28 September, 2026 07:55 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ઝેરી ગૅસથી મૃત્યુ પામેલા પ્રભાકર ધિવાર અને ભાવિન દેસાઈ.
રામ મંદિર-ઈસ્ટના શિવશંકરનગરમાં પારસી પંચાયતના ગેટ પાસેના પબ્લિક ટૉઇલટમાં શનિવારે રાતે ગયેલા પચીસ વર્ષના પ્રભાકર ધિવાર અને ૧૮ વર્ષના ભાવિન દેસાઈ બેભાન અવસ્થામાં મળી આવ્યા હતા. આ ઘટનામાં એ પબ્લિક ટૉઇલેટની પાસે આવેલા મેટલ પ્લેટિંગના ગાળામાંથી આવતી ઝેરી કેમિકલની તીવ્ર ગંધને કારણે તે બન્નેનાં મૃત્યુ થયાં હોવાની શંકા સેવાઈ રહી છે. સ્થાનિક રહેવાસીઓએ આક્ષેપ કર્યો છે કે એ કેમિકલ યુનિટ છેલ્લાં ૧૦-૧૫ વર્ષથી ગેરકાયદે જ ત્યાં ચલાવવામાં આવી રહ્યું છે.
બન્ને યુવકો ગોરેગામના ઇચ્છાપૂર્તિ ગણેશ મંડળના સભ્યો હતો. મંડળના ૬ સભ્યો શનિવારે એકસાથે ડિનર પર ગયા હતા. ડિનર પતાવીને એ લોકો પાછા આવીને મોડી રાતે વાતો કરતા બેઠા હતા. ત્યાર બાદ પ્રભાકર અને ભાવિન નજીકના પબ્લિક ટૉઇલેટમાં ગયા હતા. ઘણી વાર સુધી બન્ને બહાર ન આવતાં સાથેના મિત્રોએ તપાસ કરતા બન્ને ટૉઇલેટમાં ફર્શ પર પડ્યા હતા. તેમને તરત જ જોગેશ્વરીના ટ્રૉમા સેન્ટરમાં લઈ જવાયા હતા. સારવાર દરમ્યાન રવિવારે વહેલી સવારે ૩.૪૯ વાગ્યે બન્નેનાં મૃત્યુ થયાં હોવાનું હૉસ્પિટલ દ્વારા જણાવાયું હતું.
આ બાબતે વનરાઈ પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે ત્યાર બાદ કેસની તપાસ શરૂ કરી હતી. એવા આક્ષેપ થઈ રહ્યા હતા કે એ પબ્લિક ટૉઇલેટની બાજુમાં આવેલા ઇન્ડસ્ટ્રિયલ ગાળામાંથી ઝેરી ગૅસ લીક થયો હતો જેને કારણે તે બન્નેનાં મોત થયાં હતાં. એવી પણ શંકા ઊભી કરાઈ છે કે ટૉઇલેટની જ યોગ્ય રીતે રીતે સફાઈ ન થતી હોવાથી એની સેપ્ટિક ટૅન્કના ગૅસની તીવ્ર ગંધને કારણે તે બન્નેનાં મોત થયાં હોઈ શકે.
પ્રભાકરે બર્થ-ડેના ૩ દિવસ પહેલાં જ જીવ ગુમાવ્યો
પ્રભાકર ધિવાર નટ-બોલ્ટનો બિઝનેસ કરે છે. તેનો ૩૦ સપ્ટેમ્બરે બર્થ-ડે હતો. એના થોડા દિવસ પહેલાં જ આ બનાવ બનતાં તેના પરિવારમાં શોક વ્યાપી ગયો હતો. તેના પરિવારમાં મા-બાપ અને ૩ ભાઈ-બહેનોનો સમાવેશ થાય છે.
મમ્મીએ બનાવેલાં ભાખરી-શાક જમતાં પહેલાં જ ભાવિને જીવ ગુમાવ્યો
ભાવિન મૂળ સફાળેનો છે અને પપ્પાથી જુદો તેની મમ્મી સાથે રહેતો હતો. દર વર્ષે ગોરેગામમાં ગણપતિના ૭ દિવસ દરમ્યાન તેના કઝિનને ત્યાં રહેવા આવતો હતો. ગણેશોત્સવ પૂરો થાય એટલે રવિવારે સવારે તે સફાળે પોતાના ઘરે આવશે અને નાસ્તો કરશે એવું તેણે મમ્મીને કહ્યું હતું. એટલે તેની મમ્મીએ શાક-ભાખરી બનાવી રાખ્યાં હતાં. જોકે રવિવારે સવારે તે ન આવ્યો અને જુવાનજોધ દીકરાના મૃત્યુના સમાચાર આવતાં મમ્મીના માથે આભ તૂટી પડ્યું હતું.
ગેરકાયદે કારખાનાના ટૉક્સિક વેસ્ટનો ટૉઇલેટની ડ્રેનેજ સિસ્ટમમાં જ ડાયરેક્ટ નિકાલ કરી દેવાતો હતો
વનરાઈ પોલીસ દ્વારા કેસની વધુ તપાસ હાથ ધરાઈ હતી. તપાસમાં એવું જણાઈ આવ્યું હતું કે કેટલાંક વર્ષ પહેલાં એ ગાળો નવીનચંદ્ર ચાવડાએ ગેરકાયદે ઊભો કરી દીધો હતો અને હાલ એ ગાળો રામધની યાદવ ચલાવતો હતો. ત્યાં ઇમિટેશન જ્વેલરી માટેનું રૉ મટીરિયલ બનાવવામાં આવતું હતું. એમાં જે કેમિકલ વપરાતું હતું એના આફ્ટર-પ્રોસેસ ઝેરી કેમિકલ વેસ્ટનો નિકાલ કરવા ગાળાની બાજુમાં જ આવેલા ટૉઇલેટની ડ્રેનેજ સિસ્ટમ સાથે ગાળામાંથી જ કનેક્શન આપી દેવાયું હતું અને એ ઝેરી કેમિકલ એ રીતે ટૉઇલેટની ડ્રેનેજ લાઇનમાં ઠલવાતું હતું. એ ઝેરી કેમિકલ ગૅસને કારણે આ બે યુવાનોનાં મોત થયાં હોવાનું કહેવાય છે. પોલીસે નવીનચંદ્ર ચાવડાને ઝડપી લીધો છે, જ્યારે રામધની યાદવ હાલ પોલીસથી નાસતો ફરી રહ્યો છે. આ ઘટનામાં એક બિલાડીનું પણ મોત થયું હોવાનું કહેવાય છે.
- રિતિકા ગોંધળેકર અને સાર્થક મહેતા