Mumbai: બ્રિટનના વડા પ્રધાન કીર સ્ટાર્મર મુંબઈ પહોંચી ગયા- નરેન્દ્ર મોદી સાથે કરશે બેઠક

08 October, 2025 10:19 AM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Mumbai: વેપારી પ્રતિનિધિમંડળ સાથે લંડનથી મુંબઈમાં પહોંચેલા કીર સ્ટાર્મરનું આજે સવારે સ્વાગત કરાયું હતું

ફાઇલ તસવીર

બ્રિટનના વડા પ્રધાન કીર સ્ટાર્મર આજે ભારતની આર્થિક રાજધાની મુંબઈ (Mumbai) પહોંચ્યા છે. તેઓ દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે મહત્વની બેઠક કરવાના છે. પ્રાપ્ત અહેવાલો અનુસાર વેપારી પ્રતિનિધિમંડળ સાથે લંડનથી મુંબઈમાં પહોંચેલા કીર સ્ટાર્મરનું આજે સવારે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ, નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદે અને અજિત પવાર તેમ જ મહારાષ્ટ્ર રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત દ્વારા છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ (Mumbai) પર જઈને સ્વાગત કરાયું હતું. 

ભારત-બ્રિટનની વ્યાપક સ્ટ્રૅટેજિક ભાગીદારીને ઓર વધારે મજબૂત કરવાની પ્રક્રિયાના ભાગરૂપે દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને કીર સ્ટાર્મર ગુરુવારે મુંબઈમાં મહત્વની બેઠક કરવાના છે. તેઓ મુંબઈમાં યોજાનારા સીઇઓ ફોરમ અને ગ્લોબલ ફિનટેક ફેસ્ટના છઠ્ઠા એડિશનમાં પણ ભાગ લેવાના છે.

કયા કયા મુદ્દાઓ પર ચર્ચા થવાની છે?

મીડિયા રિપોર્ટ પ્રમાણે બ્રિટનના વડા પ્રધાન કીર સ્ટાર્મર અને દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચે યોજાનારી બેઠકમાં વેપાર અને રોકાણ, ટેકનોલોજી અને ઇનોવેશન, સંરક્ષણ અને સુરક્ષા, આબોહવા અને ઊર્જા, આરોગ્ય, શિક્ષણ તેમ જ લોકો વચ્ચેના સંબંધો અંગે પણ વાત થશે. આ જ રોડમેપને અનુરૂપ ભારત-યુકે વ્યાપક સ્ટ્રૅટેજિક ભાગીદારીના વિવિધ પાસાંઓ અંગે પણ સમીક્ષા કરાશે. બંને વડા પ્રધાન આવનારા સમયમાં ભારત-યુકે આર્થિક ભાગીદારીના કેન્દ્રીય સ્તંભ તરીકે ભારત-યુકે વ્યાપક આર્થિક અને વેપાર સમજૂતી મુદ્દાને કેન્દ્રમાં રાખીને કઈ તકો છે તેના પર વાત કરશે અને ઉદ્યોગજગતના અગ્રણીઓ સાથે પણ વાતચીત કરશે. બન્ને વડા પ્રધાન પ્રાદેશિક અને વૈશ્વિક મહત્વના મુદ્દાઓ પર એકબીજાના વિચારો જણાવશે. તેઓ ઉદ્યોગજગતના અનુભવી, નીતિ ઘડવૈયાઓ અને સંશોધકો સાથે પણ વાતચીત કરશે.

આ દરમિયાન દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદીની આજથી બે દિવસીય મહારાષ્ટ્રયાત્રા (Mumbai) પણ શરૂ થઇ ગઈ છે. તેઓ આ બે દિવસીય મહારાષ્ટ્રમુલાકાત દરમિયાન નવી મુંબઈ આંતરરાષ્ટ્રીય હવાઇમથકના પહેલા ફેઝનું અને મુંબઈ મેટ્રો લાઇન-૩ના છેલ્લા ફેઝનું પણ દ્ઘાટન કરવાના છે.  આજે વડા પ્રધાન નરેન્દ્ર મોદી ૧૧ જાહેર પરિવહન ઓપરેટરો માટે ભારતની પ્રથમ સંકલિત કોમન મોબિલિટી એપ મુંબઈ વનનું પણ લોન્ચિંગ કરવાના છે. આજે બુધવારે નવી મુંબઈ પહોંચ્યા બાદ પીએમ મોદી નવા તૈયાર કરાયેલા નવી મુંબઈ આંતરરાષ્ટ્રીય વિમાનમથકની મુલાકાત લેશે. તેઓ એરપોર્ટનું ઉદ્ઘાટન કરશે અને મુંબઈના વિવિધ પ્રોજેક્ટના શુભારંભ અને લોકાર્પણ પ્રસંગમાં ભાગ લેશે. આ પ્રસંગે તેઓ એક જનસભાને પણ સંબોધિત કરવાના છે. નવી મુંબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ (NMIA)નો પ્રથમ ફેઝ ૧૯.૬૫૦ કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર કરવામાં આવ્યો છે.

૧૨,૨૦૦ કરોડના ખર્ચે બનાવવામાં આવેલા આચાર્ય અત્રે ચોકથી કફ પરેડ સુધીના મુંબઈ (Mumbai) મેટ્રો લાઇન-૩ના ફેઝ ૨-બીનું પણ તેઓ ઉદ્ઘાટન કરવાના છે. તેઓ કુલ ૩૭,૨૭૦ કરોડ રૂપિયાના ખર્ચે બનેલ મુંબઈ મેટ્રો લાઇન ૩ (એક્વા લાઇન) આજે રાષ્ટ્રને સમર્પિત કરશે, જે મુંબઈના પરિવહનમાં મોટું પરિવર્તન લાવશે. અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી જે મુંબઈ વન એપ્લિકેશન લોન્ચ કરશે તે મુસાફરોને મલ્ટિપલ પબ્લિક ટ્રાન્સપોર્ટ ઓપરેટરોને મોબાઇલ ટિકિટિંગ સહિત અનેક લાભો આપશે.

mumbai news mumbai narendra modi devendra fadnavis navi mumbai united kingdom ajit pawar eknath shinde great britain