Mumbai: પરમબીર સિંહની મુશ્કેલીઓ વધી, 3 કેસમાં CBIએ શરૂ કરી તપાસ

27 April, 2022 08:13 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

સુપ્રીમ કોર્ટના આદેશ પર, સીબીઆઈએ મહારાષ્ટ્ર પોલીસમાં પરમબીર સિંહ વિરુદ્ધ નોંધાયેલા પાંચ કેસ પોતાના હાથમાં લીધા હતા

ફાઇલ તસવીર

મુંબઈના પૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહની મુશ્કેલીઓ વધી રહી છે. સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI)એ પરમબીર સિંહ વિરુદ્ધ ખંડણી, લાંચ અને ભ્રષ્ટાચારના આરોપમાં 3 અલગ-અલગ તપાસ શરૂ કરી છે. આમાં જીતેન્દ્ર નવલાણી અને પૂર્વ પોલીસ અધિકારી પ્રદીપ શર્માના નામ પણ સામેલ છે. જણાવી દઈએ કે જીતેન્દ્ર નવલાણી એક બિઝનેસમેન છે. સંજય રાઉતના કહેવા પ્રમાણે, તે ખંડણીના કેસમાં પણ સામેલ હતો. તે જ સમયે, પૂર્વ પોલીસ અધિકારી પ્રદીપ શર્માની એન્ટિલિયા બોમ્બ કેસ સંબંધિત ધમકીના કેસમાં ધરપકડ કરવામાં આવી હતી.

તાજેતરમાં, સુપ્રીમ કોર્ટના આદેશ પર, સીબીઆઈએ મહારાષ્ટ્ર પોલીસમાં પરમબીર સિંહ વિરુદ્ધ નોંધાયેલા પાંચ કેસ પોતાના હાથમાં લીધા હતા. પ્રાથમિક તપાસમાં પરમબીર સિંહની સાથે સીબીઆઈએ પૂર્વ પોલીસ અધિકારી પ્રદીપ શર્માને પણ આરોપી બનાવ્યો છે. શર્માની તપાસ એજન્સીએ એન્ટીલિયા બોમ્બ ધમકી કેસમાં ધરપકડ કરી હતી. ફરિયાદ અનુસાર, સામાજિક કાર્યકર્તા રાકેશ અરોરાએ આરોપ લગાવ્યો હતો કે પરમબીર સિંહ અને પ્રદીપ શર્મા મહારાષ્ટ્રના થાણેમાં જુગાર ક્લબના માલિકો પાસેથી લાંચ લેવાના ભ્રષ્ટાચારના કેસમાં સામેલ હતા.

અન્ય એક કેસમાં સીબીઆઈ પરમબીર સિંહની સાથે બિઝનેસમેન જીતુ નવલાનીની પણ પૂછપરછ કરશે. આરોપો અનુસાર, પરમબીર સિંહે જીતુ નવલાની દ્વારા રિયલ એસ્ટેટમાં રૂા. 1000 કરોડથી વધુનું રોકાણ કર્યું હતું અને અન્ય બિઝનેસમાં ગેરકાયદેસર માધ્યમોથી હજારો કરોડ રૂપિયાનું રોકાણ કર્યું હતું. નવલાની એ જ વ્યક્તિ છે જેનું નામ શિવસેનાના સાંસદ સંજય રાઉતે તાજેતરમાં એક પ્રેસ કોન્ફરન્સમાં લીધું હતું.

રાઉતે આરોપ લગાવ્યો હતો કે નવલાની કેન્દ્રીય તપાસ એજન્સીના અધિકારીઓને બિઝનેસ જૂથો પાસેથી ખંડણી વસૂલવામાં મદદ કરી રહ્યો હતો. ત્રીજી પ્રાથમિક તપાસ પરમબીર સિંહ સાથે સંબંધિત ભ્રષ્ટાચાર અને સત્તાના દુરુપયોગના કેસમાં છે. આરોપોની ચકાસણી કર્યા બાદ, જો તે સાચા હોવાનું જણાશે તો સીબીઆઈ પ્રારંભિક તપાસને એફઆઈઆરમાં ફેરવી શકે છે.

mumbai mumbai news param bir singh central bureau of investigation supreme court