28 May, 2025 10:56 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
હિન્દુજા હૉસ્પિટલની પાછળના ભાગમાં આવેલા સમુદ્રમાં એક બાર્જ વહી ગયું (તસવીર :આશિષ રાજે)
સોમવારે મુંબઈમાં પડેલા ભારે વરસાદને લીધે માહિમમાં હિન્દુજા હૉસ્પિટલની પાછળના ભાગમાં આવેલા સમુદ્રમાં એક બાર્જ વહી ગયું હતું. આ બાર્જને ગઈ કાલે બાંદરા-વરલી સી-લિન્ક પાસે સમુદ્રમાંથી બહાર કાઢવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો. ગઈ કાલે બપોરે સમુદ્રમાં ઓટ હતી એટલે બાર્જને કિનારા સુધી લાવવા માટે ખૂબ મુશ્કેલી થઈ હતી.
થાણે જિલ્લામાં વીજળી પડવાને કારણે મહિલાનું મોત
થાણે જિલ્લાના શહાપુર તાલુકામાં આવેલા છાટુ બુદ્રુક ગામમાં સોમવારે વીજળી પડવાને કારણે ૫૧ વર્ષની સનંદા પડવળનું મૃત્યુ થયું હતું. સોમવારે બપોરે તે તેના ઘરની પાછળ આવેલા વાડામાં હતી ત્યારે તેના પર વીજળી પડી હતી. તેને થાણેની સિવિલ હૉસ્પિટલમાં લઈ જવામાં આવી હતી જ્યાં ડૉક્ટરોએ તેને તપાસીને મૃત જાહેર કરી હતી. સ્થાનિક પોલીસે ઍક્સિડેન્ટલ ડેથ રિપોર્ટ નોંધીને વધુ કાર્યવાહી કરી હતી. તેમણે કહ્યું હતું કે વીજળી પડવાને કારણે મૃત્યુ થયું હોવાની આ મહિનાની એ ચોથી ઘટના હતી.
ઇન્ડિયન આર્મીના બાવીસ પર્વતારોહકોએ સર કર્યો માઉન્ટ એવરેસ્ટ
ઇન્ડિયન આર્મીએ ગઈ કાલે બપોરે સોશ્યલ મીડિયા પર જાહેરાત કરી હતી કે એના બાવીસ જવાનોએ વિશ્વના સૌથી ઊંચા માઉન્ટ એવરેસ્ટને સર કર્યો છે.