મુંબઈના પૉશ વિસ્તારમાં ૮.૭ કરોડ રૂપિયામાં મળે ૯૯ ચોરસ મીટર જગ્યા

08 March, 2025 03:25 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

જગતમાં સૌથી મોંઘું મોનૅકો છે જ્યાં ૧ મિલ્યન ડૉલરમાં મળે માત્ર ૧૯ ચોરસ મીટર જગ્યા

મુંબઈ, મોનૅકો

મુંબઈમાં કોઈ ખરીદદાર પાસે એક મિલ્યન ડૉલર એટલે કે ૮.૭ કરોડ રૂપિયા હોય તો તેને મુંબઈના પ્રાઇમ રેસિડેન્શિયલ એરિયામાં માત્ર ૯૯ ચોરસ મીટર જગ્યા મળી શકે છે. આટલા જ રૂપિયામાં દિલ્હીમાં ૨૦૮ ચોરસ મીટર અને બૅન્ગલોરમાં ૩૭૦ ચોરસ મીટર જગ્યા મળી શકે છે.

પ્રૉપર્ટી કન્સલ્ટિંગ ફર્મ નાઇટફ્રૅન્ક દ્વારા આપવામાં આવેલા લેટેસ્ટ વેલ્થ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે એક દસકામાં મુંબઈમાં પ્રૉપર્ટી મોંઘી થઈ છે એટલે ૧૦ વર્ષ પહેલાં મળતી હતી એનાથી ૨.૬ ટકા જગ્યા ઓછી મળે છે. બીજી તરફ દિલ્હી અને બૅન્ગલોરમાં અનુક્રમે ૧૧ ટકા અને ૯ ટકા વધારે જગ્યા મળી શકે છે. જોકે આ બે શહેરોમાં જગ્યાના ભાવમાં છેલ્લાં ૧૦ વર્ષમાં અનુક્રમે ૧૩ અને ૧૪ ટકાનો વધારો થયો છે.

નવાઈની વાત એ છે કે દુનિયામાં વેસ્ટર્ન યુરોપમાં આવેલા મોનૅકોમાં એક મિલ્યન ડૉલરમાં માત્ર ૧૯ ચોરસ મીટર જગ્યા ખરીદી શકાય છે. ત્યાર બાદ હૉન્ગકૉન્ગમાં બાવીસ ચોરસ મીટર અને સિંગાપોરમાં ૩૨ ચોરસ મીટર જગ્યા ખરીદી શકાય છે. દુનિયામાં જે શહેરોમાં જગ્યાના ભાવ મોંઘા છે એમાં સાઉથ કોરિયાનું સોલ શહેર, ફિલિપીન્સનું મનીલા, યુનાઇટેડ આરબ એમિરેટ્સનું દુબઈ, સાઉદી અરેબિયાનું રિયાધ અને જપાનનું ટોક્યો શહેર છે.

mumbai real estate new delhi bengaluru news mumbai news