01 July, 2026 10:16 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
મંગળવારે મોડી રાત્રે મુંબઈ (Mumbai)માં પડી રહેલા વરસાદ (Mumbai Rains)ને લીધે વાલ્કેશ્વર (Walkeshwar)માં એક બિલ્ડિંગની બાલકની ધરાશાયી થયા એક વ્યક્તિનું મોત થયું છે.
બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (Brihanmumbai Municipal Corporation)ના જણાવ્યા અનુસાર, મંગળવારે મોડી રાત્રે વાલ્કેશ્વરમાં બાબુલનાથ રોડ (Babulnath Road) પર આવેલી એક રહેણાંક ઇમારતની ત્રીજા માળની ગેલેરીનો એક ભાગ તૂટી પડતાં એક વ્યક્તિનું મોત નીપજ્યું છે.
આ ઘટના અંગે ૩૦ જૂન, ૨૦૨૬ ના રોજ રાત્રે ૧૧:૨૨ વાગ્યે બીએમસી (BMC)ના મુંબઈ ફાયર બ્રિગેડ (Mumbai Fire Brigade)ને જાણ કરવામાં આવી હતી. આ દુર્ઘટના વાલ્કેશ્વર વિસ્તારના બાબુલનાથ રોડ પર આવેલી ગ્રાઉન્ડ પ્લસ ત્રણ માળની મ્હાડા (MHADA) સેસ્ડ ઇમારત `સૂર્ય પ્રકાશ બિલ્ડિંગ` (Surya Prakash Building)માં બની હતી.
બીએમસીના જણાવ્યા મુજબ, ત્રીજા માળની ગેલેરીનો એક ભાગ તૂટી પડતાં (Mumbai Walkeshwar Balcony Collapse) તાત્કાલિક કટોકટીના પગલાં લેવામાં આવ્યા હતા. મુંબઈ ફાયર બ્રિગેડ, મુંબઈ પોલીસ (Mumbai Police), બેસ્ટ (BEST), ૧૦૮ એમ્બ્યુલન્સ સેવા અને બીએમસી વોર્ડના સ્ટાફની ટીમો ઘટનાસ્થળે તૈનાત કરવામાં આવી હતી.
બીએમસીએ શરૂઆતમાં જણાવ્યું હતું કે, ફરિયાદ કરનાર પાસેથી મળેલી માહિતી મુજબ, એક વ્યક્તિને ઈજાઓ થઈ હતી અને તેને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યારે વધુ વિગતોની પ્રતીક્ષા હતી.
ત્યારબાદ, જે.જે. હોસ્પિટલ (JJ Hospital)ના સંબંધિત ચીફ મેડિકલ ઓફિસર (CMO) પાસેથી મળેલી માહિતીના આધારે બીએમસીએ પુષ્ટિ કરી હતી કે ઘાયલ વ્યક્તિ, જેની ઓળખ સંતોષ રામચંદ્ર ભરાસ્કર (૫૧ વર્ષ) તરીકે થઈ છે, તેને હોસ્પિટલ લાવતાં જ મૃત જાહેર કરવામાં આવ્યો હતો.
નાગરિક સંસ્થાએ જણાવ્યું હતું કે, કટોકટીના કર્મચારીઓએ ઘટના અંગે તાત્કાલિક પ્રતિક્રિયા આપી હતી. ગેલેરી ધરાશાયી થવાનું કારણ હજુ સુધી જાહેર કરવામાં આવ્યું નથી, અને વધુ વિગતોની પ્રતીક્ષા છે.
અન્ય એક ઘટનામાં, મંગળવારે મુંબઈમાં શાળાએથી ઘરે પરત ફરવાની નિયમિત સફર એક ૧૧ વર્ષના છોકરા માટે જીવલેણ સાબિત થઈ હતી, જ્યારે ચેમ્બુર (Chembur) વિસ્તારમાં રસ્તાના કિનારે આવેલું એક જૂનું પીપળાનું ઝાડ સ્કૂલ બસ પર પડ્યું હતું. આ અકસ્માતમાં ચાર વર્ષની બાળકી સહિત અન્ય ચાર વિદ્યાર્થીઓ ઘાયલ થયા હોવાનું અધિકારીઓએ જણાવ્યું હતું.
અધિકારીઓએ જણાવ્યું કે આ ઘટના રોડ નંબર ૧૧ પર એક બિલ્ડિંગ નજીક બપોરે ૨:૫૮ વાગ્યે બની હતી જ્યારે બસ યુનિવર્સલ હાઈસ્કૂલ (Universal High School)ના ૧૩ વિદ્યાર્થીઓને તેમના ઘરે લઈ જઈ રહી હતી.
ફાયર બ્રિગેડ અને અન્ય એજન્સીઓ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને સ્કૂલ બસમાં ફસાયેલા બે વિદ્યાર્થીઓ સહિત તમામ વિદ્યાર્થીઓને બહાર કાઢ્યા હતા. બસના ડ્રાઈવર, કંડક્ટર અને સ્થાનિક રહીશો પણ તેમની સાથે જોડાયા હતા.
૪ થી ૧૨ વર્ષની વયજૂથના તમામ પાંચ ઘાયલ વિદ્યાર્થીઓને નજીકની ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.
હોસ્પિટલના મેડિકલ ઓફિસરના જણાવ્યા અનુસાર, ગંભીર રીતે ઘાયલ થયેલા ૧૧ વર્ષના વિહાન શ્રીવાસ્તવે સારવાર દરમિયાન દમ તોડ્યો હતો, જ્યારે અન્ય ચાર ઘાયલ વિદ્યાર્થીઓની હાલત સ્થિર છે.
મુંબઈના મેયર રીતુ તાવડે (Mumbai Mayor Ritu Tawde)એ આ ઘટનાની વિગતવાર તપાસના આદેશ આપ્યા છે.