05 August, 2025 06:52 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
34 માળની વેલિંગ્ટન હાઇટ્સ ઈમારત (તસવીર: ગૂગલ)
મુંબઈ અને તેની આસપાસના ઉપનગરોમાં મહાપાલિકા દ્વારા ગેરકાયદેસર અતિક્રમણ, બાંધકામો અને ઈમારતો સામે કડક કાર્યવાહી કરવાના પગલાં લેવામાં આવે છે, જેમાં તેને તોડી પાડવામાં આવે છે. જોકે મામલો કોર્ટમાં પહોંચતા વિલંબ થાય છે. તાજેતરમાં મુંબઈના તાડદેવમાં એક એવો જ કિસ્સો બન્યો છે. અહીંની ગગનચુંબી ઈમારતના ગેરકાયદેસર માળ તોડી પાડવાનો આદેશ બૉમ્બે હાઈ કોર્ટે આપ્યો હતો, જોકે મામલો સુપ્રીમ કોર્ટમાં ગયો. તે બાદ સર્વોચ્ચ અદાલતે હાઈ કોર્ટના આદેશને માન્ય રાખ્યો, જેથી હવે અહીના રહેવાસીઓ પર શું બેઘર થવાનો વારો આવ્યો છે? તેવો પ્રશ્ન છે.
સુપ્રીમ કોર્ટે મુંબઈના તાડદેવમાં આવેલી 34 માળની વેલિંગ્ટન હાઇટ્સ ઈમારતના ઉપરના 18 માળ અનધિકૃત હોવાના બૉમ્બે હાઈ કોર્ટના નિર્ણયને માન્ય રાખ્યો છે. સુપ્રીમ કોર્ટે બે અઠવાડિયામાં 17થી 34મા માળના ફ્લૅટ ખાલી કરવાના હાઈ કોર્ટના આદેશને માન્ય રાખ્યો હતો. સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું હતું કે હાઈ કોર્ટનો આદેશ સાચો છે અને તે તેમાં દખલ કરશે નહીં.
વેલિંગ્ટન હાઇટ્સના રહેવાસીઓએ બૉમ્બે હાઈ કોર્ટના નિર્ણયને પડકારતી સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. જોકે, સુપ્રીમ કોર્ટે અવલોકન કર્યું હતું કે હાઈ કોર્ટના આદેશનું પાલન થવું જોઈએ અને કાયદાનું શાસન પ્રવર્તવું જોઈએ. "ગેરકાયદેસર પ્રવૃત્તિઓને રક્ષણ આપવા માટે કાનૂની પ્રક્રિયાના દુરુપયોગનો આ ગંભીર મામલો છે," હાઈ કોર્ટના જસ્ટિસ ગિરીશ કુલકર્ણી અને જસ્ટિસ આરિફ ડૉક્ટરની બૅન્ચે ટીકા કરી હતી. તેથી, હવે 17થી 34મા માળ સુધીના ફ્લૅટ આગામી બે અઠવાડિયામાં ખાલી કરવા પડશે.
સુપ્રીમ કોર્ટે તાડદેવમાં વેલિંગ્ટન હાઇટ્સ બિલ્ડિંગના 17મા થી ૩૪મા માળના રહેવાસીઓને બે અઠવાડિયામાં તેમના ફ્લૅટ ખાલી કરવાનો બૉમ્બે હાઈ કોર્ટના આદેશ પર સ્ટે મૂકવાનો ઇનકાર કર્યો છે. સુપ્રીમ કોર્ટે બૉમ્બે હાઈ કોર્ટના આદેશમાં દખલ કરવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો છે, તેને ‘પરિપક્વ, બોલ્ડ અને સ્પષ્ટ’ ગણાવ્યો છે. હવે, વેલિંગ્ટન હાઇટ્સ બિલ્ડિંગના 17મા થી ૩૪મા માળના રહેવાસીઓએ બે અઠવાડિયામાં તેમના ફ્લૅટ ખાલી કરવા પડશે.
૧૫ જુલાઈના રોજ, બૉમ્બે હાઈ કોર્ટે ફ્લૅટ ખાલી કરવાનો આદેશ આપ્યો હતો, જેમાં કહેવામાં આવ્યું હતું કે 17માથી ૩૪મા માળ પરના અતિક્રમણ ગેરકાયદેસર છે. કારણ કે આ માળને ૨૦૧૧ થી ઓક્યુપેશન સર્ટિફિકેટ (OC) કે ફાયર બ્રિગેડ સર્ટિફિકેટ મળ્યું નથી. સોસાયટીએ બૉમ્બે હાઈ કોર્ટના આદેશને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો. સોસાયટી અને મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનની દલીલો સાંભળ્યા પછી અને તમામ રેકોર્ડનો અભ્યાસ કર્યા પછી, જસ્ટિસ જે. બી. પારડીવાલા અને આર. મહાદેવનની બેન્ચે હાઈ કોર્ટના નિર્ણયને ‘પરિપક્વ, બોલ્ડ અને સ્પષ્ટ’ ગણાવીને હસ્તક્ષેપ કરવાનો ઇનકાર કર્યો હતો.
હવે પ્રશ્ન એવો છે કે આ 34 માળની ઈમારતનાં ઉપરનાં 18 માળ સામે શું તોડી પાડવાની કાર્યવાહી કરવામાં આવશે અને જો તેનાથી નીચેના માળને નુકસાન થશે નહીં? અને ગેરકાયદેસર જાહેર થયાં બાદ તે ફ્લૅટમાં રહેતા રહેવાસીઓ કયા જશે?