નાની વાતમાં પિત્તો ગુમાવીને કાંદિવલીના સિનિયર સિટિઝને ૭૨ વર્ષનાં ગુજરાતી માજીને રહેંસી નાખ્યાં

06 May, 2025 01:39 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

કાંદિવલી પોલીસને એકાદ કલાક પછી આ વિશે જાણ કરવામાં આવતાં પોલીસે ઘટનાસ્થળે દોડી જઈને આરોપીને ઝડપી લીધા હતા.

પ્રતીકાત્મક તસવીર

કાંદિવલી-વેસ્ટમાં બાલભારતી કૉલેજ પાસે આવેલા વર્ષો જૂના બંગલામાં ભાડેથી એકલા રહેતા સિનિ​યર સિટિઝન પુરુષે તેમનાં પાડોશી મહિલા સાથે થયેલી નજીવી તકરારમાં પિત્તો ગુમાવી ચાકુના વાર કરીને મહિલાને મારી નાખ્યાં હતાં. કાંદિવલી પોલીસને એકાદ કલાક પછી આ વિશે જાણ કરવામાં આવતાં પોલીસે ઘટનાસ્થળે દોડી જઈને આરોપીને ઝડપી લીધા હતા.

હત્યાની આ ઘટના વિશે વધુ માહિતી આપતાં કાંદિવલી પોલીસ-સ્ટેશનના પોલીસ-ઇન્સ્પેક્ટર અરવિંદ કાંબળેએ કહ્યું હતું કે ‘બાલભારતી કૉલેજની પાસે ભાનુ પાર્ક વિસ્તારમાં જૂના બંગલામાં ભાડે રહેતા બે પાડોશીઓ વચ્ચે આ તકરાર થઈ હતી. વળી આ બન્ને સિનિયર સિટિઝન છે અને બન્ને એકલાં જ રહે છે. આ કેસમાં જીવ ગુમાવનાર ૭૨ વર્ષનાં રંજન સાંગાણીના ઘરમાં રિનોવેશનનું કામ ચાલી રહ્યું હતું એટલે એનો કેટલોક સામાન બહાર પૅસેજમાં રાખ્યો હતો. એ મુદ્દે તેમના ૬૮ વર્ષના પાડોશી અશોક કેશવાણીએ ઑબ્જેક્શન લીધું હતું. તેમની વચ્ચે બોલાચાલી થઈ હતી. ઉશ્કેરાઈ ગયેલા અશોક કેશવાણીએ ત્યાર બાદ ઘરમાંથી ચાકુ લાવીને રંજનબહેનને ભોંકી દીધું હતું. આ ઘટના ગઈ કાલે બપોરે ૩.૩૦ વાગ્યે બની હતી. જોકે એ પછી એક કલાક બાદ કોઈએ પોલીસને ફોન કરીને જાણ કરતાં અમારી મોબાઇલ-વૅનને જાણ કરવામાં આવી હતી અને અમારા ઑફિસર અને સ્ટાફ ત્યાં પહોંચ્યા હતા. તેમણે આરોપી અશોક કેશવાણીની ધરપકડ કરી હતી. રંજન સાંગાણીને ત્યાર બાદ શતાબ્દિ હૉસ્પિટલ લઈ જવાયાં હતાં જ્યાં ડૉક્ટરે તેમને મૃત જાહેર કર્યાં હતાં. આ વિશે મોડી રાત સુધી કાર્યવાહી ચાલી રહી હતી.’

kandivli mumbai crime news crime news murder case mumbai police news mumbai mumbai news