24 July, 2025 06:59 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
વાઈરલ વીડિયોમાંથી સ્ક્રીન શૉટ
Mumbai News: મંગળવારે સાંજે ભાંડુપ (પશ્ચિમ)માં જમીન ધસી પડવાની ઘટના બની હતી. આ બનાવની જાણ થતા જ સિવિક બોડીની ટીમો ઘટનાસ્થળે આવી ગઈ હતી. ઈમરજ્ન્સી સેવા તરફથી પણ ઝડપી પ્રતિસાદ મળ્યો હતો. આ ઘટના ખિંડીપાડામાં ઓમેગા સ્કૂલની સામે સાઈ નિકેતન સીએચએસ પાસે બની હતી. આ ઘટના જે જગ્યાએ બની છે તે સ્થળ મુંબઈનાં એ 32 મુખ્ય જોખમી સ્થળોમાંથી આવે છે જ્યાં ભૂસ્ખલનની શક્યતાઓ પહેલેથી વર્તવામાં આવી હતી.
એસ વોર્ડ કંટ્રોલ પાસેથી મળેલી માહિતી અનુસાર આ ઘટના પહેલા 22 જુલાઈના રોજ સાંજે સાડા સાત વાગ્યાની આસપાસ બની હતી. અહીં નજીકના ડુંગરાળ વિસ્તારમાંથી કાદવ અને માટી સાથેનો એક ભાગ ધસી પડ્યો હતો. જેને કારણે આસપાસના સ્ટ્રક્ચર માટે જોખમ ઊભું થયું હતું.
આજે સવારે 11:15 વાગ્યે પ્રાપ્ત થયેલા તાજેતરના અપડેટ મુજબ એસ વોર્ડ બિલ્ડિંગ અને ફેક્ટરી વિભાગના જુનિયર એન્જિનિયર દત્તા પાટિલે પુષ્ટિ કરી હતી કે સ્લાઇડને કારણે પહેલાથી ખાલી કરવામાં આવેલા બે મકાનોનો કેટલોક હિસ્સો ધસી પડ્યો હતો. વધુમાં, રહેવાસીઓને કોઈ નુકસાન ન થાય તે માટે સાવચેતીના પગલા તરીકે નજીકના ત્રણથી ચાર મકાનોને સુદ્ધા ખાલી કરાવવામાં આવ્યા છે.
મુંબઈ ફાયર બ્રિગેડ (એમએફબી), મુંબઈ પોલીસ અને વોર્ડ સ્ટાફ સહિત અનેક ઈમરજ્ન્સી એજન્સીઓને સ્થળ પર તૈનાત કરવામાં આવી હતી. હાલ સ્થિતિનું નિરીક્ષણ કરવા અને દેખરેખ માટે એનડીઆરએફ સહીતની અનેક ટીમને પણ તૈનાત કરવામાં આવી હતી. અત્યારસુધી તો આ ઘટના (Mumbai News)માં કોઈ જાનહાનિના અહેવાલ નથી.
કસારા સ્ટેશન પર ભૂસ્ખલન થતાં કાટમાળ લોકલ ટ્રેનના કોચ સાથે અથડાયો- એક મુસાફર ઘાયલ
આવી જ એક અન્ય ઘટના (Mumbai News)ની વાત કરવામાં આવે તો થાણે જિલ્લાના કસારા સ્ટેશન પર ગઈકાલે રાત્રે લોકલ ટ્રેનના કોચ પર ભૂસ્ખલન થયા બાદ કાટમાળનો ભાગ ધસી પડ્યો હતો. આ દુર્ઘટનામાં એક પેસેન્જર ઘાયલ થયો હતો, એમ સેન્ટ્રલ રેલવે (સીઆર)ના અધિકારીએ જણાવ્યું હતું. સી. આર.ના મુખ્ય જનસંપર્ક અધિકારી સ્વપ્નિલ નીલાએ જણાવ્યું હતું કે જ્યારે લોકલ ટ્રેન પ્લેટફોર્મ નં. ચારથી મુંબઈ સીએસએમટીથી લગભગ 120 કિમી દૂર કસારા સ્ટેશન પર લગભગ 9.15 વાગ્યે પહોંચી ત્યારે આ ઘટના બની હતી.
Mumbai News: ત્યારબાદ ઇજાગ્રસ્ત પેસેન્જરને સ્ટેશનના ફરજ પરના કર્મચારીઓ દ્વારા પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. એન્જિનિયરિંગ સ્ટાફે રાત્રે 9.35 વાગ્યે ટ્રેકનું નિરીક્ષણ કર્યું હતું અને તેને ટ્રેનને આગળ રવાના કરી હતી. તેઓએ જણાવ્યું હતું કે જ્યારે ટ્રેનનો પાછળથી ત્રીજો કોચ અહીંથી પસાર થઈ રહ્યો હતો ત્યારે ભૂસ્ખલન થયું હતું. ટ્રેનમાં કાદવ અને પથ્થરો પેસી ગયા હતા.