25 January, 2026 08:13 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
નાયગાંવ-ઈસ્ટના ગાવદેવી મંદિર નજીક રહેતી પત્નીના ચારિત્ર્ય પર શંકા રાખીને પતિએ તેની ગળું દબાવીને નિર્મમ હત્યા કરી હોવાની હૃદયદ્રાવક ઘટના શુક્રવારે સામે આવી હતી. આ કેસની ચોંકાવનારી વિગત એ છે કે પત્ની કોમલની હત્યા કર્યા બાદ પતિ રાકેશ મૌર્યએ જ પોલીસ હેલ્પલાઇન પર ફોન કરીને ગુનાની કબૂલાત કરી હતી. આ મામલે નાયગાંવ પોલીસે રાકેશની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી હતી. કોમલે તેનું અને તેમની ૧૪ વર્ષની પુત્રીનું જીવન બરબાદ કરી દીધું હોવાનો દાવો કરીને તેની ૪ વર્ષની નાની દીકરીનું જીવન પણ બરબાદ કરશે એવા ડરથી તેણે આ પગલું ભર્યું હોવાની કબૂલાત રાકેશે પોલીસ સામે કરી હતી.
નાયગાંવ પોલીસ-સ્ટેશનના એક સિનિયર અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘શુક્રવારે વહેલી સવારે પોલીસ કન્ટ્રોલ પર એક કૉલ પ્રાપ્ત થયો હતો જેમાં કૉલ કરનાર રાકેશ મૌર્યએ શરૂઆતમાં પોલીસને જણાવ્યું કે તેની પત્નીને રંગેહાથ પકડી પાડી છે અને મદદની જરૂર છે. એની સામે અમારા પોલીસ બીટ-માર્શલે વળતો ફોન કર્યો ત્યારે તેણે કબૂલાત કરી હતી કે મેં મારી પત્નીને જીવથી મારી નાખી છે. અમારા અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા ત્યારે આરોપી રાકેશે પત્નીના મૃતદેહ તરફ ઇશારો કરીને હત્યા પાછળનું કારણ જણાવ્યું હતું કે તેની પત્ની કોમલ છેલ્લાં ૪ વર્ષથી તેની સાથે રહેતી નહોતી અને તેને શંકા હતી કે કોમલના અન્ય પુરુષો સાથે આડા સંબંધો છે. આરોપીએ એવો પણ આક્ષેપ કર્યો હતો કે કોમલે તેમની ૧૪ વર્ષની પુત્રીનું જીવન પહેલેથી જ બરબાદ કરી દીધું છે અને તે તેની ૪ વર્ષની નાની દીકરીનું જીવન પણ બરબાદ કરશે એવા ડરથી તેણે આ પગલું ભર્યું હતું. ઘટનાસ્થળે કોમલના નાકમાંથી રક્તસ્રાવ થતો જોવા મળ્યો હતો અને તેના ગળા પર ગળું દબાવવાનાં નિશાન હતાં. તેને તાત્કાલિક હૉસ્પિટલમાં લઈ જવામાં આવી હતી જ્યાં ડૉક્ટરે તેને મૃત જાહેર કરી હતી. આ કેસમાં વધુ તપાસ કરવામાં આવી રહી છે.’