✕

News in Shorts: કાંદિવલીમાં રસ્તો પહોળો કરવા ૨૭ દુકાનો પર પાલિકાનો હથોડો પડ્યો

18 November, 2026 10:27 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ગઈ કાલે બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)ના R- સાઉથ વૉર્ડે આ ડિમોલિશન કાર્યવાહી કરી હતી.

ડિમોલિશન ડ્રાઈવ હાથ ધરવામાં આવી

કાંદિવલી-વેસ્ટમાં સ્ટેશન પાસે એસ.વી. રોડ અને મથુરાદાસ રોડના જંક્શન પર આવેલી ૨૭ દુકાનોનું ગઈ કાલે ડિમોલિશન કરવામાં આવ્યું હતું. છેલ્લાં ૧૫ વર્ષથી એસ.વી. રોડ પરના આ ૧૧૦ મીટરના પટ્ટા પર આવેલી દુકાનો રોડ વાઇડનિંગમાં અંતરાયરૂપ બની રહી હતી. બીજું, આ દુકાનોને લીધે રસ્તો સાંકડો થઈ જતો હોવાથી રોજ જ ત્યાં બૉટલનેકની પરિસ્થિતિ સર્જાતી હતી અને ટ્રાફિક જૅમ થતો હતો. ગઈ કાલે બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)ના R- સાઉથ વૉર્ડે આ ડિમોલિશન કાર્યવાહી કરી હતી. 

મુંબઈગરાઓ માટે ડબલ ટ્રબલ, ગરમી અને ઠંડકનો મિશ્ર અનુભવ: સવારના સમયે મુંબઈના અમુક વિસ્તારનો ઍર ક્વૉલિટી ઇન્ડેક્સ ૩૦૦ને પાર

મુંબઈગરાઓ હાલ બે ઋતુનો અનુભવ કરી રહ્યા છે. વહેલી સવારના અને મોડી રાતના ગુલાબી ઠંડી પડી રહી છે, જ્યારે બપોરના સમયે સખત ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. દિવસના સમયે ૩૩ ડિગ્રીની આસપાસ રહેતું ટમ્પરેચર રાતના સમયે ઘટીને ૨૦ ડિગ્રીની આસપાસ પહોંચી જાય છે. વળી ક્યારેક એના કરતાં પણ નીચે પારો જતો રહે છે. ગઈ કાલે કોલાબામાં મૅક્સિમમ તાપમાન ૩૨.૫ ડિગ્રી અને મિનિમમ તાપમાન ૨૩.૮ ડિગ્રી નોંધાયું હતું, જ્યારે સાંતાક્રુઝમાં મૅક્સિમમ તાપમાન ૩૪.૧ ડિગ્રી અને મિનિમમ તાપમાન ૧૯.૫ ડિગ્રી નોંધાયું હતું. વળી ગઈ કાલે મુંબઈમાં તડકો પણ હતો અને સાથે સૂકો પવન પણ ફૂંકાઈ રહ્યો હતો, પરંતુ હવાની ગુણવત્તા જોખમી સ્તરે જ રહી હતી. મૉનિટરિંગ પ્લૅટફૉર્મ AQI.in અનુસાર સવારના સમયે શહેરનો એકંદર AQI ૩૦૪ નોંધાયો હતો. પૉલ્યુશનને કારણે દાદર ચોપાટી અને મરીન ડ્રાઇવ વિસ્તારમાં સ્મૉગને લીધે વિઝિબિલિટી ઘટી ગઈ હતી. ૯ વાગ્યા સુધી આવી જ પરિસ્થિતિ રહી હતી. જોકે આ ડબલ ઋતુને કારણે એની અસર લોકોના સ્વાસ્થ્ય પર પડી રહી છે અને શરદી-ઉધરસના કેસમાં ઉછાળો આવ્યો છે. મહારાષ્ટ્રમાં પણ ઠંડીનો ચમકારો દેખાયો છે. નાશિકમાં ગઈ કાલે લઘુતમ તાપમાન ૧૧.૫ ડિગ્રી નોંધાયું હતું તો પુણેમાં પારો ૧૨.૧ ડિગ્રી સુધી નીચે ઊતર્યો હતો.

મુંબઈ ઍરપોર્ટ પર ૨.૨૬ કરોડનું દાણચોરીનું સોનું ઝડપાયું

મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ઇન્ટરનૅશનલ ઍરપોર્ટ પરથી કસ્ટમ્સે ૧૬ અને ૧૭ નવેમ્બરે ૨.૨૬ કરોડનું દાણચોરીનું સોનું પકડી પાડ્યું હતું. અલગ-અલગ કાર્યવાહી હેઠળ ૧.૯૧૦ કિલો સોનું ઝડપી લેવાયું હતું જેમાં ૨૪ કૅરેટના સોનાનાં બિસ્કિટ અને સોનાના નાના ટુકડાઓનો સમાવેશ થતો હતો. આરોપીઓએ બ્લુટૂથ સ્પીકર અને ઇલેક્ટ્રિક ઇસ્ત્રીમાં આ સોનું છુપાવ્યું હતું. કેટલુંક સોનું બાવીસ કૅરેટના કાચા દાગીનાના સ્વરૂપમાં હતું. કસ્ટમ્સે આ બાબતે બે જણની ધરપકડ કરી હતી.

વર્સોવા બીચ ક્લીન-અપમાં વીક-એન્ડમાં ૧૨,૦૦૦ કિલો કચરો એકત્ર કરાયો

વર્સોવા અને દાના પાની બીચને આવરી લેતી મુંબઈની નાગરિક સંચાલિત બીચ ક્લીન–અપ પહેલે લગભગ ૬૧૦ અઠવાડિયાં પૂર્ણ કર્યાં છે જેમાં સ્વયંસેવકો શહેરના દરિયાકિનારાને દરિયાઈ કચરાથી મુક્ત રાખવા માટે સતત પ્રયાસો કરી રહ્યા છે. ગયા વીક-એન્ડમાં આ ગ્રુપે વર્સોવા બીચ પરથી લગભગ ૧૨,૦૦૦ કિલો કચરો એકત્ર કર્યો હતો જેમાંથી અંદાજે ૧૦થી ૧૫ ટકા કચરો રીસાઈકલ કરી શકાય એવો હતો. બાકીનો કચરો નાહૂરસ્થિત વેસ્ટ સેગ્રિગેશન ફૅસિલિટીમાં મોકલવામાં આવ્યો હતો. ભરતી (હાઈ ટાઈડ) દરમ્યાન આ કચરો તણાઈને કિનારે આવે છે જેના પગલે દર વીક-એન્ડમાં ઓટ (લો ટાઇડ) ના સમયે સેંકડો સ્વયંસેવકો બીચની સફાઈ કરવા માટે એકઠા થાય છે. આ કચરો ઊંડા સમુદ્ર તેમ જ મલાડ અને વર્સોવા ખાડીમાં ઠલવાતી મુંબઈની નદીઓ સહિતના વિવિધ સ્રોતોમાંથી આવે છે. એકત્ર થતા કચરાનું પ્રમાણ ભરતી-ઓટની ગતિવિધિ પર નિર્ભર રહે છે.

kandivli brihanmumbai municipal corporation mumbai airport mumbai customs mumbai news versova mumbai mumbai weather