આજથી સ્વિમિંગ-પૂલ અને કન્સ્ટ્રક્શન માટે પાણી નહીં અપાય

17 June, 2026 07:16 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ઘરે આવતા પાણીના ૧૦ ટકાના કાપમાં વધારો ન કરીને મુંબઈગરાને રાહત આપી BMCએ, પણ...

પ્રતીકાત્મક તસવીર

એક તો જળાશયોમાં બચેલો માત્ર ૧૦.૨૭ ટકા પાણીપુરવઠો અને એમાં પણ ચોમાસાના આગમનમાં વિલંબના કારણે હવે BMCએ નવા કન્સ્ટ્રક્શન માટે તથા સ્વિમિંગ-પૂલ માટે પૂરો પડાતો પાણીપુરવઠો બંધ કરવાનો નિર્ણય મંગળવારે લીધો હતો જે આજથી અમલમાં મુકાશે. આ ઉપરાંત કમર્શિયલ અને ઇન્ડસ્ટ્રિયલ યુનિટ્સને અપાતા પાણીપુરવઠામાં પણ ૨૦ ટકાનો કાપ મૂકવામાં આવ્યો છે. પહેલાંથી જ મુંબઈગરાને પૂરા પડાતા પાણીપુરવઠામાં ૧૦ ટકાની કપાત મુકાઈ હતી જે હજી પણ ચાલુ જ રહેશે. આ ઉપરાંત સ્પોર્ટ્સ ક્લબને પણ ૨૦ ટકા ઓછો પાણીપુરવઠો અપાશે એમ BMCએ જણાવ્યું હતું. 

પાણીનો બગાડ કરનારા પર કરાશે કાર્યવાહી
મુંબઈને પાણીપુરવઠો પૂરો પાડતાં જળાશયોમાં પાણીના ઓછા સ્તરને જોતાં પાણીપુરવઠામાં કાપ મૂકવા ઉપરાંત અન્ય તૈયારી પણ કરવામાં આવી છે જેમાં પાણીનો દુરુપયોગ કે બગાડ કરનારા પર કાર્યવાહી કરવાનો નિર્ણય પણ લેવાયો છે. પાણીનો બગાડ કરનારા પર પણ કડક કાર્યવાહી કરવાનો આદેશ મહારાષ્ટ્ર સરકારના વૉટર રિસૉર્સ ડિપાર્ટમેન્ટે આપ્યો છે જેની અમલબજાવણી BMC કરશે. 

પાણીનો બગાડ ન થાય એ માટે અપાયેલી અન્ય સૂચનાઓ
પબ્લિક બાથરૂમ અને ટૉઇલેટ્સ સંભાળતી સંસ્થાઓએ ટૅન્કર અને બોરવેલનાં પાણીનો ઉપયોગ વધુમાં વધુ કરવો. 
પીવા સિવાય કોઈ પણ અન્ય કામ માટે કૂવા, ગ્રાઉન્ડ પમ્પ તથા પાણીના અન્ય સ્રોતનો ઉપયોગ કરવો. 
વેસ્ટર્ન રેલવે, સેન્ટ્રલ રેલવે, ઇન્ડિયન નેવી, મહારાષ્ટ્ર ઇન્ડસ્ટ્રિયલ ડેવલપમેન્ટ કૉર્પોરેશન (MIDC) સહિતની સંસ્થાઓને તેમનાં રોજબરોજનાં કામો માટે કોલાબાના સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટના પાણીનો ઉપયોગ કરવો. 
પીવાના પાણીની બચત માટે મુંબઈગરાઓએ BMCને સહકાર કરવો.

૩૧ ઑગસ્ટ, ૨૦૨૭ સુધી પાણી મળી રહે એની વ્યવસ્થા કરો ઃ મહારાષ્ટ્ર સરકાર
મહારાષ્ટ્ર સરકારની કૅબિનેટ મીટિંગમાં પણ મૉન્સૂનના મોડા આગમનની ગંભીર નોંધ લેવાઈ હતી. આ વર્ષે ચોમાસું નબળું હોવાને કારણે આખું વર્ષ પાણીની ખેંચ પડે એવી સંભાવનાને કારણે પીવાના પાણીની વ્યવસ્થા કરવાના ઉપાયોની ચર્ચા કરવામાં આવી હતી. મુખ્ય પ્રધાને આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખતાં લોકોને ૨૦૨૭ની ૩૧ ઑગસ્ટ સુધી પીવાનું પાણી મળી રહે એની ખાતરી કરવા માટે સંબંધિત સંસ્થાઓ અને ડિપાર્ટમેન્ટ્સને સૂચના આપી દીધી છે. ઉપરાંત આગામી ૪ અઠવાડિયાં સુધી લોકોને પીવાના પાણીની સમસ્યા ન ઊભી થાય એ રીતની યોજના તૈયાર કરીને પાણીની વ્યવસ્થા કરવાની સૂચના પણ મહારાષ્ટ્ર સરકારે આપી છે. 

mumbai news mumbai brihanmumbai municipal corporation Water Cut mumbai water levels mumbai monsoon