કઈ રીતે ૪ જણના જીવ ગયા મુંબ્રા પાસે?

10 June, 2025 08:31 AM IST  |  Mumbai | Rajendra B Aklekar

૧૩ જણ ટ્રેનમાંથી પટકાયા એની પાછળ એક કરતાં વધુ થિયરીઓ : ફાસ્ટ ટ્રૅક પર સામસામેથી પસાર થઈ રહેલી ટ્રેનોના મુસાફરોની બૅકપૅક એકમેક સાથે ઘસાતાં લોકો પડ્યા એવી એક શક્યતા

રેલવેના અધિકારીઓનું કહેવું છે કે આ ઘટના કઈ રીતે બની એની અમે તપાસ કરી રહ્યા છીએ. તસવીર : રાજેન્દ્ર બી. અકલેકર

સેન્ટ્રલ રેલવેમાં મુંબ્રા સ્ટેશન પર ગઈ કાલે સવારે ૮.૫૮ વાગ્યે એક ટ્રેન કસારા તરફ જઈ રહી હતી જ્યારે બીજી ટ્રેન છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (CSMT) જઈ રહી હતી. પીક અવર્સ હોવાથી ટ્રેનમાં લોકો ફુટબોર્ડ પર લટકીને પ્રવાસ કરી રહ્યા હતા. એવું કહેવાય છે કે પૅસેન્જરે ખભા પર લગાડેલી બૅકપૅક સામેની ટ્રેનમાં પ્રવાસ કરી રહેલા પૅસેન્જરની બૅકપૅક સાથે અથડાતાં આ અકસ્માત થયો હતો. એક પછી એક ૧૩ મુસાફર ટ્રૅક પર પટકાયા હતા. કસારા જઈ રહેલી ટ્રેનના ગાર્ડે આ બાબતે રેલવે કન્ટ્રોલ રૂમને જાણ કરી હતી. આ ઘટનામાં ૪ પૅસેન્જરનાં મોત થયાં હતાં અને ૯ પૅસેન્જર ઘાયલ થયા હતા.   

મુંબ્રા અને ​દીવા વચ્ચે બે ટ્રેન સામસામેની દિશામાંથી એકમેકની નજીક આવી.

તીવ્ર કર્વની નજીક આવ્યા પછી બન્ને ટ્રેનો થોડીક અંદરની તરફ ઢળે છે, એને લીધે બે ટ્રેન વચ્ચેનો ગૅપ ઘટી જાય છે.

ઑલરેડી દરવાજા પર લટકીને પ્રવાસ કરતા લોકો બૅલૅન્સ ગુમાવીને પડે છે.

ટ્રેનો ધસમસતી આગળ નીકળે છે અને ફંગોળાયેલા લોકો ટ્રૅકની આસપાસ પડે છે.

મુંબઈ રેલવે પ્રવાસી સંઘના ઉપાધ્યક્ષ સિદ્ધેશ દેસાઈએ આ બાબતે કહ્યું હતું કે ‘મુંબ્રાના આ વળાંક બદ્દલ અમે આ પહેલાં પણ રેલવે પ્રશાસનને જણાવી ચૂક્યા છીએ અને તેમની સાથે પત્રવ્યવહાર પણ કર્યો છે, કારણ કે આ વળાંક પર ટ્રેન એક બાજુ ટિલ્ટ થાય છે, ઝૂકી જાય છે. જનરલી એક લોકલ ટ્રેનમાં ૩૬૦૦ જેટલા પૅસેન્જર પ્રવાસ કરતા હોય છે. પીક-અવર્સમાં આ જ સંખ્યા ૬૦૦૦ જેટલી પહોંચી જાય છે. જ્યારે આવી ઓવરલોડેડ ટ્રેન વળાંક પરથી સ્પીડમાં પસાર થાય છે ત્યારે બધું વજન એક બાજુ આવી જતું હોવાથી ટ્રેન એ બાજુ ઝૂકી જતી હોય છે. અમે દિવાથી થાણે દરમ્યાન ટ્રેનોની સંખ્યા વધારવા વારંવાર રેલવેને કહ્યું છે. વડા પ્રધાને પણ અમારી આ માગણીને માન્ય રાખી હતી. જોકે રેલવે-પ્રશાસને એના પર કોઈ જ કામ કર્યું નથી. આ જે જોખમી વળાંક છે એના પર એન્જિનિયર્સ પણ કંઈ કરી શકે એમ નથી. જો ટ્રેનો વધારવામાં આવે તો પૅસેન્જરો વહેંચાઈ જાય એ જ એકમાત્ર ઉપાય છે.’

મુંબ્રા સ્ટેશન પાસેનો પહેલો તીવ્ર વળાંક જ્યાં લોકો પડ્યા.

નવી રેલવે-લાઇન પર મુંબ્રા સ્ટેશનના પ્લૅટફોર્મ પરનો બીજો તીવ્ર વળાંક.

મુંબ્રા પ્રવાસી સંઘના વાઇસ પ્રેસિડેન્ટ નઝીમ અન્સારીએ આ બાબતે કહ્યું છે કે ‘અહીં એક નહીં બે તીવ્ર વળાંક છે. એક મુંબ્રા સ્ટેશનની ઉત્તર તરફ સ્ટેશન શરૂ થાય એની સહેજ પહેલાં અને બીજો સ્ટેશન પર છે.  જે ચોક્કસ જગ્યાએ આજની અકસ્માતની ઘટના બની ત્યાં બે તીવ્ર વળાંક છે અને અનેક રોજિંદા પ્રવાસીઓએ ત્યાં ઝટકો લાગતો હોવાનું અનુભવ્યું છે. લેટેસ્ટ ઍક્સિડન્ટ પણ એ જ કારણે થયો હોવો જોઈએ.’

અન્ય એક પ્રવાસીએ કહ્યું હતું કે ‘જો તમે દિવાથી મુંબ્રા પ્રવાસ કરી રહ્યા હો તો જમણી તરફના ગેટ પર હો તો એ વળાંક પર એવો ઝટકો લાગે છે કે જો ધ્યાન ન રાખ્યું તો બહાર ફેંકાઈ જવાની શક્યતા રહે છે. આવું જ પાછા ફરતી વખતે મુંબ્રાથી દિવા જતી વખતે લેફ્ટ સાઇડના ગેટ પર બને છે અને એથી જ અહીં સૌથી વધુ અકસ્માત થાય છે અને લોકો જીવ ગુમાવે છે. આ પૅચને એટલે જ ડેથ-ટ્રૅપ પણ કહેવામાં આવે છે.’

મુંબ્રા સ્ટેશન પાસેના બે વળાંક બહુ જોખમી છે અને એનો ઉકેલ એન્જિનિયરો પાસે પણ નથી. પીક અવર્સમાં ટ્રેનમાં નિર્ધારિત ૧૫૦૦ પૅસેન્જરની ક્ષમતા સામે ૫૦૦૦થી ૬૦૦૦ લોકો પ્રવાસ કરે છે. એ વખતે ટર્નિંગ પર ટ્રેન લોડને કારણે એક બાજુ ઝૂકી જાય છે જે ફાસ્ટ ટ્રેનના પૅસેન્જરો માટે જોખમી છે : રેલવે પ્રવાસી સંગઠનના ઉપાધ્યક્ષ સિદ્ધેશ દેસાઈ

તીવ્ર વળાંક ટાળવા ફાસ્ટ ટ્રૅક પરની લોકલ ટ્રેન સ્લો ટ્રૅક પર દોડાવાય છે

મુંબ્રા પ્રવાસી સંઘના પ્રેસિડેન્ટ રફિક શેખે મહત્ત્વની માહિતી આપતાં કહ્યું હતું કે ‘પાર્સિક ટનલમાં તીવ્ર વળાંક હોવાથી ટ્રેનની સ્પીડ બહુ ઘટાડવી પડે છે જેને કારણે ટ્રેનો મોડી પડે છે એથી પીક-અવર્સમાં સ્ટેશન પર પ્રવાસીઓનો ભરાવો થાય છે. પછી ગિરદી વધવાને કારણે લોકો પટકાય છે અને જીવ ગુમાવે છે એટલું જ નહીં, કલ્યાણથી થાણે જતી ફાસ્ટ ટ્રેનને વળાંક લેવામાં પડતી મુશ્કેલીને કારણે અને પ્લૅટફૉર્મ નંબર ૩ અને ૪ પર પૂરતું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ન હોવાથી એ સ્લો ટ્રૅક પર ડાઇવર્ટ કરવામાં આવે છે. આ જગ્યા એવી છે કે ત્યાં પાટા સીધા રાખી શકાય એમ નથી કે એનું રીઅલાઇનમેન્ટ પણ કરી શકાય એમ નથી.’

આ બાબતે રેલવે સામે કોર્ટમાં અરજી કરનાર મારુતિ પાટીલે કહ્યું હતું કે ‘રેલવેએ આ સંદર્ભે જે જવાબ આપ્યો હતો એમાં કહ્યું હતું કે એ જગ્યા કર્વવાળી હોવાથી રિસ્ક ઘટાડવા બહારની તરફના પાટા સહેજ ઊંચા અને અંદરની તરફના સહેજ નીચા રાખવામાં આવે છે એથી જ્યારે ટર્નિંગ પરથી ટ્રેન પસાર થાય છે ત્યારે એ ટિલ્ટ થાય છે.’

પરસેવો થતો હોવાથી હવા મળે માટે દરવાજા પર આવ્યો અને મોતને ભેટ્યો

આ અકસ્માતમાં જીવ ગુમાવનારા ઉલ્હાસનગર કૅમ્પ-૧ના તાનાજીનગરમાં રહેતા ૨૩ વર્ષના કેતન સરોજ વિશે માહિતી આપતાં તેની સાથે જ પ્રવાસ કરી રહેલા તેના મિત્ર દીપક શિરસાટે કહ્યું હતું કે ‘શહાડમાં એટલી ગિરદી નથી હોતી. કલ્યાણ પછી પણ લોકલમાં થોડી જ ગિરદી થઈ, પણ આજે દિવા સ્ટેશન પર લોકલ ઊભી રહ્યા પછી બહુ જ ગિરદી થઈ. ગિરદીને કારણે પરસેવો થવા માંડતાં કેતન થોડી હવા મળે એ માટે ગેટ પર ગયો હતો. સામેની ટ્રેનમાંથી કોઈની બૅગ લાગી અને કેતન નીચે પટકાયો. બીજા પણ કેટલાક લોકોને લાગ્યું હતું. અમે ટ્રેન રોકવા તરત જ ચેઇન-પૂલિંગ કર્યું, પણ ટ્રેન રોકાઈ નહીં. ટ્રેન થાણેમાં જ રોકાઈ.’

કેતન અને તેના પરિવાર વિશે માહિતી આપતાં દીપકે કહ્યું કે ‘કેતન તેનાં માતા-પિતા અને બે નાના ભાઈઓ સાથે રહેતો હતો. તેના પિતા ઇલે​ક્ટ્રિકલ અપ્લાય​ન્સિસના રિપેરિંગનું નાનું-મોટું છૂટક કામ કરતા હતા. આમ સામાન્ય પરિસ્થિતમાં ગ્રૅજ્યુએશન પૂરું કરીને થોડા મહિના પહેલાં જ કેતન જૉબ પર લાગ્યો હતો. કુટુંબના ભરણપોષણની જવાબદારી તેણે ઉપાડી લીધી હતી.’

આગળના ડબ્બામાંથી માણસ ઊડતો આવ્યો અને તેને ભટકાઈને અમારા ડબ્બામાંથી ત્રણ જણ પટકાયા

CSMT જતી ટ્રેનમાં પ્રવાસ કરી રહેલા પૅસેન્જરે કહ્યું હતું કે ‘અમે ભિવંડીમાં રહીએ છીએ અને રોજ નેરુળ જઈએ છીએ. અમે ઍરપોર્ટને લગતું કામ કરીએ છીએ. અમે ચારે જણ સાથે જ એક જ કમ્પાર્ટમેન્ટમાં હતા. એ વખતે આગળના ડબ્બામાંથી એક માણસ ઊડીને આવ્યો અને અમારા ગેટ પરના ત્રણ જણ તેની સાથે ભટકાઈને નીચે પડ્યા. અમારા ડબ્બાના બીજા કેટલાક લોકોને પણ ઈજા થઈ હતી. જે લોકો પડ્યા એમાં અમારો મિત્ર રેહાન પણ હતો. એથી અમે થાણે ઊતરીને આ ઘટનાની જાણ કરી હતી અને પછી હૉસ્પિટલ આવ્યા હતા.’

mumbra mumbai railways indian railways central railway train accident mumbai mumbai news mumbai local train news