હવે કોસ્ટલ રોડ પર વાહન ચલાવતી વખતે મળી શકે છે સુરીલું સરપ્રાઇઝ

11 February, 2026 09:23 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

નરીમાન પૉઇન્ટથી વરલી સુધીના રસ્તા પર મુકાઈ મ્યુઝિકલ સ્ટ્રિપ્સ

કોસ્ટલ રોડ

કોસ્ટલ રોડ પર વાહનચાલકોને હવે સંગીતમય સફરનો અનુભવ મળશે. આ રસ્તા પર સ્પેશ્યલ  ટેક્નૉલૉજી-બેઝ્ડ મ્યુઝિક લેન ઊભી કરવામાં આવી છે. જ્યારે કોઈ વાહન આ મ્યુઝિક રોડ (મેલડી લેન) પરથી પસાર થશે ત્યારે સ્લમડૉગ મિલ્યનેર ફિલ્મનું ‘જય હો’ ગીત સંભળાશે. આ વિશ્વનો પાંચમો અને ભારતમાં પહેલો પ્રયોગ છે. મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ આજે બપોરે ૧૨.૩૦ વાગ્યે મેલડી લેનનું લોકાર્પણ કરશે. કોસ્ટલ રોડ પર નરીમાન પૉઇન્ટથી વરલી સુધીની નૉર્ધર્ન લેન પર મ્યુઝિકલ સ્ટ્રિપ્સ લગાડવામાં આવી છે. વરલી તરફ જતી અન્ડરગ્રાઉન્ડ ટનલમાંથી બહાર નીકળ્યા પછી ડિવાઇડરને અડીને આવેલી પહેલી લેનથી ૫૦૦ મીટર આગળ મ્યુઝિકલ સ્ટ્રિપ્સ લગાડવામાં આવી છે. જો આ સ્ટ્રિપ્સ પર ૭૦થી ૮૦ કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડે વાહન ચલાવવામાં આવે છે તો ‘જય હો’નું મ્યુઝિક સંભળાશે. ચોક્કસ અંતરે અને ચોક્કસ આકારમાં રમ્બલ સ્ટ્રિપ્સ લગાડવામાં આવી છે. વ્હીલ્સના ઘર્ષણથી ઉત્પન્ન થતા ધ્વનિ-તરંગો પર `જય હો` ગીતનું મ્યુઝિક સેટ કરવામાં આવ્યું છે. વાહનની અંદર બેઠેલા લોકોને સ્પષ્ટપણે આ મ્યુઝિક સંભળાશે. આ માટેના સાઇન બોર્ડ ૫૦૦ મીટર, ૧૦૦ મીટર અને ૬૦ મીટરના અંતરે લગાવ્યાં છે.  આ મૉડર્ન એન્જિનિયરિંગ અને કલ્ચરના એક અનોખા સંગમનો અનુભવ લેવા જેવો ખરો.

mumbai news mumbai Mumbai Coastal Road mumbai travel maharashtra government nariman point worli devendra fadnavis