19 June, 2025 09:49 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
બૅન્કના અધિકારી, જજ કે પોલીસ બનીને લોકોના અકાઉન્ટમાંથી પૈસા ખાલી કરાવવાના સાઇબર અપરાધના ગુનાઓ વધ્યા છે. આવા જ એક બનાવમાં મુંબઈની એક મહિલાને પાકિસ્તાની જાસૂસ હોવાનું કહીને તેની પાસેથી અપરાધના દંડસ્વરૂપે બાવીસ લાખ રૂપિયા પડાવી લેવાયા હતા. જાસૂસ ગણાવીને કોઈની પાસેથી પૈસા પડાવ્યા હોય એવો આ પહેલો બનાવ હોવાનું પોલીસે જણાવ્યું હતું.
પોલીસે આપેલી માહિતી મુજબ સાઉથ મુંબઈના ગિરગામમાં રહેતાં ૬૪ વર્ષનાં એક મહિલાને થોડા દિવસ અગાઉ અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો. ફોન કરનારે દિલ્હીના ઍન્ટિ-ટેરરિસ્ટ સ્ક્વૉડ (ATS)ના ઑફિસર પ્રેમ કુમાર ગુપ્તા બનીને વાત કરી હતી જેમનું પોસ્ટિંગ જમ્મુ-કાશ્મીરની બૉર્ડરના પોલીસ-સ્ટેશનમાં થયું હોવાનું તેમણે કહ્યું હતું. મહિલાને એમ કહીને ડરાવવામાં આવી હતી કે પાકિસ્તાની જાસૂસ બનીને મહત્ત્વની માહિતી પાકિસ્તાનમાં પહોંચાડતી હોવાનો કેસ તેના પર ચાલે છે. સજારૂપે ૧૦ વર્ષની જેલ થશે અને ૫૦ લાખ રૂપિયા દંડ ભરવો પડશે એવું પણ તેને કહેવામાં આવ્યું હતું. મહિલાએ આ વાત સાચી માનીને જેલમાં જવાની બીકે આરોપીએ આપેલાં જુદાં-જુદાં
બૅન્ક-અકાઉન્ટ્સમાં કુલ ૨૨.૪ લાખ રૂપિયા જમા કરાવી દીધા હતા.
પાંચથી ૧૦ જૂન વચ્ચે આ ટ્રાન્ઝૅક્શન થયાં હતાં. ત્યાર બાદ આરોપીના કૉલ આવતા બંધ થયા હતા આથી મહિલાને ખ્યાલ આવ્યો કે તેની સાથે છેતરપિંડી થઈ છે જેની ફરિયાદ સાઉથ વિભાગના સાઇબર પોલીસ-સ્ટેશનમાં નોંધાવી હતી.