મુંબઈ: મુલુંડના જૈન અગ્રણીનો મૃતદેહ રેલવેના પાટા પરથી મળ્યો

27 May, 2019 07:30 AM IST  |  મુંબઈ | પ્રકાશ બાંભરોલિયા

મુંબઈ: મુલુંડના જૈન અગ્રણીનો મૃતદેહ રેલવેના પાટા પરથી મળ્યો

પ્રતીકાત્મક તસવીર

મુલુંડના જૈન અગ્રણીનો મૃતદેહ મુલુંડ રેલવે સ્ટેશન નજીક શનિવારે સાંજે રહસ્યમય સંજોગોમાં મળી આવતાં ખળભળાટ મચી ગયો હતો. અંતરિક્ષ બિલ્ડિંગના ૧૮મા માળે રહેતા બોલબેરિંગ્સના વ્યવસાયી સાડા ત્રણ વાગ્યે ઘરેથી નીકળ્યા બાદ ગણતરીની મિનિટોમાં જ એમના મૃત્યુના સમાચાર આવ્યા હતા. કુર્લા રેલવે પોલીસે આકસ્મિક મૃત્યુનો કેસ નોંધીને આગળની તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું હતું.

પોલીસના જણાવ્યા મુજબ મુલુંડ (પશ્ચિમ)માં મુરાર રોડ પર આવેલા અંતરિક્ષ ટાવરના ૧૮મા માળે રહેતા બોલબેરિંગ્સના જૈન વ્યવસાયી કેતન મનસુખલાલ દોશીનું શનિવારે સાંજે પાંચેક વાગ્યે મુલુંડ રેલવે સ્ટેશન પાસેથી પસાર થઈ રહેલી કન્યાકુમારી એક્સપ્રેસની અડફેટે આવતાં ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું.

રેલવેના પાટા પાસે મૃતદેહ પડ્યો હોવાની જાણ કરાયા બાદ રેલવે પોલીસે પોસ્ટમોર્ટમ કરવા માટે રાજાવાડી હૉસ્પિટલમાં મોકલી આપીને એમના પરિવારજનોને જાણ કરી હતી. કુર્લા રેલવે પોલીસે જણાવ્યું હતું કે આ ઘટના શનિવારે સાંજે ૪.૫૦ વાગ્યે બની હતી.

સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું કે કેતનભાઈ સફળ બિઝનેસમૅન હતા. એમનો એક દીકરો અમેરિકામાં સેટલ થયો છે અને બીજાની સાથે તેઓ અંતરિક્ષ ટાવરમાં રહેતા હતા. બોલબેરિંગ્સનો એમનો વ્યવસાય પણ સારો ચાલતો હતો. પૈસૈ-ટકે પણ તેઓ સુખી હોવા છતાં એમણે આવું પગલું શા માટે ભર્યું હશે એ જાણી શકાયું નથી. અંતરિક્ષ ટાવરમાં રહેતાં કેટલાક લોકોએ કેતનભાઈને સાડાત્રણ વાગ્યે સોસાયટીની બહાર જતાં જોયા હતા ત્યારે એમને કલ્પનાય નહોતી કે થોડા સમય બાદ એમના મૃત્યુના સમાચાર આવશે. કેતનભાઈ જૈન સમાજના અગ્રણી હતા અને અનેક ટ્રસ્ટો સાથે જોડાયેલા હોવાનું જાણવા મળ્યું હતું.

કુર્લા રેલવે પોલીસે કેતન દોશીના આકસ્મિક મૃત્યુનો મામલો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે. પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ ગાયકવાડે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ટ્રેનની અડફેટે આવતાં મૃત્યુ થવાથી સૌ પ્રથમ અમે આકસ્મિક મૃત્યુનો કેસ નોંધીએ છીએ. તપાસમાં કંઈ શંકાસ્પદ લાગે અથવા સ્યુસાઈડ નોટ હાથ લાગે તો ગુનાની કલમમાં ફેરફાર કરવામાં આવે છે.’

આ પણ વાંચો : ભીખ માગવાના બહાને ઘરમાંથી મોબાઇલ અને રોકડની ચોરી કરતી બે મહિલાની ધરપકડ

આકસ્મિક રીતે મૃત્યુ પામેલા કેતન મનસુખલાલ દોશીની પ્રાર્થનાસભા મંગળવારે સાંજે ૪થી ૫ દરમ્યાન મુલુંડના કાલિદાસ ઑડિટોરિયમમાં રાખવામાં આવી હોવાનું જાણવા મળ્યું હતું.

mulund mumbai mumbai news