના પ્રથમ કોરોના કેસ હતા.’
સંજય રાઉતે શિવસેનાના મુખપત્ર ‘સામના’ની સાપ્તાહિક કૉલમમાં જણાવ્યું હતું કે ‘ગયા ફેબ્રુઆરી મહિનામાં અમેરિકાના પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પને આવકારવા માટે અમદાવાદમાં યોજાયેલા ‘નમસ્તે ટ્રમ્પ’ કાર્યક્રમમાં માનવ મહેરામણ ઊમટ્યો હોવાથી ત્યાંથી કોરોના રોગચાળો ફેલાયો હોવાની શક્યતા નકારી ન શકાય, કારણ કે ડોનલ્ડ ટ્રમ્પની જોડેના કેટલાક ડેલિગેટ્સે મુંબઈ, દિલ્હી તથા અન્ય સ્થળોની મુલાકાત લીધી હતી.’
સંજય રાઉતે જણાવ્યું હતું કે ‘લૉકડાઉન કોઈ પણ પ્રકારની પૂર્વયોજના વગર આડેધડ લાગુ કરવામાં આવ્યું અને હવે લૉકડાઉનનાં નિયંત્રણો પાછાં ખેંચવાની કામગીરી રાજ્યોને સોંપવામાં આવી છે. બીજેપીએ રાજ્યની મહાવિકાસ આઘાડી સરકારને તોડી પાડવાનો કરેલો પ્રયાસ નિષ્ફળ ગયો છે. આઘાડી સરકારને કોઈ આંચ નહીં આવે. આ સરકાર સામે કોઈ જોખમ નથી, કારણ કે અમારી સરકારના ઘટક પક્ષો મજબૂરીથી નહીં મજબૂતાઈથી એકતા નિભાવી રહ્યા છે. મહાવિકાસ આઘાડીને ગબડાવી પાડવાનું પગલું આત્મઘાતી નીવડશે.’

sanjay raut mumbai mumbai news ahmedabad donald trump