06 February, 2026 07:29 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મુંબઈ-પુણે એક્સપ્રેસવે
મુંબઈ-પુણે એક્સપ્રેસવે પર મંગળવારે સાંજે પાંચ વાગ્યે ગૅસ-ટૅન્કર પલટી ગયું હતું એને આખરે બુધવારની મધરાત પછી ૧.૪૬ વાગ્યે હટાવવામાં આવ્યું હતું અને ટ્રાફિક શરૂ કરવામાં આવ્યો હતો. આ ઘટનાને પગલે એક્સપ્રેસવે પર લગભગ ૨૦ કિલોમીટર લાંબો ટ્રાફિક જૅમ થયો હતો. મહારાષ્ટ્ર સ્ટેટ રોડ ડેવલપમેન્ટ કૉર્પોરેશન (MSRDC)ના અધિકારીના જણાવવા મુજબ ૩૩ કલાક બાદ ખંડાલા ઘાટ વિસ્તારમાં ટ્રાફિક નૉર્મલ થયો હતો. ઘાટ વિસ્તારમાં આડોશી ટનલ નજીક અત્યંત જ્વલનશીલ પ્રોપિલિન ગૅસ લઈ જતા ટૅન્કરને અકસ્માત-સ્થળથી દૂર કર્યા બાદ મુંબઈ તરફ જતા કૅરેજ-વે પર બુધવારે મોડી રાતે ૧.૪૬ વાગ્યે ટ્રાફિક ફરી શરૂ થયો હતો.
બુધવારે મોડી રાત્રે ટૅન્કરમાંથી પ્રોપિલિન ગૅસને સુરક્ષિત રીતે અન્ય ટૅન્કરમાં ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો અને હેવી-ડ્યુટી ક્રેનની મદદથી અકસ્માતગ્રસ્ત ટૅન્કરને હટાવવામાં આવ્યું હતું. ક્લિયરન્સની કામગીરી પૂરી થયા પછી ઘાટ વિભાગમાં વાહનોની અવરજવર ધીમે-ધીમે સામાન્ય થઈ હતી. જોકે કેટલાંક ભારે વાહનો આ માર્ગ પર અટવાઈ ગયાં હોવાથી થોડા સમય માટે વાહનોની ભીડ રહી હતી.
દોઢ દિવસ સુધી મુસાફરોને રઝળપાટ કરાવ્યા બાદ ગુરુવારે સવારે ૭.૩૦ વાગ્યે અમૃતાંજન બ્રિજ પાસે કેટલાંક ભારે વાહનોમાં બ્રેકડાઉન થતાં ઘાટ વિભાગમાં અવરજવર ફરી ધીમી પડી ગઈ હતી. ભારે ટ્રાફિક જૅમ અને લોકોના રોષને કારણે MSRDCએ એક્સપ્રેસવે પર ટોલ વસૂલવાનું થોડા સમય માટે બંધ કર્યું હતું.
નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ મુંબઈ-પુણે એક્સપ્રેસવે પર થયેલા ભારે ટ્રાફિક જૅમની ગંભીર નોંધ લીધી છે અને આવી ઘટનાઓનું પુનરાવર્તન અટકાવવા માટે ખાસ ઇમર્જન્સી ટ્રાફિક મૅનેજમેન્ટ સિસ્ટમ તૈયાર કરવાનો અધિકારીઓને નિર્દેશ આપ્યો છે. એક્સપ્રેસવે પર ઊંધા પડેલા ગૅસ-ટૅન્કરમાંથી જ્વલનશીલ પ્રોપિલિન ગૅસ લીક થયો હતો જેને કારણે મોટી દુર્ઘટના ટાળવા માટે પાંચ કિલોમીટર સુધી ટ્રાફિક બંધ રાખવો પડ્યો હતો. MSRDC દ્વારા નૅશનલ ડિઝૅસ્ટર રિસ્પૉન્સ ફોર્સ ઉપરાંત ભારત પેટ્રોલિયમ, હિન્દુસ્તાન પેટ્રોલિયમ અને રિલાયન્સના નિષ્ણાતોને પણ બોલાવવામાં આવ્યા હતા.
ટ્રાફિક સામાન્ય ન થાય ત્યાં સુધી એક્સપ્રેસવે પર ટોલની વસૂલાત બંધ રાખવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો. ઘટના બાદ એકનાથ શિંદેએ મુંબઈ-પુણે મિસિંગ લિન્ક પ્રોજેક્ટ વહેલી તકે પૂરો કરવામાં આવે એવો નિર્દેશ પણ આપ્યો છે. તેમણે કહ્યું કે આ પ્રોજેક્ટ મુસાફરીનો સમય ઘટાડવાની સાથે ઇમર્જન્સીમાં વૈકલ્પિક માર્ગ પણ પૂરો પાડશે. એકનાથ શિંદેએ MSRDC અને પોલીસ-અધિકારીઓ સાથે વિગતવાર ચર્ચા કરીને એક્સપ્રેસવે માટે તાત્કાલિક ઇમર્જન્સી રિસ્પૉન્સ પ્લાન તૈયાર કરવાનો નિર્દેશ આપ્યો હતો.