વિક્રોલી પાર્કસાઇટમાં એક ઘર પર ભેખડ ધસી પડી, બાપ-દીકરીએ જીવ ગુમાવ્યા

18 August, 2025 06:57 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ભારે વરસાદને કારણે વિક્રોલી પાર્કસાઇટના વર્ષાનગર વિસ્તારમાં એક ઘર પર ભેખડ તૂટી પડતાં ૫૦ વર્ષના સુરેશ મિશ્રા અને તેમની ૧૯ વર્ષની દીકરી શાલુએ જીવ ગુમાવ્યા હતા.

અહીં હતું એ ઘર જેના પર ભેખડ ધસી પડી. તસવીર: શાદાબ ખાન

મુંબઈમાં શુક્રવારે મધરાત બાદ જોરદાર વરસાદ તૂટી પડ્યો હતો. ભારે વરસાદને કારણે વિક્રોલી પાર્કસાઇટના વર્ષાનગર વિસ્તારમાં એક ઘર પર ભેખડ તૂટી પડતાં ૫૦ વર્ષના સુરેશ મિશ્રા અને તેમની ૧૯ વર્ષની દીકરી શાલુએ જીવ ગુમાવ્યા હતા. તેમની ૪૫ વર્ષની પત્ની આરતી અને ૨૦ વર્ષના દીકરા ઋતુરાજને ઈજા થતાં તેમને હૉસ્પિટલમાં લઈ જવાયાં હતાં.

ભેખડ ધસી પડવાની જ્યાં ઘટના બની છે એ સ્પૉટની નીચે જ રહેતાં છાયા મકવાણા નામની મહિલાએ કહ્યું હતું કે ‘આ વર્ષે અમને ઑથોરિટી કે સુધરાઈ તરફથી ભેખડ ધસી પડી શકે એવી કોઈ આગોતરી જાણ કરતી નોટિસ મળી નહોતી. અમે અમારા ઘરમાં સૂતાં હતાં અને મધરાત બાદ ૨.૩૦ વાગ્યે ભેખડ એક ઘર પર તૂટી પડી હતી જેમાં એક પરિવાર દટાઈ ગયો હતો અને એમાં સુરેશ મિશ્રા અને તેમની દીકરીનાં મોત થયાં હતાં. તેમની ઘવાયેલી પત્ની અને દીકરાને હૉસ્પિટલ લઈ જવાયાં છે. ઘટનાની જાણ થતાં જ ફાયર-બ્રિગેડ અને અન્ય એજન્સીઓ મદદ માટે દોડી આવી હતી. ભારે વરસાદને કારણે માટી અને પથ્થર ધસી આવતાં આ દુર્ઘટના સર્જાઈ હતી.’

vikhroli mumbai mumbai monsoon monsoon news Weather Update mumbai weather news mumbai news landslide mumbai floods mumbai rains