Mumbai: કૅશ વૅનમાંથી ૨ કરોડની લૂંટ- આરોપીએ તો પોલીસને પણ ચોંકાવ્યા

17 September, 2025 12:16 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Mumbai: કૅશ વૅન ગિરગાંવ વિસ્તારમાંથી પસાર થઈ રહી હતી. આ વૅનમાં એક પ્રાઇવેટ ફાઇનાન્સ કંપનીના કરોડો રૂપિયા મૂકવામાં આવ્યા હતા.

પ્રતીકાત્મક તસવીર

તાજેતરમાં જ મુંબઈ (Mumbai)માં એક મોટી ચોરીની ઘટના બની હતી. ગિરગાંવમાં ૧૧ સપ્ટેમ્બરે એક પ્રાઇવેટ ફાયનાન્સ કંપનીની કૅશ વૅનમાંથી ૨ કરોડ રૂપિયા સેરવી લેવામાં આવ્યા હતા. આ લૂંટ કરીને તમામ આરોપી નાસી ગયા હતા. જોકે, શરુઆતમાં તો પોલીસને એમ જ લાગ્યું હતું કે માત્ર પચાસ લાખ રૂપિયા જ લુંટવામાં આવ્યા છે પણ જેમ જેમ તપાસ કરાતી ગઈ તેમ ખબર પડી કે આ તો બે કરોડ જેટલી રકમની ચોરી કરાઈ છે.

ડ્રાઈવરે કહ્યું કે મને હથિયાર બતાડીને લૂંટ કરાઈ હતી

Mumbai: એક અહેવાલ અનુસાર આ ચોરીની ઘટના મુંબઈના ગિરગાંવ વિસ્તારમાં બની હતી કે જ્યાં લોકોની સખત ભીડ હતી. અહીં એક કૅશ વૅન પસાર થઈ રહી હતી. આ વૅનમાં એક પ્રાઇવેટ ફાઇનાન્સ કંપનીના કરોડો રૂપિયા મૂકવામાં આવ્યા હતા. પણ, થોડીક જ વારમાં તો હચમચાવનારા સમાચાર આવ્યા કે કેટલાંક આરોપીઓએ ડ્રાઈવરને હથિયાર બતાવીને ધમકાવી નાખ્યો હતો અને ત્યારબાદ વૅનમાંથી રોકડ ભરેલી બેગ લૂંટી લઈને ભાગી ગયા હતા. આ કૅશ વૅનના ડ્રાઈવરે પાછળથી જણાવ્યું હતું કે બદમાશોએ બંદૂક દેખાડીને તેને ધમકાવ્યો હતો અને પૈસા લઈને ભાગી ગયા હતા. આ માહિતી મળતાં જ મુંબઈ પોલીસ તપાસમાં જોતરાઈ ગઈ હતી.

જેમ જેમ તપાસ કરાતી ગઈ તેમ તેમ આ કેસમાં નવા નવા વળાંક આવતા ગયા. તાજેતરમાં જ હવે આ કેસમાં નવી જ માહિતીનો ખુલાસો થયો છે. જ્યારે મુંબઈ પોલીસે (Mumbai) સીસીટીવી ફૂટેજ તપાસવાની શરુઆત કરી ત્યારે ઘણી ચોંકાવનારી માહિતી સામે આવી. જ્યારે કોલ રેકોર્ડ્સ ચેક કરવામાં આવ્યા ત્યારે જણાવ્યું હતું કે આ આખી લૂંટ પાછળ વૅનના ડ્રાઇવરનો જ હાથ છે. જેણે સૌ પ્રથમ પોલીસને શક ન થાય એ માટે પોતાને પીડિત ગણાવ્યો પણ પાછળથી જાણવા મળ્યું કે આ લૂંટ પાછળ તેનો જ હાથ છે. 

મુંબઈ (Mumbai) ક્રાઈમ બ્રાન્ચે આ કેસમાં થાણેના મુંબ્રા વિસ્તારમાંથી અબ્દુલ રહીમ શેખની ઇન્દોરથી ધરપકડ કરી છે. આ સાથે જ તેની પૂછપરછ પણ કરાઈ છે. જેમાં અન્ય આરોપીઓના નામ પણ સામે આવ્યા છે. બૈજનાથ યાદવ કે જે આ કૅશ વૅનનો ડ્રાઇવર હતો. પોલીસે તેની મુંબઈથી ધરપકડ કરી હતી, તેને કોર્ટે 22 સપ્ટેમ્બર સુધી પોલીસ કસ્ટડીમાં મોકલી દીધો છે.

પોલીસ અધિકારીએ આ ઘટના વિષે વાત કરતા જણાવ્યું હતું કે અમે કલમ ૩૦૫ હેઠળ કેસ નોંધ્યો છે. અને ભારતીય ન્યાય સંહિતાની કલમ ૩૦૯ પણ લગાવી છે. હાલ આરોપીઓની પૂછપરછ કરવામાં આવી રહી છે અને આ લૂંટ કંપનીના અંદરના જ કોઈએ કરાવી હોવાની શંકા છે.

mumbai news mumbai girgaon Crime News mumbai crime branch crime branch mumbai crime news mumbai police