સખત તડકામાં વૃદ્ધ પોલીસ ઑફિસરને ડ્યૂટિ કરતા જોઈ CM શિંદેએ કમિશનરને તરત કર્યો ફોન

18 May, 2023 03:19 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

મુખ્યમંત્રી એકનાથ શિંદેએ (Eknath Shinde) બુધવારે નિર્દેશ આપ્યા કે 55 વર્ષથી વધારેની ઊંમરના ટ્રાફિક પોલીસ કર્મચારીઓને રોડ ડ્યૂટિ માટે તૈનાત ન કરવામાં આવે.

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે (ફાઈલ તસવીર)

રાજ્યમાં ગરમીનો પારો સતત ઊંચોને ઊંચો જોવા મળી રહ્યો છે. આ દરમિયાન સરકારે પણ કેટલાક સાવચેતીમાં લેવાના પગલાંના નિર્દેશ બહાર પાડ્યા હતા. રસ્તા પર પોતાના કાફલા સાથે નીકળેલા મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેએ (Maharashtra CM Eknath Shinde) જ્યારે વૃદ્ધ પોલીસ કર્મચારીઓને આવા આકરા તડકામાં પોતાની ડ્યૂટિ કરતા જોયા ત્યારે તેમણે કેટલાક પગલાં લીધા જે તમારે પણ જાણવા જોઈએ. જાણો રાજ્યના મુખ્યમંત્રીએ શું કહ્યું...

મુખ્યમંત્રી એકનાથ શિંદેએ (Eknath Shinde) બુધવારે નિર્દેશ આપ્યા કે 55 વર્ષથી વધારેની ઊંમરના ટ્રાફિક પોલીસ કર્મચારીઓને રોડ ડ્યૂટિ માટે તૈનાત ન કરવામાં આવે. પોલીસ અધિકારી વિવેક ફનસાલકરે આપેલા નિર્દેશમાં શિંદેએ કહ્યું કે સખત તડકામાં રસ્તા પર ડ્યૂટી કરતા આવાગમન પોલીસ કર્મચારીઓને શેડ (છાયડો) અને પીવાના પાણીની સુવિધા આપવામાં આવે. શિંદેએ કહ્યું કે જરૂર પડ્યે મુખ્યમંત્રી રાહત કોષમાંથી વધારાની રકમ પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે.

ટાઈમ્સ ઑફ ઈન્ડિયાના રિપૉર્ટ પ્રમાણે, અધિકારીઓએ કહ્યું કે શિંદે થાણેથી મુંબઈનો પ્રવાસ કરી રહ્યા હતા, જ્યારે તેમણે ટ્રાફિક પોલીસકર્મચારીઓને સખત તડકામાં ડ્યૂટી પર જોયા. એક અધિકારીએ કહ્યું, "સીએમએ જોયું કે તેમનામાંથી અનેક લોકો વરિષ્ઠ છે, પણ તડકામાં પોતાની ડ્યૂટિ કરી રહ્યા છે. સીએમ એકનાથ શિંદેએ તરત પોલીસ અધિકારીને પોન કર્યો અને નિર્દેશ આપ્યા કે 55 વર્ષથી વધારેની ઊંમરના લોકોને આકરા તડકામાં રસ્તા પર તૈનાત ન કરવામાં આવે."

હકિકતે મહારાષ્ટ્ર આકરી ગરમીનો સામનો કરી રહ્યું છે. રિપૉર્ટ પ્રમાણે, રાજ્યના 36માંથી 26 જિલ્લા 40 ડિગ્રી સેલ્સિયસ અને તેના વધારે સરેરાશ તાપમાન સાથે લૂની સ્થિતિનો સામનો કરી રહ્યા છે. અનેક જિલ્લામાં તો પારો 45 ડિગ્રી સુધી પહોંચી ગયો છે. તો, મુંબઈમાં આકરી ગરમીની સાથે ઉમસ પણ જોવા મળે છે.

આ પણ વાંચો : ગરમીમાં સાત કિલોમીટર ચાલ્યા બાદ સનસ્ટ્રોક લાગતાં પ્રેગ્નન્ટ મહિલાનું મૃત્યુ

ઉલ્લેખનીય છે કે ગયા શુક્રવારે જ હજી એક 21 વર્ષની સગર્ભાએ તડકામાં ચાલવાને કારણે પોતાનો જીવ ગુમાવ્યો. આમ મુંબઈ અને મહારાષ્ટ્ર સતત તાપનો સામનો કરે છે આ દરમિયાન જ્યારે પોલીસ કર્મચારીઓને પોતાની ફરજ માટે તડકામાં ઊભા રહેલા જોયા ત્યારે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે દ્વારા લેવામાં આવેલું આ પગલું ખરેખર વખાણવાલાયક છે.

Mumbai mumbai news maharashtra thane mumbai traffic police eknath shinde mumbai traffic