09 July, 2024 03:01 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ખુલ્લી ગટરમાં પડી ગયેલા સિનિયર સિટિઝન
રવિવારે રાતે મુંબઈમાં પડેલા ભારે વરસાદને લીધે બોરીવલી-વેસ્ટમાં સાંઈબાબા નગરમાં ચાચા નેહરુ ઉદ્યાન પાસેના રસ્તા પર કમર સુધીનાં પાણી ભરાઈ ગયાં હતાં. એ પછી પાણીના નિકાલ કરવા માટે બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)ના સ્ટાફે ફુટપાથ પરની ગટરનું ઢાંકણું ખોલી નાખ્યું હતું. દરમ્યાન એક ઉત્તર ભારતીય સિનિયર સિટિઝન આજે સવારે અહીંથી નીકળ્યા ત્યારે તેઓ આ ખુલ્લી ગટરમાં પડી જતાં તેમના પગમાં ગંભીર ઈજા પહોંચી હતી. તેઓ ઊભા થઈને ચાલી પણ નહોતા શકતા એવી તેમની હાલત થઈ ગઈ હતી એટલે એક યુવાને તેમને હાથ પકડીને ઊભા કર્યા હતા. આ ઘટનાનો વિડિયો સોશ્યલ મીડિયામાં વાઇરલ થયા બાદ લોકોએ સવાલ કર્યા કે ‘મુંબઈગરાઓ ટૅક્સ ભરે છે એના બદલામાં દર ચોમાસે પાણી ભરાવાની સમસ્યાનો તેમણે સામનો કરવો પડે છે. BMC કેમ કોઈ કાયમી ઉકેલ નથી શોધતી?’
ડ્રેનેજલાઇનના મૅનહોલને જાળીથી કવર કરવામાં આવ્યો હતો
સાંઈબાબા નગરમાં રસ્તાની વચ્ચેથી પસાર થતી ડ્રેનેજલાઇનના મૅનહોલનું ઢાંકણું તૂટી ગયું છે એટલે વરસાદમાં અહીં ગમે ત્યારે દુર્ઘટના સર્જાઈ શકે છે. આ બાબતને ધ્યાનમાં રાખીને આ મૅનહોલની ફરતે લોખંડની જાળી મૂકી દેવામાં આવી છે.