22 August, 2023 09:35 AM IST | Mumbai | Prajakta Kasale
ફાઇલ તસવીર
આ મહિનામાં વરસાદ ન હોવા છતાંય છેલ્લાં ત્રણ અઠવાડિયાં દરમ્યાન મુંબઈને પાણી પૂરું પાડતાં તળાવનો સ્ટોક ૧૦ ટકા જેટલો વધ્યો છે. બીએમસીના અધિકારી એનું કારણ કૅચમેન્ટ વિસ્તારમાં પડેલા વરસાદ તથા પડેલા તૂટક વરસાદને આપે છે.
૩૧ જુલાઈએ તળાવોમાં ૭૪ ટકા પાણીનો સ્ટૉક હતો અને ૨૦ ઑગસ્ટે સ્ટૉક વધીને ૮૩.૫૦ ટકા થયો છે. બીએમસીના હાઇડ્રોલિક એન્જિનિયરિંગ વિભાગના ચીફ પુરુષોત્તમ માલવદેએ જણાવ્યું હતું કે ‘આ પરકોલેશન ઇફેક્ટ તેમ જ અટકી-અટકીને પડેલા ૧૦થી ૧૫ મીમીના ઓછા વરસાદને કારણે છે.’ પરકોલેશન એટલે ખડકો અને માટીના કણો વચ્ચેના નાના અંતરમાંથી જે પાણી વહીને નીચે આવે એ જળાશયોને ફરીથી ભરવામાં મદદ કરે છે.
બીએમસીએ પહેલી જુલાઈથી ૧૦ ટકા પાણી કાપ મૂક્યો હતો, જ્યારે તળાવનો સ્ટોક સાત ટકાથી નીચે હતો. જુલાઈમાં ભારે વરસાદને કારણે ૩૧ જુલાઈએ પાણીનો સ્ટૉક વધીને ૭૪ ટકા થયો હતો, પરંતુ બીએમસીએ ઑગસ્ટમાં નબળા વરસાદની આગાહીને ટાંકીને પાણીકાપ પાછો ખેંચ્યો નહોતો ખેંચ્યો, જે આખરે અત્યાર સુધી સાચો સાબિત થયો હતો. ઑગસ્ટમાં શહેર અને બહારના વિસ્તારોમાં જ્યાં તળાવો આવેલાં છે ત્યાં ઓછો વરસાદ થયો હતો. દરમિયાન નાગરિકોની પુનરાવર્તિત માગણીઓ બાદ બીએમસીએ આઠમી ઑગસ્ટે પાણીકાપ પાછો ખેંચી લીધો હતો.
તમામ તળાવોમાં ૧૪.૪૭ લાખ મિલ્યન લિટર પાણીનો સંગ્રહ કરવાની સંયુક્ત ક્ષમતા છે. હવે કમ્બાઇન્ડ કૅપેસિટી ૧૨.૦૮ લાખ મિલ્યન લિટર છે. ગયા વર્ષે સ્ટોક ૧૩.૮૮ લાખ એમએલ હતો, જે ૯૬ ટકા છે. જો ચોમાસાના અંતે ૩૦ સપ્ટેમ્બરે તમામ તળાવો ભરાઈ જશે તો આગામી જૂન સુધી શહેરમાં અવિરત પાણી પુરવઠો રહેશે.
ઑગસ્ટ કોરો જ જવાની શક્યતા
આમ તો ગયા શનિવારથી મુંબઈ અને આસપાસના વિસ્તારોમાં વરસાદની આગાહી વેધશાળાએ કરી હતી, પણ હવે નવા વરતારા મુજબ આ મહિનાના અંત સુધીમાં મેઘરાજા વરસી પડે એવા પરિબળો નિર્માણ થવાની શક્યતા બહું જ ઓછી છે. જોકે સપ્ટેમ્બરના પહેલાં અઠવાડિયામાં કોંકણમાં વરસાદ પડવાની શક્યતા વેધશાળાએ વ્યક્ત કરી છે. જો એવું થયું તો આ મહિનામાં ઓછો વરસાદ પડવાનો નવો વિક્રમ થઈ શકે છે. આ પહેલાં ગયા મહિને જુલાઈ મહિનાનો અત્યાર સુધીનો સૌથી વધારે વરસાદ પડવાનો વિક્રમ નોંધાયો હતો.