મુંબઈ-સિંધુદુર્ગ વિમાન સેવાને જોરદાર પ્રતિસાદ, આ તારીખ સુધી ફ્લાઇટો ફુલ... જાણો ટિકિટના ભાવ

24 September, 2021 03:39 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

સિંધુદુર્ગમાં ચિપી એરપોર્ટનું ઉદ્ઘાટન ૯ ઑક્ટોબરે થશે, ૨૦ ઑક્ટોબર સુધીની ટિકિટો માત્ર કલાકમાં વેચાઈ ગઈ

પ્રતિકાત્મક તસવીર

મુંબઈ-સિંધુદુર્ગ વિમાન સેવા શરુ થયા તે પહેલાં જ તેને જોરદાર પ્રતિસાદ મળી રહ્યો છે. ફ્લાઇટની ટિકિટો ફટફટ ફુલ થવા લાગી છે. સિંધુદુર્ગમાં ચિપી એરપોર્ટનું ઉદ્ઘાટન ૯ ઑક્ટોબરે થવાનું છે અને વિમાનસેવા પણ તે દિવસથી જ શરુ થશે. ગઈકાલથી ફ્લાઇટનું બુકિંગ શરુ થયું છે અને માત્ર એક કલાકના સમયમાં જ ૨૦ ઑક્ટોબર ૨૦૨૧ સુધી બુકિંગ ફુલ થઈ ગયું છે.

મુંબઈ-સિંધુદુર્ગ વિમાન સેવા ચાલુ થાય તે પહેલાં જ જે પ્રતિસાદ મળ્યો છે તે જોઈને લાગે છે કે આ માર્ગ પર વિમાન સેવાને વધુ ગતિ મળે તેવી અપેક્ષા છે. એર ઈન્ડિયા દ્વારા મુંબઈ-સિંધુદુર્ગ અને સિંધુદુર્ગ-મુંબઈ ફ્લાઇટ શરૂ કરવામાં આવશે. એરલાઇને ટિકિટનું ઓનલાઇન વેચાણ શરૂ કર્યું છે. મુંબઈથી સિંધુદુર્ગ અને રિર્ટન ટિકિટનું રિઝર્વશેન હાઉસફુલ છે. ૨૦ ઑક્ટોબર સુધીની ટિકિટો માત્ર એક કલાકમાં વેચાઈ ગઈ હતી. આ બાબતની માહિતી એર ઈન્ડિયાની વૅબસાઈટ પર આપવામાં આવી છે.

મુંબઈથી સિંધુદુર્ગ અને સિંધુદુર્ગથી મુંબઈની ફ્લાઇટ શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો ત્યારથી એરલાઈન્સ ભારે ચર્ચામાં છે. હવે ૯ ઑક્ટોબરે સિંધુદુર્ગના ચિપી એરપોર્ટનું ઉદ્ઘાટન મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે અને હવાઈ પરિવહન મંત્રી જ્યોતિરાદિત્ય શિંદેની હાજરીમાં થશે.

એર ઈન્ડિયાની પેટાકંપની ‘એલાયન્સ એર’ દ્વારા મુંબઈથી સિંધુદુર્ગ અને સિંધુદુર્ગથી મુંબઈ માર્ગ પર વિમાન સેવા શરુ કરવામાં આવશે. મુંબઈથી સિંધુદુર્ગનું ભાડું ૨,૫૨૦ રૂપિયા છે અને સિંધુદુર્ગથી મુંબઈની મુસાફરીનું ભાડું ૨,૬૨૧ રૂપિયા છે. મુંબઈથી દરરોજ સવારે ૧૧.૩૫ વાગ્યે ઉપડતી ફ્લાઇટ બપોરે ૧ વાગ્યે ચિપી ખાતે ઉતરાણ કરશે. જ્યારે સિંધુદુર્ગથી મુંબઈ માટે ફ્લાઇટ બપોરે ૧.૨૫ વાગ્યે નીકળશે અને મુંબઈમાં ૨.૫૦ વાગ્યે મુંબઈ પહોંચશે.

mumbai mumbai news sindhudurg air india