Mumbai Police: આવતા બે દિવસ મુંબઈ માટે ભારે? મુંબઈ પોલીસને ધમકીનો ઈમેલ – મોટા બોમ્બ બ્લાસ્ટનો દાવો કરાયો!

14 May, 2025 07:02 AM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Mumbai Policeને આવેલા આ અજાણ્યા ઈમેલમાં બોમ્બ વિસ્ફોટ ક્યારે અને ક્યાં થશે તેનો કોઈ સમય બતાવવામાં આવ્યો નથી.

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

Mumbai Police:  હાલમાં ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવભરી સ્થિતિ ચાલી રહી છે. ખાસ કરીને મોટા શહેરો અત્યારે હાઇ અલર્ટ પર પણ છે જ. ભલે યુદ્ધ વિરામની સ્થિતિ લાગુ હોય છતાં દેશમાં સતર્કતા તો જારી જ છે. કારણકે આતંકીઓનો વિશ્વાસ થાય નહિ. 

મુંબઈ તો મોટેભાગે આતંકીઓના ટાર્ગેટમાં જ રહ્યું છે. એ વચ્ચે મુંબઈ પોલીસને ધમકીભર્યો ઈમેલ આવ્યો છે. જેમાં અજાણ્યા શખ્સે એવો દાવો કર્યો છે કે આગામી એક-બે દિવસમાં જ મુંબઈમાં મોટો બોમ્બ બ્લાસ્ટ થવાનો છે. 

આ અજાણ્યા ઈમેલમાં વિસ્ફોટ ક્યારે અને ક્યાં થશે તેનો કોઈ સમય બતાવવામાં આવ્યો નથી. હાલમાં આ મેઇલ સંબંધિત તમામ માહિતી પોલીસને આપવામાં આવી છે. હવે મેઇલ મોકલનાર વ્યક્તિની શોધ ચાલુ છે.

આજે મહારાષ્ટ્ર પોલીસ કંટ્રોલ રૂમને (Mumbai Police) મળેલા આ અનામી ઇમેઇલમાં આગામી 48 કલાકમાં સંભવિત બોમ્બ વિસ્ફોટની ધમકી આપવામાં આવી છે. ગમે તે હોય પણ આ ઈમેલને અવગણી તો ન જ શકાય એવી સલાહ અધિકારીઓને આપવામાં આવી છે. હાલમાં આ મુદ્દાની તપાસ ચાલી રહી છે અને આ ઈમેલ મોકલનાર છે કોણ તેની તપાસ કરવામાં આવી રહી છે. 

આ ઈમેલ તેવે સમયે આવ્યો છે જ્યારે એકબાજુ દેશમાં પહલગામ આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધ્યો છે. ઓપરેશન સિંદૂર બાદ હાલમાં યુદ્ધવિરામ લાગુ છે છતાં ગમે ત્યારે કોઈપણ બનાવ બની શકે તેની માટે દેશનું તંત્ર સજ્જ છે. દેશભરના મુખ્ય શહેરોમાં સુરક્ષા પગલાં વધુ કડક (Mumbai Police) કરવામાં આવ્યા છે. આજે ઇંડિગો અને એર ઈન્ડિયાની ઘણી ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે.

ગઇકાલે જ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે ભારત અને પાકિસ્તાન વચ્ચે વધતા તણાવને ધ્યાનમાં રાખીને સશસ્ત્ર દળોના અધિકારીઓ સાથે ઉચ્ચ સ્તરીય સુરક્ષા બેઠક યોજી હતી. રાજ્યએ સાયબર સુરક્ષા અને ભારતના નાણાકીય કેન્દ્ર મુંબઈની સુરક્ષા પર ધ્યાન કેન્દ્રિત કરીને રાજ્ય અને કેન્દ્રીય એજન્સીઓ વચ્ચે સહયોગ અને ગુપ્ત માહિતીની વહેંચણી વધારવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.

મે મહિનાની શરૂઆતમાં મુંબઈ પોલીસ (Mumbai Police)ને એક ફોન આવ્યો હતો જેમાં આવા જ વિસ્ફોટની ધમકી આપવામાં આવી હતી. ફોન કરનાર આરોપીએ કહ્યું હતું કે અંધેરી પૂર્વના એક ફ્લેટમાં એક બેગ છે અને તેમાં બોમ્બ રાખવામાં આવ્યો છે. જો કે આ કૉલ બાદ પોલીસ વિભાગમાં સજ્જ થઈ ગયું હતું અને આ બાબતને ગંભીરતાથી લેતાં તપાસ કરવામાં આવી હતી. જો કે તપાસને અંતે એવું જાણવા મળ્યું હતું કે આ કૉલ ખોટો હતો. આ કૉલ કરનાર આરોપી માનસિક બીમારીથી પીડિત હતો. તેથી પોલીસે તેની ધરપકડ કાર્યવાહી કરી ન હતી.

mumbai police mumbai mumbai news Crime News mumbai crime news mumbai crime branch ind pak tension