ફિલ્મોમાં કામ આપવાના નામે થાણેની મહિલા પર બળાત્કાર, પીડિતાને સિંગાપોર લઈ ગયા હતા આરોપીઓ

24 February, 2025 07:03 AM IST  |  Thane | Gujarati Mid-day Online Correspondent

Mumbai Sexual Crime News: સમાચાર એજન્સી પીટીઆઈના અહેવાલો મુજબ, આ મામલે આરોપી પુરુષ, એક મહિલા, તેના પતિ અને તેમની પુત્રી સહિત અન્ય ત્રણ લોકો સામે કેસ નોંધવામાં આવ્યો છે, જેમણે પીડિતાને બ્લૅકમેલ કરી હતી અને ધમકી આપી હતી.

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

મહારાષ્ટ્રના થાણે જિલ્લામાં એક 34 વર્ષીય મહિલા પર ફિલ્મ ઉદ્યોગમાં કામની તકો આપવાના ખોટા વચનો આપીને છેતરપિંડી સહિત તેના પર અનેક વખત બળાત્કાર કરનાર કરવામાં આવ્યો હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી હતી. આ મામલે પોલીસ દ્વારા આરોપીઓ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હોવાની માહિતી અધિકારીઓએ આપી હતી.

સમાચાર એજન્સી પીટીઆઈના અહેવાલો મુજબ, આ મામલે આરોપી પુરુષ, એક મહિલા, તેના પતિ અને તેમની પુત્રી સહિત અન્ય ત્રણ લોકો સામે કેસ નોંધવામાં આવ્યો છે, જેમણે પીડિતાને બ્લૅકમેલ કરી હતી અને ધમકી આપી હતી. પોલીસના નિવેદનો મુજબ, ફરિયાદી, જે અનુસૂચિત જાતિની છે અને થાણે શહેરના માજીવાડા વિસ્તારમાં રહે છે, તેણે આ આરોપીઓ પર જાતિ આધારિત દુર્વ્યવહાર (ઍટ્રોસિટી)નો પણ આરોપ લગાવ્યો છે.

કપુરબાવડી સ્ટેશનના પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે આરોપી મહિલાએ લગભગ ત્રણ વર્ષ પહેલાં પીડિતાનો સંપર્ક કર્યો હતો, અને દાવો કર્યો હતો કે તે ફિલ્મ ઉદ્યોગમાં સારા સંપર્કો ધરાવે છે. પીટીઆઈના અહેવાલ મુજબ, આરોપી મહિલાએ પીડિતાને ખાતરી આપી હતી કે તે તેની અભિનય કારકિર્દી શરૂ કરવામાં અને તેને એક જાણીતી સ્ટાર બનાવવા માટે મદદ કરી શકે છે.

પોલીસ અહેવાલો અનુસાર, આરોપી મહિલા પીડિતાને મનોરંજન ઉદ્યોગમાં એક શક્તિશાળી વ્યક્તિ સાથે પરિચય કરાવવાના બહાને સિંગાપોર લઈ ગઈ હતી. જોકે ત્યાં પહોંચ્યા પછી, પીડિતાને તે પુરુષના ઘરે લઈ જવામાં આવી, જ્યાં તેને પીણાં આપવામાં આવ્યા હતા. ત્યારબાદ આરોપી પુરુષે તેના પર બળાત્કાર કર્યો હોવાનો દાવો પીડિત મહિલાએ કર્યો. પીટીઆઈ અનુસાર, પીડિતા પર મુંબઈ અને અન્ય સ્થળોએ વિવિધ હૉટેલોમાં અનેક વખત બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો.

પીટીઆઈના અહેવાલો મુજબ આરોપી મહિલાએ પીડિતાના પુરુષ સાથેના વાંધાજનક વીડિયો પણ રેકોર્ડ કર્યા હતા, જેનો ઉપયોગ પછીથી મહિલાને બ્લૅકમેલ કરવા માટે કરવામાં આવ્યો હતો. પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે મહિલા, તેના પતિ અને પુત્રી સાથે મળીને, વારંવાર પીડિતાને હેરાન કરતી હતી, ધમકીઓ આપતી હતી અને તેને આ બધા બાબતે ચૂપ રહેવાનું દબાણ કરતી હતી.

વધુમાં, પીડિતાએ આરોપ લગાવ્યો છે કે આરોપીઓ દ્વારા તેને જાતિ આધારિત દુર્વ્યવહારનો ભોગ બનાવવામાં આવ્યો હતો. પીડિતાની ફરિયાદના આધારે, ચારેય આરોપીઓ સામે ભારતીય ન્યાય સંહિતાની સંબંધિત વિવિધ કલમો હેઠળ એફઆઈઆર નોંધવામાં આવી છે, જેમાં બળાત્કાર અને ગુનાહિત ધાકધમકી સંબંધિત જોગવાઈઓ સામેલ છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ (અત્યાચાર નિવારણ) અધિનિયમ હેઠળ પણ કેસ દાખલ કરવામાં આવ્યો છે. પોલીસ અધિકારીઓએ પુષ્ટિ આપી છે કે તપાસ આગળ વધતાં કેસ અંગે વધુ અપડેટ્સ આપવામાં આવશે.

sexual crime mumbai crime news Rape Case thane thane crime bollywood