હવે ડાયરેક્ટ મળો પોલીસ કમિશનરને

08 August, 2025 07:00 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

દર મંગળવારે પોલીસ હેડક્વૉર્ટરમાં દેવેન ભારતીનો યોજાશે જનતા દરબાર

મુંબઈ પોલીસના હેડક્વૉર્ટરમાં મંગળવારે યોજાયેલો જનતા દરબાર.

મુંબઈના પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ કરવા તેમ જ બીજાં કામ માટે જતા નાગરિકોને અમુક સમયે અધિકારીઓના ખરાબ અનુભવ થાય છે. કેટલાક કિસ્સામાં ફરિયાદ પણ નોંધવામાં આવતી નથી ત્યારે લોકોની સુવિધા માટે મુંબઈના પોલીસ કમિશનર દેવેન ભારતીએ જનતા દરબાર શરૂ કર્યો છે. દર મંગળવારે સાડાત્રણ વાગ્યાથી તેઓ લોકોની ફરિયાદ સાંભળવા મુંબઈ પોલીસના હેડક્વૉર્ટરમાં ઉપલબ્ધ રહેશે. લોકોએ આ જનતા દરબારમાં આવવા માટે અગાઉથી કોઈ અપૉઇન્ટમેન્ટ લેવાની જરૂર નથી પડતી એવી સ્પષ્ટતા કરવામાં આવી છે. આ પહેલનો હેતુ ફક્ત ફરિયાદોનું નિરાકરણ કરવાનો નથી, મુંબઈગરાઓને પોતાનો મુદ્દો રજૂ કરવા માટે એક સુલભ અને પારદર્શક પ્લૅટફૉર્મ મળે એ સુનિશ્ચિત કરવાનો પણ છે એમ કમિશનર દેવેન ભારતીએ સોશ્યલ મીડિયાના માધ્યમથી જણાવ્યું હતું.

દેવેન ભારતીની આ પહેલ પછી મુંબઈગરાઓ હવે જરૂર પડ્યે ઉચ્ચ સ્તરે પોતાની ફરિયાદ કરી શકશે. જનતા દરબારમાં આવતી ફરિયાદનો તાત્કાલિક ઉકેલ લાવવા માટે બીજા પણ સિનિયર અધિકારીઓ હાજર રહેશે એટલું જ નહીં, આવતી તમામ ફરિયાદ સંબંધિત પોલીસ-સ્ટેશનોને પણ મોકલવામાં આવશે એને લીધે સામાન્ય લોકો કોઈ પણ ઔપચારિકતા વિના પોતાની ફરિયાદ સીધી પોલીસ-કમિશનર સુધી પહોંચાડી શકશે.

મુંબઈ પોલીસમાં ઘણા સમય પછી એવું બન્યું છે કે મુંબઈ પોલીસના ઉચ્ચ અધિકારી આ રીતે જનતા માટે સીધા ઉપલબ્ધ રહેશે. આ દરબારમાં કોઈ પણ વ્યક્તિ સીધી પોલીસ-કમિશનરને મળી શકે છે અને પોતાનો મુદ્દો રજૂ કરી શકે છે.

mumbai police news mumbai mumbai news maharashtra government