18 August, 2025 01:39 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક ફાઈલ તસવીર
પરેલની એક પ્રાઇવેટ હૉસ્પિટલના ૩૫ વર્ષના ઑર્થોપેડિક સર્જ્યનને ઇન્સ્ટાગ્રામ પર મેડિકલ સ્ટુડન્ટ તરીકે મળેલી યુવતીએ પોતાની નગ્ન તસવીરો મોકલીને ડૉક્ટરને ફસાવ્યો હતો. ત્યાર બાદ તેને બ્લૅકમેલ કરીને ૯૫ લાખ પડાવી લીધા.
પોલીસે નોંધેલી ફરિયાદ મુજબ સૌમ્યા અવસ્થી નામની યુવતીએ ડૉક્ટરને ઇન્સ્ટાગ્રામ પર ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી હતી. ચંડીગઢની જ્ઞાનસાગર મેડિકલ કૉલેજની સ્ટુડન્ટ તરીકે ઓળખ આપીને તેણે ડૉક્ટર સાથે દોસ્તી કરી લીધી. ત્યાર બાદ યુવતીએ તેના નગ્ન ફોટો ડૉક્ટરને મોકલ્યા અને મુંબઈ આવીને ડૉક્ટરને મળવાનો વાયદો કરીને ડૉક્ટરના નગ્ન ફોટો પણ મગાવ્યા હતા.
યુવતીએ ડૉક્ટરને એક લિન્ક મોકલીને કહ્યું કે તેનું વૉટ્સઍપ અકાઉન્ટ હૅક થયું છે અને હૅકર તેની પાસેથી ૨.૫ કરોડ રૂપિયાના બિટકૉઇનની માગણી કરે છે. જો તે પૈસા નહીં મોકલે તો હૅકર તેના નગ્ન ફોટો અને પ્રાઇવેટ ચૅટ જાહેર કરી દેશે. બદનામીના ડરે ડૉક્ટરે જુદા-જુદા અકાઉન્ટમાંથી યુવતીને કુલ ૯૪.૪૭ લાખ રૂપિયા ટ્રાન્સફર કર્યા. ટ્રાન્સફર દરમિયાન અકાઉન્ટ હોલ્ડરનું નામ સૌમ્યાને બદલે જસ્મીન કૌર આવતાં ડૉક્ટરને શંકા થઈ હતી. તપાસ કરતાં યુવતી અન્ય યુવતીનું અકાઉન્ટ યુઝ કરીને છેતરપિંડી કરી હોવાનું જણાયું હતું. તેથી તાત્કાલિક તેમણે સાઇબર પોલીસને ફરિયાદ કરી હતી. પોલીસે આ કેસમાં વધુ તપાસ હાથ ધરી છે.