19 August, 2025 07:02 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
દાદરો જ તૂટી પડતાં અટવાઈ ગયેલા રહેવાસીઓને ફાયર-બ્રિગેડના જવાનો સુખરૂપ નીચે લઈ આવ્યા હતા
મુંબઈ (Mumbai)માં ભારે વરસાદને (Mumbai Rains) કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયાં છે. તો કેટલાક વિસ્તારોમાં વૃક્ષ પડવાની ઘટનાઓ પણ નોંધાઈ છે. આ દરમિયાન દક્ષિણ મુંબઈ (South Mumbai)ના ચિરબજાર (Chira Bazar)માં રવિવારે રાત્રે બે માળની ઇમારતની સીડી તૂટી પડી. એક વરિષ્ઠ નાગરિક સહિત ત્રણ રહેવાસીઓ બીજા માળે ફસાયા હતા અને અધિકારીઓએ તેમને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા.
રવિવારે રાત્રે દક્ષિણ મુંબઈના ચિરબજારમાં આવેલી પ્રભુ ગલી પર સ્થિત એક ઇમારતમાં દુર્ઘટના ઘટી હતી. પ્રભુ ગલી પર સ્થિત એક ઇમારતની સીડીનો ભાગ તૂટી પડ્યો હતો. આ દુર્ઘટના ચિરાબજારના મરીન લાઇન્સ (Marine Lines) રેલવે સ્ટેશન પાસે, પ્રભુ ગલીમાં, બિલ્ડીંગ નંબર ૧૪/૧૬ માં બની હતી. આ ઘટના રવિવારે સાંજે ૭.૪૩ વાગ્યે બની હોવાનું જાણવા મળ્યું હતું.
ડિઝાસ્ટર મેનેજમેન્ટ (Disaster Management)ના નિવેદનમાં જણાવાયું છે કે, આ ઘટનાની જાણ કરનાર ફોન કરનારના જણાવ્યા મુજબ, બીજા માળે કેટલાક લોકો ફસાયેલા હતા. મુંબઈ ફાયર બ્રિગેડ (Mumbai Fire Brigade), મુંબઈ પોલીસ (Mumbai Police) અને સ્થાનિક વોર્ડ ઓફિસના કર્મચારીઓને સ્થળ પર તૈનાત કરવામાં આવ્યા હતા. આ સ્ટેટમેન્ટમાં વધુમાં જણાવાયું છે કે, ‘બીજા માળે ફસાયેલા ત્રણ રહેવાસીઓને મુંબઈ ફાયર બ્રિગેડ દ્વારા બચાવી લેવામાં આવ્યા હતા. રાત્રે ૧૦.૨૦ વાગ્યે જીટી હોસ્પિટલ (GT Hospital)થી મળેલી માહિતી મુજબ, ત્રણેયની હાલત સ્થિર છે.’
જીટી હોસ્પિટલના રેસિડેન્ટ મેડિકલ ઓફિસર ડૉ. ગોકુલના જણાવ્યા અનુસાર, આ ઘટનામાં ત્રણ લોકો ઘાયલ થયા છે. તેમની હાલત સ્થિર હોવાનું કહેવાય છે. ઘાયલોની ઓળખ પરેશ સોસાટે (૩૦ વર્ષ), પરાગ નાઝીજકા (૪૦ વર્ષ) અને દમયંતી રાઠોડ (૭૦ વર્ષ) તરીકે થઈ છે.
મુંબઈ ફાયર બ્રિગેડ, મુંબઈ પોલીસ, 108 એમ્બ્યુલન્સ સેવાઓ અને વોર્ડ સ્ટાફને સ્થળાંતરમાં મદદ કરવા અને તબીબી સહાય પૂરી પાડવા માટે સ્થળ પર મોકલવામાં આવ્યા છે. હાલમાં બચાવ કામગીરી ચાલી રહી છે.
અધિકારીઓ સલામતી માટે ઇમારતનું મૂલ્યાંકન કરી રહ્યા છે અને તૂટી પડવાનું કારણ શોધી રહ્યા છે. જોકે, હજી સુધી એ વાતની પુષ્ટિ થઈ નથી કે ઇમારત જર્જરિત હાલતમાં હતી કે તેને રહેવા માટે અસુરક્ષિત જાહેર કરવામાં આવી હતી કે પછી સતત વરસાદને કારણે આ દુર્ઘટના બની હતી. એવું કહેવાઈ રહ્યું છે કે એ ઇમારતની બાજુની ઇમારતોનું રીડેવલપમેન્ટનું કામ ચાલી રહ્યું હોવાથી પાઇલિંગ વર્ક થઈ રહ્યું છે. એથી એના જે આંચકા લાગે એના કારણે આ ઇમારત નબળી પડી ગઈ હતી અને દાદરાનો ભાગ તૂટી પડ્યો હતો.
આ દુર્ઘટના મામલે વધુ તપાસ ચાલી રહી છે.
રાઇટ ટુ ઇર્ન્ફોમેશન (RTI) કાર્યકર્તા જિતેન્દ્ર દાગડે (Jitendra Dagde)ના જણાવ્યા અનુસાર, ઇમારતમાં ૧૭ ભાડૂઆતો રહેતા હતા, જેમાંથી તમામને સ્થાનિક રહેવાસીઓ અને ફાયર બ્રિગેડના કર્મચારીઓ દ્વારા સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા.
આ મકાન ધરાશાયી થવાની માહિતી મળતાં, શિવસેના (Shiv Sena) શાખા પ્રમુખ નિલેશ ભોઇટે (Nilesh Bhoite), વિભાગ પ્રમુખ દિલીપ નાઈક (Dilip Naik), યુવા સેના કારોબારી સભ્ય રુચી વાડકર (Ruchi Wadkar) અને ઉપાશાખા પ્રમુખ કાર્તિક નંદોલા (Kartik Nandola) ઘટનાસ્થળે દોડી ગયા હતા અને અસરગ્રસ્ત પરિવારોને આશ્વાસન આપ્યું હતું. તેમણે મ્હાડા (MHADA)ના કાર્યકારી ઇજનેર બિરાજદાર સાથે પણ ચર્ચા કરી હતી, અને સોમવાર સવારથી તમામ રહેવાસીઓને ટ્રાન્ઝિટ કેમ્પમાં ખસેડવાની તાત્કાલિક વ્યવસ્થા કરવા વિનંતી કરી હતી.