10 January, 2026 10:52 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
મહારાષ્ટ્ર પૉલ્યુશન કન્ટ્રોલ બોર્ડ (MPCB)એ વાયુપ્રદૂષણ વિરુદ્ધ કડક કાર્યવાહીના ભાગરૂપે મુંબઈ મેટ્રોપૉલિટન રીજન (MMR)માં છેલ્લા બે દિવસમાં ૧૦ રેડી-મિક્સ કૉન્ક્રીટ (RMC) પ્લાન્ટ બંધ કરી દીધા છે અને ૮૪ લાખ રૂપિયાનો દંડ વસૂલ કર્યો છે.
MPCBની ફ્લાઇંગ સ્ક્વૉડ દ્વારા ૪૪ RMC પ્લાન્ટનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું અને નક્કી કરેલા ડસ્ટ કન્ટ્રોલ નિયમોનું ઉલ્લંઘન કરતા અનેક એકમો મળી આવ્યા હતા. નિરીક્ષણ બાદ ડોમ્બિવલી, કલ્યાણ, અંબરનાથ, ભિવંડી, તુર્ભે, વિરાર અને વરલીમાં આવેલા ૧૦ પ્લાન્ટને કામગીરી બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો તેમ જ ૧૭ પ્લાન્ટને કારણદર્શક નોટિસ આપવામાં આવી હતી. આ ઉપરાંત ૪ યુનિટને આગળની કાર્યવાહી માટે વચગાળાના નિર્દેશો આપવામાં આવ્યા હતા.
આ ઉપરાંત સ્ક્વૉડે ૨૯ કન્સ્ટ્રક્શન સાઇટ્સનું પણ નિરીક્ષણ કર્યું હતું, જેમાં વાયુપ્રદૂષણના નિયમોનું ઉલ્લંઘન જણાયું હતું. એવા પાંચ પ્રોજેક્ટ્સ માટે પણ નિર્દેશો આપવામાં આવ્યા હતા. હાઈ કોર્ટના નિર્દેશ બાદ ડિસેમ્બરથી હાથ ધરેલી આ ઝુંબેશમાં MPCBએ MMRમાં ૨૨૪૦ RMC પ્લાન્ટનું નિરીક્ષણ કર્યું છે અને ૪.૩૫ કરોડ રૂપિયાનો દંડ વસૂલ કર્યો છે.