ગોરાઈમાં બનેલો મુંબઈનો પહેલો મૅન્ગ્રોવ પાર્ક શરૂ થાય છે ૨૮ મેથી

23 May, 2026 11:04 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ પાર્ક ત્રણ વર્ષ પહેલાં તૈયાર થઈ જવો જોઈતો હતો અને એની ડેડલાઇન ૨૦૨૩ની રાખવામાં આવી હતી

શહેરના પહેલા મૅન્ગ્રોવ પાર્કનું ઉદ્ઘાટન મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસના હસ્તે અન્ય નેતાઓની હાજરીમાં ૨૮ મેએ સવારે સાડાદસ વાગ્યે કરવામાં આવશે.

બોરીવલીના ગોરાઈમાં બનાવાયેલો શહેરનો પહેલો મૅન્ગ્રોવ પાર્ક ૨૮ મેથી લોકો માટે ખુલ્લો મૂકવામાં આવશે એવું વન વિભાગે જણાવ્યું હતું. જોકે ખરેખર તૈયાર કરવામાં આવેલી યોજના મુજબ આ પાર્ક ત્રણ વર્ષ પહેલાં તૈયાર થઈ જવો જોઈતો હતો અને એની ડેડલાઇન ૨૦૨૩ની રાખવામાં આવી હતી.

૨૮ મેએ સવારે સાડાદસ વાગ્યે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને ઉત્તર મુંબઈના સંસદસભ્ય પીયૂષ ગોયલ ભારત રત્ન અટલ બિહારી વાજપેયી મૅન્ગ્રોવ પાર્કનું ઉદ્ઘાટન કરશે. એ દરમ્યાન ભૂતપૂર્વ સંસદસભ્ય ગોપાલ શેટ્ટી, મંગલ પ્રભાત લોઢા, આશિષ શેલાર, ગણેશ નાઈક સહિતના નેતાઓ પણ હાજર રહેશે.

ઉલ્લેખનીય છે કે ૨૦૨૧માં આ મૅન્ગ્રોવ પાર્ક બનાવવાની જાહેરાત કરવામાં આવી હતી અને એ વખતે ૨૦૨૩ સુધીમાં પાર્ક તૈયાર થઈ જશે એવું જણાવવામાં આવ્યું હતું, પણ એક કે બીજા કારણસર પ્રોજેક્ટનું કામ પાછળ ઠેલાતું ગયું હતું જેને કારણે આ પ્રોજેક્ટ પૂરો થવામાં વિલંબ થયો હતો. 

આ ઍક્ટિવિટી કરી શકો તમે મૅન્ગ્રોવ પાર્કમાં

મહારાષ્ટ્ર ફૉરેસ્ટ ડિપાર્ટમેન્ટના મૅન્ગ્રોવ સેલ દ્વારા તૈયાર કરવામાં આવેલા મૅન્ગ્રોવ પાર્કમાં ૭૪૦ મીટરનો એલિવેટેડ બ્રૉડવૉક, બર્ડ ઑબ્ઝર્વેટરી, ગાઇડેડ મૅન્ગ્રોવ ટ્રેલ્સ ઉપરાંત મૅન્ગ્રોવ વિશે જાણવા માટે એજ્યુકેશનલ એક્ઝિબિટ પણ હશે.

gorai maharashtra forest department maharashtra news maharashtra mumbai mumbai news devendra fadnavis