15 April, 2026 08:35 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક તસવીર
Mumbai Water Supply: પડઘા સબસ્ટેશન ખાતે વીજ પુરવઠો ખોરવાઈ જવાને કારણે પિસે અને પાંજરાપુર વૉટર પ્લાન્ટની કામગીરીમાં વિક્ષેપ થયો છે. મુંબઈમાં અમુક ઠેકાણે ૨૦-૨૫ ટકા જેટલો પાણી-પુરવઠામાં ઘટાડો થયો હતો. ખાસ કરીને ગિરગાવના રહેવાસીઓને રોજના નિયત સમય પ્રણામે પાણી મળ્યું ન હતું જેથી આજે સવારે તેઓને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
મળતી માહિતી અનુસાર ગઇકાલે મંગળવારે સાંજના સમયે પડઘા ઇલેક્ટ્રિસિટી સબસ્ટેશન પર થોડા સમય માટે વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો. જેને કારણે પિસે અને પાંજરાપુર વૉટર પ્યોરિફિકેશન પ્લાન્ટની કામગીરીમાં આંશિક (Mumbai Water Supply) વિક્ષેપ પડ્યો હતો. ટૂંકમાં આ વિક્ષેપને કારણે મુંબઈના અમુક વિસ્તારોમાં પાણી પુરવઠો હંગામી ધોરણે સ્થગિત કરવામાં આવ્યો હતો.
રાત્રે નવ વાગ્યા સુધી પાણીના પુરવઠામાં 20થી 25 ટકાનો કાપ હતો. આ બાબતે અધિકારીઓએ માહિતી આપી હતી કે ગઇકાલે સાંજે 5:45થી 6:15 વાગ્યાની આસપાસ વીજ પુરવઠો કટ કરી નાખવામાં આવ્યો હતો. જેનાથી પિસે અને પાંજરાપુર આ બંને વૉટર પ્યોરિફિકેશન પ્લાન્ટની કામગીરીને અસર થઈ હતી. પરિણામે મુંબઈ ફેઝ 1 અને ફેઝ 2 હેઠળ જે-જે વિસ્તાર આવે છે ત્યાં ત્યાં પાણી પુરવઠો ન પહોંચતા રહેવાસીઓને મુશ્કેલીઓ પડી હતી.
બૃહન્મુંબઈ મહાનગરપાલિકાના અધિકારીઓએ આ બાબતે (Mumbai Water Supply) માહિતી આપતાં જણાવ્યું હતું કે માસ્ટર બેલેન્સિંગ રિઝર્વોઇર (MBR)નું લેવલ નોર્મલ થઈ જાય ત્યાં સુધી રાહ જોવામાં આવી હતી. એટલે કે ગઇકાલે લગભગ રાત્રે 9 વાગ્યા સુધી પાણીના પુરવઠામાં 20થી 25 ટકાનો ઘટાડો લાગુ કરવામાં આવ્યો હતો. આ સમય બાદ પાણીનો પુરવઠો ફરી પાછો નોર્મલ થઈ જાય એવી ધારણા હતી.
પરંતુ આ સમગ્ર વિક્ષેપની અસર તો આજે બુધવારે સવાર સુધી જોવા મળી છે એવું કેટલાક રહેવાસીઓનું કહેવું છે. આજે વહેલી સવારથી જ ગિરગાવના રહેવાસીઓને પાણી ન મળતાં હોહા મચી ગઈ છે. અહીંના રહેવાસીઓને રોજના નિયત સમયે આજે પાણીનો પુરવઠો પહોંચ્યો ન હોવાના અહેવાલો છે. આ વિસ્તારમાં સામાન્ય રીતે સવારે 4:30થી 4:45ની વચ્ચે નળોમાં પાણી આવી જતું હોય છે પરંતુ આજે નળ સૂકા જ રહ્યા છે જેથી રહેવાસીઓ મુશ્કેલીમાં મુકાયા છે.
રહેવાસીઓએ પાણી પુરવઠાના વિલંબ (Mumbai Water Supply) અંગે પણ ચિંતા વ્યક્ત કરી હતી, ખાસ કરીને સવારના સમયે જે લોકો કામ-ધંધે જતાં પહેલાં ઘરકામ આટોપવા માટે પાણીપુરવઠા પર નિર્ભર રહેતા હોય છે તે બધાના કામ અટકી પડ્યા હતા.
જોકે, જળાશયમાં લેવલ એકવાર નૉર્મલાઇઝ થઈ જાય પછી જ પાણીનો સામાન્ય પુરવઠો પુનઃસ્થાપિત થાય તેવી શક્યતા છે, જોકે કેટલાક વિસ્તારોમાં વચગાળાના સમયમાં આ વિક્ષેપ હજી રહી શકે છે.