નદી, નહેર અને સ્વિમિંગ-પૂલમાં ડૂબી જવાથી બે દિવસમાં ત્રણ જણે જીવ ગુમાવ્યા

21 April, 2025 02:13 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

બીજી ઘટના શનિવારે દહાણુના સરાણી ગામ પાસે સૂર્યા નદીની કનૅલમાં બની હતી

MBMCના સ્વિમિંગ-પૂલમાં ડૂબી જવાથી ૧૧ વર્ષના ગ્રંથ હસમુખ મુથાનું મૃત્યુ થયું હતું.

ઉનાળો જામી રહ્યો છે અને પારો વધી રહ્યો છે ત્યારે ગરમીથી રાહત મેળવવા લોકો નદી, કનૅલ અને સ્વિમિંગ-પૂલમાં તરવા પડી રહ્યા છે. જોકે પૂરતી સુરક્ષાવ્યવસ્થાના અભાવે શનિવારે પાલઘરમાં બે વ્યક્તિ અને ગઈ કાલે ભાઈંદરમાં સુધરાઈના સ્વિમિંગ-પૂલમાં એક ​કિશોર ડૂબી જતાં મૃત્યુ પામ્યાં હતાં.  

ભાઈંદર-ઈસ્ટમાં આવેલા મીરા-ભાઈંદર મ્યુનિસિપલ કૉર્પોરેશન (MBMC)ના સ્વ. ગોપીનાથ મુંડે સ્પોર્ટ્સ કૉમ્પ્લેક્સમાં આવેલા સ્વિમિંગ-પૂલમાં ગઈ કાલે ૧૧ વર્ષના ગ્રંથ હસમુખ મુથાનું ડૂબી જવાથી મૃત્યુ થયું હતું. એવું કહેવાય છે કે MBMCએ સ્પોર્ટ્સ કૉમ્પ્લેક્સનું મૅનેજમેન્ટ એક કૉન્ટ્રૅક્ટરને સોંપ્યું છે. એ મૅનેજમેન્ટનું એમ કહેવું છે કે સ્વિમિંગ-પૂલમાં લોકોની સુરક્ષા માટે છથી ૭ લાઇફગાર્ડ નીમવામાં આવ્યા છે. જોકે ઘટના બની ત્યારે ત્યાં હાજર રહેલા લોકોનું કહેવું હતું કે લાઇફગાર્ડ નહોતો. જો લાઇફગાર્ડ હોત તો આ દુ:ખદ ઘટના ન બની હોત. હાલ નવઘર પોલીસે આ સંદર્ભે ઍક્સિડેન્ટલ ડેથની નોંધ કરી કેસની વધુ તપાસ ચાલુ કરી છે. ઘટના વખતે શું બન્યું હતું એ જાણવા માટે ક્લોઝ્ડ સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરાનાં ફુટેજની ચકાસણી કરાશે. હાલ તો મુથા પરિવાર પર દુ:ખનો ડુંગર તૂટી પડ્યો છે.

ડૂબી જવાની અન્ય બે ઘટના શનિવારે પાલઘર જિલ્લામાં બની હતી. ૨૪ વર્ષનો અભિષેક બિર્હાડે તેના મિત્રો સાથે સૂર્યા નદી પર પાલઘર જિલ્લામાં આવેલા માસવણ ડૅમ ખાતે તરવા ગયો હતો. જોકે ઊંડાઈનો અંદાજ ન આવતાં તે ડૂબી ગયો હતો. તેના મિત્રોએ તરત જ સ્થાનિકોને બોલાવી મદદ માગી હતી. પોલીસને પણ જાણ કરવામાં આવી હતી. આખરે શનિવારે સાંજે તેનો મૃતદેહ મળી આવ્યો હતો.

બીજી ઘટના શનિવારે દહાણુના સરાણી ગામ પાસે સૂર્યા નદીની કનૅલમાં બની હતી. દક્ષ સાગર મર્ડે કનૅલમાં નાહવા પડ્યો હતો અને તણાઈ ગયો હતો. સ્થાનિકો અને પોલીસે તેને શોધવાના પ્રયાસ હાથ ધર્યા હતા, પણ તે મળી નહોતો આવ્યો. 

mumbai news mumbai mira bhayandar municipal corporation dahanu palghar