17 February, 2026 07:38 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ડિફેન્સ લૅન્ડની નજીક આવેલાં બિલ્ડિંગોના રહેવાસીઓએ શરૂ કરી સહી-ઝુંબેશ
ડિફેન્સ લૅન્ડ નજીક સોસાયટી હોવાને કારણે મલાડ અને કાંદિવલીનાં ૬૦૦ બિલ્ડિંગ્સનું રીડેવલપમેન્ટ થઈ શકતું નથી. રવિવારે આમાંથી ૮૦ સોસાયટીના સભ્યોએ એક સંયુક્ત બેઠક યોજીને વિરોધ-ઝુંબેશ શરૂ કરવા માટે તૈયાર થયેલા સભ્યોની સહી લીધી હતી.
૨૦૧૪થી આ સભ્યો પોતાની સોસાયટીઓનું રીડેવલપમેન્ટ કરી શક્યા નથી, કારણ કે તેમની સોસાયટી ડિફેન્સ લૅન્ડની ૫૦૦ યાર્ડ ત્રિજ્યામાં આવે છે. તેમણે ડિફેન્સ મિનિસ્ટ્રી અને સરકારને આ સંદર્ભે જૂના ગૅઝેટને રદ કરવાની વિનંતી કરી છે.
આ સભ્યોએ ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘૨૦૨૪ પછી બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)એ રીડેવલપમેન્ટ માટે નો ઑબ્જેક્શન સર્ટિફિકેટ આપવાનું બંધ કરી દીધું છે. મોટા ભાગની સોસાયટીઓ લગભગ ૪૫ વર્ષ જૂની છે અને એમાંનાં અનેક બિલ્ડિંગ્સ તોડી પાડવામાં આવ્યાં છે, કારણ કે એ C-1 (ખૂબ જ જોખમી અને જર્જરિત) શ્રેણીમાં આવે છે, પરંતુ ૧૯૬૭ના ડિફેન્સ ગૅઝેટને કારણે આવી બધી ઇમારતોનું રીડેવલપમેન્ટ અટકી ગયું છે.’
ગૅઝેટમાં જણાવાયું છે કે ૫૦૦ યાર્ડની ત્રિજ્યામાં આવતી બધી સોસાયટીઓને એમની જમીનના કોઈ પણ પ્રકારના ડેવલપમેન્ટની મંજૂરી નથી. આ ગૅઝેટને કારણે જુહુમાં ૨૦૦ સોસાયટીઓ રીડેવલપમેન્ટ કરાવી શકતી નથી. આવાં કુલ ત્રણ ડિફેન્સ લૅન્ડ-પાર્સલ મલાડ અને કાંદિવલીમાં છે.
કાંદિવલીના વિધાનસભ્ય અતુલ ભાતખળકર પણ બેઠકમાં જોડાયા હતા અને તેમણે ખાતરી આપી હતી કે તેઓ સ્થાનિક રહેવાસીઓને મદદ કરશે.