મુંબઈને પૂરરાહતના કામ માટે તાત્કાલિક ૫૦૦ કરોડ રૂપિયાની ફાળવણી

28 June, 2025 09:28 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

NDMAએ BMCને પૂરની પરિસ્થિતિને નિયંત્રિત કરવા માટેનો ઍક્શન પ્લાન તૈયાર કરવાનો નિર્દેશ આપ્યો છે

ફાઇલ તસવીર

મુંબઈને તાત્કાલિક પૂરરાહતના કામ માટે નૅશનલ ડિઝૅસ્ટર મૅનેજમેન્ટ ઑથોરિટી (NDMA) તરફથી ૫૦૦ કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે. આ વર્ષે મુંબઈમાં ચોમાસાનું આગમન ભારે વરસાદ સાથે થયું હતું જેને કારણે ઠેકઠેકાણે પાણી ભરાઈ જવાની સાથે પૂર જેવી સ્થિતિ ઊભી થઈ હતી. તેથી પૂરરાહતને લગતાં કામ તાત્કાલિક હાથ ધરવામાં આવે એ ઉદ્દેશથી NDMAએ ફન્ડ ફાળવ્યું છે.

NDMAએ BMCને પૂરની પરિસ્થિતિને નિયંત્રિત કરવા માટેનો ઍક્શન પ્લાન તૈયાર કરવાનો નિર્દેશ આપ્યો છે. એમાં હાઈ-રિસ્ક એરિયાનું રૂબરૂ પરીક્ષણ કરીને વિગતવાર પ્લાન બનાવવાની ભલામણ કરવામાં આવી છે. આ ઉપરાંત વરસાદી પાણીના નિકાલ માટેની વ્યવસ્થાને બહેતર બનાવવા માટે પણ BMC માસ્ટરપ્લાન બનાવશે. એમાં દર કલાકે વરસાદના ૧૨૦ મિલીલીટર પાણીનો નિકાલ થઈ શકે એવી વ્યવસ્થા કરવાનો પ્લાન છે. હાલમાં મુંબઈની ગટરોમાં પંચાવન મિલીલીટર વરસાદી પાણીનો નિકાલ કરવાની ક્ષમતા છે.

રાજ્યના સાંસ્કૃતિક અને ઇન્ફર્મેશન ટેક્નૉલૉજીના પ્રધાન તેમ જ મુંબઈના પાલક પ્રધાન આશિષ શેલારે મુંબઈમાં નવાં ચાર પમ્પિંગ-સ્ટેશન બનાવવાની જાહેરાત કરી હતી, જેને કારણે વરસાદી પાણી ભરાવાની સમસ્યા હળવી થશે. 

mumbai news mumbai brihanmumbai municipal corporation maharashtra